સાંસદ પૂનમબેન માડમ દ્વારા ૧૮મી લોકસભા અંતર્ગત જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા માટે રૂ.૬.૭૭ કરોડના કુલ ૧૪૧ કામોની દરખાસ્ત કરાઈ
MPLADS યોજના હેઠળ વિકાસ કામોના અમલીકરણને વેગ
સાંસદ પૂનમબેન માડમ દ્વારા ૧૮મી લોકસભા અંતર્ગત જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા માટે રૂ.૬.૭૭ કરોડના કુલ ૧૪૧ કામોની દરખાસ્ત કરાઈ, જે પૈકી માર્ગદર્શિકા મુજબના રૂ.૫.૨૪ કરોડના ૧૧૫ કામોને વહીવટી મંજૂરી અપાઈ, હાલ ૫૨ કામો પૂર્ણ અને ૩૪ કામ પ્રગતિ હેઠળ
જામનગર તા.૧૫ જુલાઈ, સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત સંસદીય ક્ષેત્ર જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં વિકાસના કામો માટે ગ્રાંટની ફાળવણી ૧૮મી લોકસભા અંતર્ગત સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા અત્યાર સુધીમાં સંસદીય મતવિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના સમાવિષ્ટ ગામોના વિકાસ કામો માટે રૂ.૬.૭૭ કરોડના ખર્ચના કુલ-૧૪૧ કામો માટેની દરખાસ્ત સબંધીત જિલ્લા કલેકટરશ્રીને કરવામાં આવી છે.
જે પૈકી અનુસુચીત જાતી વિસ્તારોમાં વિકાસના કામો રૂ.૧.૧૬ કરોડના ૨૬ કામો માટે અને જામજોધપુર અને ભાણવડ તાલુકામાં આવેલ અનુસુચીત જનજાતીની વસ્તી ધરાવતા ગામો માટે રૂ.૫૧.૫૦ લાખના ખર્ચના ૧૧ કામોની દરખાસ્ત કરાયેલ છે. સાંસદ દ્વારા દરખાસ્ત કરાયેલ કામોની પ્રાથમિક મંજુરી સબંધીત જિલ્લા કલેકટરે આપવાની રહે છે, જેમાં જામનગ૨ જીલ્લામાં દ૨ખાસ્ત કરાયેલ રૂ.૪.૧૯ કરોડના ૮૬ કામો પૈકી રૂ.૩.૩૪ કરોડના ૭૧ કામો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરખાસ્ત કરાયેલ રૂ.૨.૩૯ કરોડના ૫૦ કામો પૈકી રૂ.૨.૧૬ કરોડના ૪૪ કામો અને મોરબી જિલ્લા દરખાસ્ત કરાયેલ રૂ.૧૯ લાખના ૫ કામો પૈકી રૂ.૧૯ લાખના તમામ ૫ કામો મળી કુલ રૂ.૫.૬૯ કરોડના ૧૨૦ કામોને સબંધીત કલેકટરશ્રી દ્વારા પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે.
કલેકટર દ્વારા પ્રાથમિક મંજુરી મળ્યા બાદ અમલીકરણ અધિકારીઓ જેમ કે જેતે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકાઓના ચીફ ઓફિસર, જિલ્લાના કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ વગેરેએ કામોની જગ્યા/સ્થળ તપાસ કરી ખર્ચના જે તે કામના એસ્ટીમેટસ તૈયાર કરી, તાંત્રીક મંજુરી આપવાની હોય છે. ત્યારબાદ ટેકનીકલી મંજુર કરેલ કામને વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણી માટે સબંધીત કલેકટ૨/જિલ્લા આયોજન અધિકારીને દરખાસ્ત કરવાની રહે છે.
સંસદીય મતક્ષેત્રમાં પ્રાથમિક મંજુરી અપાયેલ ૧૨૦ કામો પૈકી અમલીકરણ અધિકારીઓએ ૧૧૫ કામોને તાંત્રીક મંજુરી આપી કલેકટરને વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણી માટે દરખાસ્ત મોકલતા સબંધીત કલેકટર તમામ ૧૧૫ કામો માટે વહીવટી મંજુરી અને ગ્રાંટ ફાળવણીના હુકમો કરવામાં આવ્યા છે.
હાલમાં રૂ.૨.૩૫ કરોડના ખર્ચે ૫૨ કામો પૂર્ણ થયેલ છે. રૂ.૧.૬૫ કરોડના ૩૪ કામો પ્રગતિમાં છે. રૂ.૧.૨૪ કરોડના ૨૯ કામો શરુ ન થયેલ કામો છે. જે અંતર્ગત કલકેટર દ્વારા સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને સમીક્ષા બેઠકમાં સત્ત્વરે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ સમયાંતરે યોજાતી 'દિશા' મીટીંગમાં પણ સાંસદ પૂનમબેન માડમ દ્વારા સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળની ગ્રાંટ ફાળવણીના કામોની સમીક્ષા કરવામાં આવે છે.
Ministry of Statistics & Programme Implementation (MOSPI) RI MPLADS:
યોજનાનુ સમગ્ર દેશમાં સુચારુ સંચાલન માટે e-Sakshi પોર્ટલ વર્ષ: ૨૦૨૩-૨૪ થી શરુ કરવામાં આવેલ છે. સર્વે સંસદસભ્યોના કામોનું નિયમન અને ગ્રાંટ ફાળવણી પોર્ટલ મારફત કરવામાં આવે છે. અને કામ પૂર્ણ થયા બાદ અમલીકરણ અધિકારી દ્વારા કમ્પ્લીશન અને જરૂરી ફોટોગ્રાફસ (e-Sakshi) મારફતે રજુ કર્યા બાદ જ ચુકવણુ કરવામા આવે છે. પોર્ટલ પર ફોટોગ્રાફ અપલોડ કરવામાં આવતા હોય Geo Tagging નો ઓપ્શન ઉપલબ્ધ નથી.
MPLADS યોજના હેઠળ સાંસદોના ફંડ હેઠળના વિકાસ કામો અને ગ્રાંટ ફાળવણી સબંધેની આ વિગતો જામનગર સંસદીય મતવિસ્તારના નોડલ કલેકટરની યાદીમાં જણાવવામાં આવી છે.