જામનગરના સેવા સદન-૪માં સવા વર્ષથી અગ્નિશામક સાધનો એકસપાયર
અહો આશ્ર્ચર્યમ: સેવા સદનમાં ૧૫ થી વધુ સરકારી કચેરી કાર્યરત આગ લાગે તો કૂવો ખોદવો પડે તેવી સ્થિતિ, ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો પર ઝંળુબતુ જોખમ
લોબીમાં લાદી ઉખડી અને બેસી ગઇ છે: રેકર્ડ અને અન્ય સામાન અસ્તવ્યસ્ત હોય ધૂળના થર જામી ગયા છે: પ્રથમ માળે આવેલું પીવાના પાણીનું કૂલર બંધ હોય શોભાના ગાંઠીયા સમાન
જામનગરના સેવા સદન-૪માં ફાયર એકિસ્ટીંગ્યુશર એટલે કે અગ્નિશામક સાધનો સવા વર્ષથી એકસપાયર થઇ ગયા હોય ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. આ સેવા સદનમાં ૧૫ થી વધુ સરકારી કચેરીઓ કાર્યરત હોય આગ લાગે તો કૂવો ખોદવો પડે તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે તો ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે. નવાઇની વા તો એ છે કે સેવા સદન-૪માં નીચેની લોબીમાં લાદી ઉખડી અને બેસી ગઇ છે. રેકર્ડ અને અન્ય સામાન અસ્તવ્યસ્ત હોય ધૂળના થર જામી ગયા છે. પ્રથમ માળે આવેલું પાણીનું કૂલર બંધ હોય શોભાના ગાંઠીયા સમાન બન્યું છે.
જામનગરમાં સુભાષબ્રીજથી ગુલાબનગર જતા માર્ગ પર ચેમ્બર ઓફ કોમર્સની સામે જિલ્લા સેવાસદન-૪ આવેલું છે. આ સેવા સદનમાં બાળ સુરક્ષા એકમ, સિંચાઇ વિભાગની જુદી-જુદી કચેરી, જાહેર ટ્રસ્ટો સંબધિત કચેરી, ખેતી નિયામક કચેરી, જાતિના દાખલા સબંધિત કામગીરી સહીત ૧૫ થી વધુ કચેરીઓ કાર્યરત છે. આથી સ્વાભાવિક રીતે સેવા સદન-૪માં અધિકારીઓ અને કર્મચારીઓની સાથે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો જુદી-જુદી કામગીરી માટે આવે છે. અન્ય સરકારી કચેરીની જેમ બે માળના સેવા સદન-૪ની ઇમારતમાં ફાયર એકિસ્ટીંગ્યુશર એટલે કે અગ્નિશામક સાધનો મૂકવામાં આવ્યા છે. પરંતુ નવાઇની વાત એ છે કે, આ એકિસ્ટીંગ્યુશરની ડેઇટ ઓફ જોબ તા.૧૫-૦૩-૨૦૨૪ હતી અને મુદત તા.૧૪-૦૩-૨૦૨૫ હતી. એટલે કે ૧૪-૦૩-૨૦૨૫ ના એકસપાયરી થતા હોય પુન:રીફ લીંગ કરાવાના હોય છે. પરંતુ સેવા સદનમાં આવેલા ફાયર એકસ્ટીંગ્યુશર આજની તારીખે રીફીલીંગ થયા ન હોય સવા વર્ષથી એકસપાયર થયેલા હોય ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલો ઉઠ્યા છે. આટલું જ નહીં ફાયર સીસ્ટમ છે તેના બોકસના કાચ તૂટી ગયા છે. તદઉપરાંત આ ફાયર સીસ્ટમ આવેલી છે તે કાર્યરત છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. જેના કારણે હાલ તો સેવા સદન-૪માં અકસ્માતે આગનો બનાવ બને તો કૂવો ખોદવો પડે તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. જેના કારણે સેવા સદન-૪માં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જુદી-જુદી કામગીરી માટે આવતા અરજદારો પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે.
આટલું ઓછું હોય તેમ સેવા સદન-૪માં નીચેની લોબીમાં અમુક સ્થળે લાદીઓ ઉખડી ગઇ છે તો અમુક સ્થળે લાદીઓ બેસી ગઇ છે. તદઉપરાંત સેવાસદનની લોબીમાં સામાન તથા રેકર્ડના પોટલા અસ્તવ્યસ્ત પડયા છે. જેના પર ધૂળના થર જામી ગયા છે. પટાંગણમાં પણ બીનજરૂરી ટેબલ સહીતની અન્ય ચીજવસ્તુઓ પડી છે તો સફાઇના અભાવે ગંદકી જોવા મળી રહી છે. નવાઇની વાત તો એ છે, હજુ ગરમી અને બફારો યથાવત છે ત્યારે પ્રથમ માળે આવેલું પીવાના પાણીનું કૂલર બંધ હાલતમાં હોય શોભાના ગાંઠીયા સમાન બન્યું છે.પટાંગણમાં ફુલ-છોડની આગળ રાખવામાં આવેલી જાળી અમુક સ્થળે તૂટી ગઇ છે. સેવા સદનની લોબીમાં કૂતરા આંટાફેરા કરતા પણ જોવા મળી રહ્યા છે. જેના કારણે સેવા સદનની ઇમારતની જાળવણી સામે સવાલો ઉભા થયા છે. બહારથી રૂપકડા દેખાતા સેવા સદન-૪માં અંદર આ પ્રકારની સમસ્યાથી સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.
સ્વચ્છતા અભિયાન સામે પ્રશ્ર્નાર્થ, સરકારી કચેરીઓમાં જ ગંદકી...!
સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત છાશવારે જુદા-જુદા જાગૃતિ સહીતના કાર્યક્રમો યોજાય છે. આટલું જ નહીં લોકોને સ્વચ્છતાના શપથ પણ લેવડાવામાં આવી રહ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, સ્વચ્છતા અભિયાનનો ખુદ સરકારી કચેરીઓમાં જ અમલ થતો નથી, એટલે કે અભાવ જોવા મળી રહ્યો છે. સરકારી કચેરીઓમાં ઠેર-ઠેર પાનની પીચકારી, શૌચાલયોની સફાઇની અભાવ સહીતની સમસ્યાથી ગંદકી જોવા મળી રહી છે. સેવા સદન-૪માં પણ પટાંગણ તેમજ કચેરીમા ઠેક-ઠેકાણે કચરો અને ગંદકી જોવા મળતા અનેક સવાલ ઉઠ્યા છે.
સરકારી ઇમારતોમાં ફાયરના નિયમોની અમલવારી કોણ કરાવશે ?
જામનગરમાં મહાનગરપાલીકા અને વહીવટીતંત્ર દ્વારા ખાનગી હોટલો,રેસ્ટોરન્ટ ,હોસ્પિટલો સહીતના કોર્મશીયલ અને રહેણાંક ઇમારતોમાં ફાયરના નિયમોની અમલવારી કરવામાં આવી રહી છે. આટલું જ નહીં ફાયરના નિયમોનું ૫ાલન ન કરનાર એકમો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે આવકારદાયક છે. પરંતુ સરકારી ઇમારતોમાં ફાયરના નિયમોનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. સેવા સદન-૪માં સવા વર્ષથી ફાયર એકિસ્ટીંગ્યુશર એકસપાયર થઇ ગયા હોય તે તેનો બોલતા પુરાવા સમાન છે.