દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને ડી.એ.પી ખાતરની અવેજીમાં વાપરી શકાય તેવા ખાતરોનો ઉપયોગ કરવા અનુરોધ
આગામી ચોમાસુ સીઝન દરમિયાન ખાતરની ખરીદી કરવામાં સાવચેતી રાખવા તેમજ અધિકૃત ખાતર વિક્રેતા પાસેથી જ ખાતરની ખરીદી પાક્કા બિલથી કરવા ખેડૂતોને નાયબ ખેતી નિયામક, વિસ્તરણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખાતરની પસંદગી કરવામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં સૌપ્રથમ તો પાકને ક્યાં ક્યાં તત્વોની અને કેટલા પ્રમાણમાં જરૂર છે તે મુજબ રાસાયણિક ખાતરો પસંદ કરવા જોઇએ. ચોમાસુ વાવેતરમાં દરમિયાન ડી.એ.પી. ખાતરની અવેજીમાં તેના વિકલ્પ તરીકે અન્ય ખાતરો પસંદ કરવા કારણ કે છોડને ફક્ત ડી.એ.પી. જ નહીં, અન્ય ખાતર દ્વારા પણ પોષણ આપી શકાય છે. ડી.એ.પી. ખાતરમાં ૧૮% નાઇટ્રોજન અને ૪૬% ફોસ્ફરસ હોય છે. ડી.એ.પી.ની જગ્યાએ એન.પી.કે. ૧૨-૩૨-૧૬ કે અન્ય કોઇ ગ્રેડ, એસ.એસ.પી. કે નેનો ડી.એ.પી. પણ વાપરી શકાય છે.
ડી.એ.પી. ની જગ્યાએ સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરી શકાય છે. એસ.એસ.પી.માં ફોસ્ફરસ ૧૬ ટકા, સલ્ફર ૧૨.૫ ટકા અને કેલ્શિયમ ૨૧ ટકા મળે છે. મગફળી જેવા તેલીબીયા પાકમાં એસ.એસ.પી. ખાતરનો ઉપયોગ કરવાથી તેને જરૂરી એવા સલ્ફર અને કેલ્શીયમ તત્વો મળી રહે છે અને અલગથી આપવાની જરૂર રહેતી નથી.
ડી.એ.પી.ની જગ્યાએ એન.પી.કે. (૧૨:૩૨:૧૬એન.પી.કે ૧૨:૩૨:૧૬ અથવા ૨૦:૨૦:૦૦ અથવા ૨૦:૨૦:૦૦:૧૩ અથવા અન્ય કોઇ ગ્રેડના ખાતરોનો ઉપયોગ કરી શકાય છે. મોટા ભાગના ખેડૂતો પોટાશનો ઉપયોગ કરતા નથી. જ્યારે પોટાશ તત્વ છોડ માટે જરૂરી મુખ્ય પોષક તત્વ છે. એન.પી.કે (૧૨:૩૨:૧૬) ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ૩ મુખ્ય પોષક તત્વો છે. પોટાશનો ઉપયોગ અન્ય પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરે છે. કારણ કે પોટાશ પાકમાં છિદ્રોના ખોલવા અને બંધ થવાને નિયંત્રિત કરે છે. પોટાશ બીજની ચમક તથા છોડમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેનાથી રોગ ઓછા થાય છે અને પાકનું ઉત્પાદન વધે છે. એવી જ રીતે ૨૦:૨૦:૦૦:૧૩ માં નાઇટ્રોજન અને ફોસ્ફર સિવાય સલ્ફર તત્વ મળી રહે છે જે તેલીબીયા પાકમાં ખુબ જ ઉપયોગી છે.
નેનો ડી.એ.પી.ને બીજ માવજત તરીકે ૧ કિલો બીજ માં ૫ મિલી નેનો ડી.એ.પી.નો ઉપયોગ કરી શકાય. જ્યારે પાક ૩૦ દિવસનો થાય ત્યારે એક પંપમાં પાક મુજબ ૨૫ થી ૪૦ મિલી ભેળવી ઉભા પાકમાં છંટકાવ કરી શકાય છે. નેનો ડી.એ.પી. થી જમીન બગડતી નથી અને છોડ પુરે પુરા તત્વોનો ઉપયોગ કરી શકે છે.
ડી.એ.પી. ખાતરની અવેજીમાં ઉપર મુજબનાં ખાતરો વાપરી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો ઘનજીવામૃત નો ઉપયોગ પાયાના ખાતર તરીકે શકે છે અને પાછળથી જીવામૃત પાણી સાથે જમીનમાં અથવા ઉપરથી છંટકાવ પણ કરી શકાય છે. વધુ માહીતી માટે ખેતીવાડી વિભાગનાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી), આત્માના એ.ટી.એમ.અને બી. ટી.એમ., ખેતીવાડી અધિકારી અને જિલ્લાકક્ષાએ આવેલ સુકી ખેતી શંસોધન કેન્દ્રનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવે છે.