આગામી સમયમાં આવી રહેલા મોટા તહેવારો પૂર્વે જ મધ્યમવર્ગીય પરિવારો પર મોંઘવારીનો આકરો કોરડો વીંઝાયો છે. સામાન્ય રીતે તહેવારોની સીઝન શરૂ થતાં જ બજારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી વધતી હોય છે, પરંતુ તે પહેલાં જ રસોડાના મુખ્ય આધાર સમાન ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચી ગયા છે. નવાઈની વાત એ છે કે, ગુજરાતમાં ગત વર્ષે મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું હોવા છતાં, સ્થાનિક બજારમાં સિંગતેલ સહિતના તમામ ખાદ્યતેલોના ભાવમાં અસહ્ય ભડકો જોવા મળી રહ્યો છે, જેનાથી ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ છે.
અનિયમિત ચોમાસું અને વૈશ્વિક સ્થિતિ જવાબદાર
બજારના વેપારીઓ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ખાદ્યતેલોના ભાવમાં થયેલા આ અણધાર્યા વધારા પાછળ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. ચાલુ વર્ષે જોવા મળેલું અનિયમિત ચોમાસું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિને કારણે તેલની માગ અને પુરવઠાનું આખું ગણિત ખોરવાઈ ગયું છે. માગમાં અચાનક થયેલા મોટા ફેરફારને કારણે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયા 50નો તોતિંગ ઉછાળો આવ્યો છે. આ વધારા સાથે જ હવે બજારમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2800ની ઐતિહાસિક સપાટીને પાર કરી ગયો છે.
કપાસિયા, પામોલીન અને સૂર્યમુખી તેલ પણ મોંઘા
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ મધ્યમવર્ગના પરિવારોમાં રોજિંદા વપરાશમાં લેવાતા અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો ઝીંકાયો છે. સિંગતેલની પાછળ-પાછળ કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયા ૩૦નો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત ગરીબ અને શ્રમિક વર્ગમાં વધુ વપરાતા પામોલીન તેલમાં રૂપિયા ૧૫ અને સૂર્યમુખી (સનફ્લાવર) તેલના ભાવમાં રૂપિયા ૨૦નો ક્રમશઃ વધારો નોંધાયો છે. આટલું ઓછું હોય તેમ, મીઠાઈ અને ફરસાણમાં વપરાતું વનસ્પતિ ઘી અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વપરાતું કોપરેલ તેલ પણ મોંઘું થતાં લોકોની મુશ્કેલીઓ બેવડાઈ છે.
સામાન્ય જનતાનું ખોરવાયું માસિક બજેટ
હાલમાં એકતરફ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવવધારાથી જનતા ઓલરેડી ત્રાહિમામ પોકારી ગઈ છે, તો બીજીતરફ ચોમાસાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ પણ સાતમા આસમાને પહોંચ્યા છે. આવા કપરા સમયે ખાદ્યતેલો અને ઘીમાં થયેલા આ તોતિંગ ભાવવધારાને પગલે સામાન્ય અને મધ્યમવર્ગીય નાગરિકો માટે પોતાના ઘરનું માસિક બજેટ જાળવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. આગામી દિવસોમાં જો આ ભાવવધારો કાબૂમાં નહીં આવે, તો તહેવારોની રોશની વચ્ચે સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ જશે તે નક્કી છે.