જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી સ્ક્રેપના વેપારીનો આપઘાત
ત્રણ શખ્સ સામે મરવા માટે મજબુર કર્યાની ફરીયાદ: સ્યુુસાઇડ નોટ મળી આવી: લોન લીધા બાદ હપ્તા ભરવા વ્યાજના ચક્રમાં ફસાતા પઠાણી ઉઘરાણી અને ધમકી આપી
જામનગરમાં વ્યાજખોરોની દાદાગીરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવાન પાસે ઉઘરાણી કરી ત્રાસ આપવામાં આવતો હોય જેથી યુવાને આપઘાત કરી લીધો હતો, દરમ્યાનમાં યુવકને મરવા મજબુર કર્યાની ૩ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ભંગાર-સ્ક્રેપનો વ્યવસાય કરતા આશિષભાઈ કિશોરભાઈ ચાંદ્રા (ઉ.વ. ૩૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકના મોટા ભાઈ અમરીશભાઈ કિશોરભાઈ ચાંદ્રાની ફરિયાદના આધારે પોલીસે જામનગરના પટેલ પાર્કમાં રહેતા નિલેશ રઘુ ગંઢા, ૮૦ ફુટ રીંગ રોડ મયુરગ્રીન સોસાયટી ખાતે રહેતા શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને શંકરટેકરી વિસ્તાર શાસ્ત્રીનગરમાં રહેતા મુન્ના વલ્લભ વશીયર તેમજ તપાસમાં જે ખુલે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ આશિષભાઈએ વર્ષ ૨૦૧૮માં કેપરી ગ્લોબલ ફાઈનાન્સ માંથી માતાના નામના મકાન પર મોર્ગેજ રાખી આશરે ૨૫.૯૪ લાખની લોન લીધી હતી. જેના હપ્તા તેઓ ભરતા હતા, દરમ્યાનમાં લોનના હપ્તા હપ્તા ભરવામાં પહોચાણ થતુ ન હોય જેથી સમયસર ભરાઈ શક્યા નહોતા.
આર્થિક સંકડામણ વચ્ચે આશિષભાઈએ લોનના હપ્તા ભરવા માટે નિલેશ ગંઢા, શિવરાજસિંહ અને મુનાભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ફરિયાદ મુજબ આ ત્રણેય આરોપીઓ સતત વ્યાજની ઉઘરાણી કરી ધમકીઓ આપતા અને માનસિક ત્રાસ પહોંચાડતા હતા. ઘટનાના એક દિવસ અગાઉ આશિષભાઈએ તેમના ભાઈને ફોન કરી પોતે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયા હોવાનું તથા ઉઘરાણીના દબાણથી પરેશાન હોવાનું જણાવ્યું હતું.
આશિષભાઈએ ઉઘરાણીથી પરેશાન થઇને સ્યુસાઇડ નોટ લખી રહેણાંકે ઝેરી દવા પી લેતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટ સહિતના પુરાવાના આધારે નિલેશ રઘુભાઈ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુનાભાઈ વલ્લભભાઈ વસિયર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં તપાસ દરમિયાન જવાબદાર જણાય તેવા અન્ય વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગેની તપાસ સીટી-સી પોલીસ ચલાવી રહી છે.