BREAKING NEWS

જૈશના 5 આતંકીઓ મસ્જિદોમાં ભેગા થઈ આ ખુફિયા કામ કરતા, 2023થી ઓનલાઈન બોમ્બ બનાવવાની ટ્રેનિંગ લેતા

  • July 17, 2026 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવાના અભિયાનમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને વધુ એક સફળતા મળી છે. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' (JeM) ના પકડાયેલા પાંચ સક્રિય આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સિદ્ધપુરથી પકડાયેલા આ પાંચેય આતંકીઓ કથિત જેહાદના રસ્તે વર્ષ ૨૦૨૩થી જ બોમ્બ બનાવવાની અને આઈઈડી (IED) એસેમ્બલ કરવાની કટ્ટર ટ્રેનિંગ ઓનલાઈન મેળવી રહ્યા હતા. કડી કોર્ટે આ તમામ આરોપીઓના ૮ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા બાદ એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.


મળતી માહિતી અનુસાર, આ આતંકીઓ ભારતમાં મોટી તબાહી મચાવવાના ઈરાદા સાથે વર્ષ ૨૦૨૩થી જ સક્રિય થઈ ગયા હતા. તેઓએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ તેમજ સ્થાનિક બજારમાંથી ગન પાઉડર અને વિસ્ફોટકો બનાવવા માટેનું રો-મટીરીયલ (કાચો માલ) એકત્ર કર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અત્યંત શાતિર મગજ ધરાવતા આ આરોપીઓએ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં અલગ-અલગ નિર્જન જગ્યાઓ શોધીને કુલ ૮ વખત એક્સપ્લોઝિવ ટાઈમર મિકેનિઝમથી આઈઈડી (IED) બ્લાસ્ટ કરવાના સફળ પરીક્ષણો (ટેસ્ટિંગ) પણ કરી લીધા હતા. આ બાબત દર્શાવે છે કે તેઓ કોઈ મોટા હુમલાની બિલકુલ નજીક પહોંચી ગયા હતા.


પ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે, પકડાયેલા આ તમામ આતંકવાદીઓ રાજ્યના વિવિધ મદ્રેસાઓ સાથે જોડાયેલા હતા. તેઓ ત્યાં રહીને જ આતંકી વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. સામાન્ય અને નિર્દોષ યુવાનોને પોતાના નેટવર્કમાં ભેળવવા માટે તેઓ જૈશના સ્થાપક મસૂદ અઝહરના ઝેરીલા જેહાદી ભાષણો અને વીડિયો પેનડ્રાઈવ મારફતે અન્ય લોકોને વહેંચતા હતા. આ સિવાય, તેઓ મસ્જિદોમાં ગુપ્ત રીતે ભેગા થઈને આઈઈડી (IED) ડેટોનેટર એસેમ્બલ કરવા જેવા અતિ જોખમી કામોની તાલીમ લેતા-આપતા હતા. મદ્રેસાના અન્ય વિદ્યાર્થીઓને આ કાળા કારનામામાં જોડવા માટે તેઓએ અત્યાર સુધીમાં ત્રણ વખત ગુપ્ત રીતે 'દાવત' નું આયોજન પણ કર્યું હતું.


ઉલ્લેખનીય છે કે, અગાઉ ૩ જુલાઈએ એટીએસની પાંચ ટીમોએ ઓપરેશન પાર પાડીને ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશના ૮ આતંકીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓની ઊંડી પૂછપરછ બાદ ખુલેલી કડીઓના આધારે જ ૧૬ જુલાઈએ આ વધુ ૫ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં એટીએસની ટીમ આ તમામ આતંકીઓ કોના સંપર્કમાં હતા, તેમને ફંડિંગ કોણ પૂરું પાડતું હતું અને ગુજરાતમાં તેમનો આગામી ટાર્ગેટ શું હતો, તે દિશામાં કડક હાથે તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application