↵ખંભાળિયા: કેનેડી ગામેથી ગેરકાયદેસર બોક્સાઇટનું વહન અને સંગ્રહ પકડી પાડતી એલસીબી
આશરે ૧૦૫ ટન જેટલો જથ્થો સીઝ : ટ્રકમાં ભરેલ ૩૬ ટન ખનીજ પકડી પાડયુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામેથી ગેરકાયદેસર બોક્સાઇટનું વહન અને સંગ્રહ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ ડામવા આપવામાં આવેલી સૂચના મુજબ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત હતી.
આ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. અરજણભાઇ મારૂ, ડાડુભાઇ જોગલ અને હેડ કોન્સ્ટેબલ ખીમાભાઇ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેનેડી ગામની સીમમાં આવેલ ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીઝ (મોહનભાઇ મુળજીભાઇની ચકી) ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટ્રક નંબર જીજે.૩૭.ટી.૭૫૨૫ માં બિન અધિકૃત રીતે બોક્સાઇટનો જથ્થો ભરી લક્ષ્મી મિનરલ્સમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવી રહ્યો હતો.
આ કાર્યવાહી અંતર્ગત પોલીસે હનુમાનગઢ ગામ પાસે રોડ પરથી ટ્રક ચાલક ભિખુભાઇ કરશનભાઇ જાડેજા (રહે. કેનેડી) ને ટ્રક સાથે પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે કેનેડીની ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીઝમાંથી અગાઉ પણ ત્રણ ટ્રકો ગેરકાયદેસર રીતે બોક્સાઇટ ભરીને હનુમાનગઢ ખાતેની લક્ષ્મી મિનરલ્સમાં પહોંચાડવામાં આવી હતી.
આ માહિતીના આધારે એલ.સી.બી. અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે લક્ષ્મી મિનરલ્સમાં તપાસ હાથ ધરી ત્યાં સંગ્રહિત કરવામાં આવેલ આશરે ૧૦૫ ટન બોક્સાઇટનો જથ્થો સીઝ કર્યો હતો. આ ઉપરાંત ટ્રકમાં ભરેલ ૩૬ ટન ખનીજનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં આ સમગ્ર મામલે ભૂસ્તરશાસ્ત્રી, ખાણ ખનીજ વિભાગને અહેવાલ સુપરત કરી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ સફળ ઓપરેશનમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીની આગેવાનીમાં એ.એસ.આઈ. અરજણભાઇ મારૂ, ડાડુભાઇ જોગલ, દિપકભાઇ રાવલીયા, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઇ કરમુર, જેઠાભાઇ પરમાર અને સહદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.