ગુજરાતના સૌથી ચકચારી અને ચકિત કરી દેનારા ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે આ ક્રૂર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર એવા સોશિયલ મીડિયા ફેમ સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી પ્રેમિકાની ગળેટૂંપો આપી નિર્મમ હત્યા કરવાના અને પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવી દેવાના ગુનામાં અદાલતે તમામ આરોપીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટના આ ચુકાદાથી કાયદાનો ભય સ્થાપિત થયો છે અને પીડિત પરિવારને ન્યાય મળ્યો છે.
આજીવન કેદની સજા: સુરજ ઉર્ફે ભુવાજી સોલંકી, ગુંજન જીતેન્દ્ર જોષી, મીત આનંદ શાહ, યુવરાજ લાખા સોલંકી, મુકેશ બીજલ સોલંકી
નિર્દોષ છુટેલા આરોપીઓ: સંજય મહેશ સોહેલીયા, જુગલ આનંદ શાહ, મોનાબેન આનંદ શાહ
સોશિયલ મીડિયાની દોસ્તી લિવ-ઇન સુધી પહોંચી
આ સમગ્ર મામલે માહિતી આપતા ડીસીપી (DCP) ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી સૂરજ સોલંકી જૂનાગઢમાં રહેતો હતો. તે લોકોને દોરા-ધાગા અને જુદી જુદી ધાર્મિક વિધિઓ કરી આપતો હોવાના કારણે સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયા પર 'ભુવાજી' તરીકેની ખાસ ઓળખ ધરાવતો હતો. કેટલાક સમય પહેલાં સૂરજ સોશિયલ મીડિયાના માધ્યમથી ધારા નામની ૨૨ વર્ષની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. સૂરજ પોતે અગાઉથી પરિણીત હતો અને તેને સંતાનો પણ હતાં, તેમ છતાં ધારા અને સૂરજ વચ્ચેના સંબંધો એટલા ગાઢ બન્યા કે બંનેએ એક અલગ મકાન ભાડે રાખ્યું અને લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યાં હતાં.
લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ગૃહકંકાસ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ૨૨ વર્ષની ધારા સોશિયલ મીડિયા પર ભારે સક્રિય રહેતી હતી અને તેને લાઈમલાઈટમાં રહેવાનો ભારે ક્રેઝ હતો. પોતાના મોજશોખ પૂરા કરવા, મોંઘા કપડાં અને બ્રાન્ડેડ મોબાઈલ જેવી વસ્તુઓ ખરીદવા માટે તે અવારનવાર સૂરજ પાસે મોટી રકમના રૂપિયાની માગણી કરતી રહેતી હતી. આ ઉપરાંત, જ્યારે પણ સૂરજ પોતાની પત્ની અને બાળકોને મળવા જવાની વાત કરતો, ત્યારે ધારા ઉશ્કેરાઈ જતી અને બંને વચ્ચે ઉગ્ર ઝઘડા થતા હતા. ધારા ઘણીવાર પોતાના હાથ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને આત્મહત્યાની ધમકી આપતી અને સૂરજને તેના પરિવાર પાસે ન જવા દેવા માટે માનસિક દબાણ કરતી હતી, જેના કારણે સૂરજ કંટાળી ગયો હતો.
દુષ્કર્મની ફરિયાદ અને હત્યાનું ષડયંત્ર
વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં બંને વચ્ચે ઘરવખરી અને સંબંધોની બાબતે એક મોટો ઝઘડો થયો હતો. આ વખતે વિવાદ એટલો વધી ગયો કે ધારા સીધી જૂનાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને તેણે સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી તેમજ તેના મિત્ર ગુંજન જોષી વિરૂદ્ધ કલમ ૩૭૬ હેઠળ દુષ્કર્મની સત્તાવાર ફરિયાદ નોંધાવી દીધી. આ ફરિયાદ બાદ બંને અલગ રહેવા લાગ્યાં હતાં. જોકે, પોલીસ કેસના થોડા દિવસો બાદ ધારાએ ફરી સોશિયલ મીડિયાથી સૂરજનો સંપર્ક કર્યો અને વ્હોટ્સએપ પર માફી માગીને ફરી સાથે રહેવાની અપીલ કરી. બંને વચ્ચે સમાધાન થતાં તેઓ ફરી સાથે રહેવા લાગ્યાં ખરા, પરંતુ દુષ્કર્મનો કેસ ચાલુ હોવાથી સૂરજના મનમાં ધારાને રસ્તામાંથી હટાવવાનું એક ભયાનક ષડયંત્ર ચાલતું હતું, જેનાથી ધારા બિલકુલ અજાણ હતી.
અમદાવાદ કનેક્શન અને આયોજનબદ્ધ પ્લાનિંગ
ચોમાસા પૂર્વે સૂરજ પોતાની કથિત પ્રેમિકા ધારાને લઈને અમદાવાદ આવ્યો હતો. તેઓ પાલડી વિસ્તારમાં સૂરજના મિત્ર મીત શાહના ઘરે રોકાયાં હતાં, જ્યાં ધારાનો પરિચય મીતના માતા મોનાબેન શાહ અને ભાઈ જુગલ શાહ સાથે થયો હતો. ૧૫ જૂન ૨૦૨૨ની આસપાસ સૂરજ અને ધારા જૂનાગઢ પરત ફર્યા ત્યારે એક પૂર્વઆયોજિત પ્લાનિંગ મુજબ મીત શાહ પણ તેમની સાથે આવ્યો હતો. મીત શાહ પોતાના સગાભાઈ જુગલના નામે લીધેલા બોગસ ફોન અને સિમ કાર્ડ સાથે લાવ્યો હતો, જેનો ઉપયોગ ભવિષ્યમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કરવાનો હતો. જૂનાગઢ પહોંચ્યા બાદ સૂરજે અન્ય સાથીદારોની મદદથી ધારાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા લાશને અમદાવાદ નજીક એક વાડીમાં સળગાવી દીધી હતી.
સાયબર ક્રાઈમ અને CDR થી ઉકેલાયો ભેદ
હત્યાના મહિનાઓ બાદ આ કેસ ઉકેલવો પોલીસ માટે અત્યંત પડકારજનક હતો કારણ કે લાશનો નાશ કરી દેવાયો હતો. શરૂઆતમાં આ કેસ માત્ર ધારા ગુમ થયા અંગેનો જ હતો. તપાસ કરનારા પીએસઆઈ (PSI) વિરમભાઈ પરમારે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી ધારા ગુમ થયા બાદ અચાનક શાંત થઈ ગઈ, જેથી શંકા દ્રઢ બની. પોલીસે ધારાના પરિવાર અને સૂરજ ભુવાજી સહિતના શંકાસ્પદોના સીડીઆર (CDR - કોલ ડિટેલ રેકોર્ડ) મગાવ્યા. આ રેકોર્ડ્સ અને લોકેશનમાં શંકાસ્પદોના નિવેદનો પરસ્પર વિરોધાભાસી જણાતા પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી. આખરે તમામ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને હત્યાની કબૂલાત કરી લીધી હતી. આ ચકચારી કેસમાં આજે અદાલતે તમામ પાંચેય ગુનેગારોને આજીવન કારાવાસની સજા સંભળાવીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.