BREAKING NEWS

હાલારમાં બોર્ડના પરિણામમાં ઘટાડો, શિક્ષણમાં મંથનની આલબેલ

  • May 07, 2026 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં બોર્ડના પરિણામમાં ઘટાડો, શિક્ષણમાં મંથનની આલબેલ

વિશ્ર્લેષણ: ગત વર્ષની સરખામણીએ ધો.૧૦ માં વિધાર્થીઓ ઘટયા તો ધો.૧૨માં વઘ્યા છતાં પરિણામ ઘટયું, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દેખાવ વધુ નબળો રહ્યો.

બંને જિલ્લામાં ગુણવતાયુકત શિક્ષણનો અભાવ કે વિધાર્થીઓની ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડ પ્રત્યે ઘટતી રૂચિ કારણભૂત તે સળગતો સવાલ

હાલારમાં ધો.૧૦ અને ૧૨ના બોર્ડના પરિણામમાં ગત વર્ષ કરતા થયેલો ઘટાડો શિક્ષણમાં મંથનની આલબેલ સમાન છે. ગત વર્ષની સરખામણીએ ધો.૧૦માં વિધાર્થીઓ ઘટયા છે તો ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.

આમ છતાં પરિણામ ઘટયું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દેખાવ વધુ નબળો રહ્યો છેે. આથી બંને જિલ્લામાં ગુણવતાયુકત શિક્ષણનો અભાવ કે વિધાર્થીઓની ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડ પ્રત્યે ઘટતી રૂ​​​​​​​ચિ કારણભૂત છે તે સળગતો સવાલ ઉઠ્યો છે. 

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધો.૧૦નું ૮૦ ટકાથી વધુ અને ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૦ ટકાથી વધારે તો વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૫ ટકાથી વધુ આવ્યું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ બંને જિલ્લાના બોર્ડના પરિણામમાં ઘટાડો થયો છે. જે બંને જિલ્લામાં વિધાર્થીઓને આપવામાં આવતા શિક્ષણ અંગે મંથન કરવાનો વિષય બન્યો છે. વર્ષ-૨૦૨૫માં જામનગર જિલ્લામાં ૧૪૭૯૭માંથી ૧૪૫૫૭ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાથી ૧૨૪૫૪ વિધાર્થીઓ ઉર્તીણ થતાં ૮૫.૫૫ ટકા પરિણામ આવ્યું હતું. જેની સામે વર્ષ-૨૦૨૬માં ૧૪૪૪૩ માંથી ૧૪૨૩૨ છાત્રોએ પરીક્ષા આપતા ૧૨૧૦૯ વિધાર્થીઓ ઉર્તીણ થતાં ૮૫.૦૮ ટકા પરિણામ આવ્યું છે.આથી જામનગર જિલ્લાના પરિણામમાં ૦.૪૭ ટકાનો આંશિક ઘટાડો થયો છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો.૧૦માં વર્ષ-૨૦૨૫માં ૭૯૫૬માંથી ૭૮૪૩ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૬૫૪૭ છાત્રો ઉર્તીણ થતાં ૮૩.૪૮ ટકા પરિણામ આવ્યું હતું.

જયારે વર્ષ-૨૦૨૬માં દ્વારકા જિલ્લામાં ૭૭૧૫માંથી ૭૫૯૧ છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પૈકી ૬૦૯૪ છાત્ર ઉર્તીણ થતાં ૮૦.૨૮ ટકા પરિણામ આવ્યું છે. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધો.૧૦ના પરિણામમાં ૩.૨૦ ટકાનો નોેંઘપાત્ર ઘટાડો નોંધાયો છે.

જામનગર જિલ્લામાં વર્ષ-૨૦૨૫માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા ૭૫૨૬માંથી ૭૫૦૬ છાત્રોએ પરીક્ષા આપી હોય ૯૩.૬૧ ટકા પરિણામ આવ્યું હતું. જયારે વર્ષ-૨૦૨૬માં નોંધાયેલા ૮૦૨૦ માંથી ૮૦૦૦ છાત્રોએ પરીક્ષા આપી હોય ૯૨.૯૯ ટકા પરિણામ આવ્યું છે.

આથી પરિણામમાં ૦.૬૨ ટકાનો આંશીક ઘટાડો નોંધાયો છે. જયારે દેવભૂૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ-૨૦૨૫માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા ૩૨૩૩ માંથી ૩૨૨૮ છાત્રોએ પરીક્ષા આપી હોય ૯૫.૬૯ ટકા પરિણામ આવ્યું હતું. જેની સામે વર્ષ-૨૦૨૬માં નોંધાયેલા ૩૪૫૭માંથી ૩૪૪૩ છાત્રએ પરીક્ષા આપી હોય ૯૫.૨૭ ટકા પરિણામ આવ્યું હતું. આથી પરિણામમાં ૦.૪૨ ટકાનો નજીવો ઘટાડો નોંધાયો છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામના આંકડા જોઇએ તો જામનગર જિલ્લામાં વર્ષ-૨૦૨૫માં નોંધાયેલા ૨૦૨૫માંથી ૧૬૨૦ છાત્રોએ પરીક્ષા આપી હોય ૯૦.૮૫ ટકા પરિણામ આવ્યું હતું. જેની સામે વર્ષ-૨૦૨૬માં નોંધાયેલા ૧૮૩૧માંથી ૧૮૨૨ છાત્રએ પરીક્ષા આપી હોય ૮૯.૯૦ ટકા પરિણામ આવ્યું હતું. આથી પરિણામમાં ૦.૯૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ-૨૦૨૫માં વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા ૨૯૬ તમામ છાત્રોએ પરીક્ષા આપી હોય ૯૦.૮૮ ટકા પરિણામ આવ્યું હતું. જયારે વર્ષ-૨૦૨૬માં નોંધાયેલા ૩૨૨ માંથી ૩૨૦ છાત્રએ પરીક્ષા આપી હોય ૮૬.૮૮ ટકા પરિણામ આવ્યું હતું. આથી પરિણામમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલારના બોર્ડના પરિણામના ગતવર્ષ અને આ વર્ષના આંકડા જોઇએ તો ધો.૧૦ માં વિધાર્થીઓ ઘટયા તો ધો.૧૨માં વઘ્યા છતાં પરિણામ ઘટયું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દેખાવ ખૂબજ નબળો રહ્યો છે. આથી પરિણામના ઘટાડા પાછળ બંને જિલ્લામાં ગુણવતાયુકત શિક્ષણનો અભાવ કે વિધાર્થીઓની ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડ પ્રત્યે ઘટતી રૂ​​​​​​​ચિ કારણભૂત તે સળગતો સવાલની સાથે શિક્ષણમાં મંથનનો વિષય બન્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application