દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની ઉજવણી : સાંજે રથયાત્રા
ચાંદીના રથમાં બિરાજમાન શ્રીજીના ઉત્સવ સ્વરૂપની ભાવિકોની ઉપસ્થિતિમાં ચાર પરિક્રમા યોજાશે: કાલે હાંડી ઉત્સવ ઉજવાશે
હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું વિશિષ્ટ મહત્વ છે, હિન્દુ તારીખ મુજબ અષાઢ માસની શુકલ પક્ષની બીજ એટલે અષાઢી બીજ, આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે, જેની સમગ્ર દેશમાં આસ્થાપૂર્વક ભગવાન જગન્નાથનું પૂજન કરવામાં આવે છે.જેના ભાગપે અષાઢી બીજના પૂર્વ દિવસે દ્વારકાધીશ જગતમંદિરમા આજે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનું આયોજન કરાયું છે. આજે સાંજે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. કાલે હાંડી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મંદિર પરિસરમાં પૂજારી પરિવાર દ્વારા આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે. રથયાત્રા મહોત્સવનો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા મંદિર પૂજારીગણની યાદીમાં જણાવાયું છે. નિજમંદિર સામે દેવકીજી મંદિર નજીકના સ્તંભ સાથે રથને અથડાવી સચરાચર વર્ષાની કામના કરાશે.
દ્વારકાધીશ મંદિરના વારાસદાર પૂજારી પ્રણવ રાજેન્દ્રભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું કે, દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવીને ભકતો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બાળ સ્વરૂપે સફેદ ચાંદીના અશ્વો અને ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે. શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે. જે અનુસાર રથયાત્રા દરમ્યાન ઠાકોરજીના બાલસ્વરૂપની ચાર પરિક્રમાં જગતમંદિર પરિસરમાં યોજવામાં આવશે. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપની મુખ્ય મંદિરની ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલાં માતા દેવકીજીના મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અથડાવવામાં આવશે.
લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો - લોકોના ઘર ધન-ધાન્યથી ભરાય છે તેવી માન્યતા છે.
દ્વારકા નજીક સુવર્ણ તીર્થ ખાતે આવેલ અને ભગવાન શ્રીકૃષ્ણના જગન્નાથ સ્વરૂપના પ્રાકટય સ્થાન ગણાતા જગન્નાથજી મંદિરે દર વર્ષે અષાઢી બીજના રોજ હાંડી ઉત્સવ મનાવવામાં આવે છે. દ્વારકાના સુવર્ણતીર્થ ખાતે ગુરૂવાર તા.૧૬.૦૭.૨૦૨૬ ના હાંડી ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે.
મંદિરના મહંત બજરંગદાસ બાપુના જણાવ્યાનુસાર ગુરૂવારે સવારે ૬.૩૦ કલાકે મંગલા દર્શન થશે. દિવસ દરમ્યાન ઓખામંડળ અને હાલારતીર્થમાંથી આવતા મહિલા દર્શનાર્થીઓ દ્વારા સવારથી સાંજ સુધી ભજન-કીર્તન અને હાંડી ઉત્સવની ઉજવણી કરાશે. આ ઉત્સવમાં દ્વારકા તીર્થક્ષેત્રની આસપાસના સંસ્કૃત વિદ્યાલયોના ઋષિકુમારો પણ જોડાશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરશે. હાંડી ઉત્સવની વિશેષતા એ છે કે સાત હાંડીમાં નીચેની હાંડી પ્રજવલિત કરવામાં આવે છે જેની જયોત ઉપરની હાંડી સુધી પહોંચે છે. બપોરે પ્રસાદીપ ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
અષાઢી બીજનું મહત્વ:
વણજોયું મુહૂર્ત: આ દિવસે કોઈ પણ નવું કાર્ય, વેપાર, કે ગૃહપ્રવેશ શરૂ કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી.કચ્છી નવું વર્ષ: અષાઢી બીજના દિવસે કચ્છમાં કચ્છી સંવતની શરૂઆત થાય છે. કચ્છના લોકો આ દિવસને ખૂબ જ ઉત્સાહથી નવા વર્ષ તરીકે ઉજવે છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા: આ દિવસે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની રથયાત્રા કાઢવામાં આવે છે.વરસાદની આગાહી: ખેડૂતો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ’અષાઢી બીજ વંડે, કડા વીજ’ જેવી કહેવતો દ્વારા વરસાદ કેવો રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે.