BREAKING NEWS

જામનગર પંથકના ચાર મંદિરમાં તસ્કરોનો તરખાટ

  • July 15, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર પંથકના ચાર મંદિરમાં તસ્કરોનો તરખાટ

ચંદ્રાગા ગામના ૩ પૌરાણીક મંદિરમાંથી સોના, પંચધાતુના છતર સહિતનો ૩.૧૦ લાખનો મુદામાલ ચોરી: કાલાવડના બાલંભડી ગામે ખોડિયાર મંદિરમાં થી ૧.૨૦ લાખના ચાંદીના છતરની ઉઠાંતરી: બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ: પોલીસ દ્વારા તપાસ

જામનગર પંથકના જુદા જુદા ચાર મંદિરોમાં તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના અને ધાતુના છતર સહિતનો મુદામાલ ચોરી કરી જતા ભાવિકોમાં કચવાટની લાગણી જન્મી છે, જામનગર તાબેના ચંદ્રાગા ગામના ૩ પૌરાણીક મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં ૩.૧૦ લાખના મુદામાલની ચોરી થઇ છે, અજાણ્યા સામે ફરીયાદ કરવામાં આવી છે, ઉપરાંત  કાલાવડ તાલુકાના બાલંભડી ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં  અજાણ્યા તસ્કરે મંદિરના ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી આશરે ૧.૨૦ લાખ કિંમતના ચાંદીના મોટા અને નાના છતરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મંદિર ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

જામનગર તાબેના ચંદ્રાગા ગામમાં આવેલા ખવાસ પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરમાં ચડાવવામાં આવતા આશરે ૨ કીલો પંચધાતુના છતરો તેમજ એક સોનાનું છતર ૨ ગ્રામનું, તેમજ ચંદ્રાગા ગામે આવેલ ખોડીયાર માતાજીના પૌરાણીક મંદિરમાંથી ૧૪.૫ કીલો ગ્રામ વજનનો પિતળના ઘંટની ચોરી થઇ છે. તેમજ ગામમાં આવેલ વાકોલ માતાજીના પૌરાણીક મઢમાંથી સોનાની ધાતુનો થરો આશરે ૨ તોલા વજનની ચોરી કરીને નાશી ગયેલ છે. આરોપીઓએ ગત તા. ૧૩-૬-૨૬ થી ૧૧-૭-૨૬ના સમય દરમ્યાન ચંદ્રાગા ગામે ઉપરોકત ૩ અલગ અલગ મંદિરમાંથી સોના પંચધાતુ અને પિતળનો ઘંટ મળી આશરે ૩.૧૦ લાખના મુદામાલની ચોરી કરી ગયા છે, આ અંગે નવાગામ ઘેડ મધુવન સોસાયટીમાં રહેતા યશ ગીરીશભાઇ પરમાર દ્વારા પંચકોશી-બીમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતા પીઆઇ વી.જે. રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

અન્ય એક બનાવમાં બાલંભડી ગામે રહેતા અને મંદિરની દેખરેખ રાખતા પ્રફુલભાઈ બચુભાઈ અકબરી (ઉ.વ.૫૮)એ કાલાવડ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ તા.૧૩ જુલાઈની રાત્રે ગામના હરસુખભાઈનો  ફોન આવ્યો હતો કે મંદિર ખાતે ચોરી થઈ છે. તેઓ તાત્કાલિક મંદિર પહોંચતા ગર્ભગૃહના દરવાજાના તાળાનો નકૂચો તૂટેલો જોવા મળ્યો હતો અને માતાજીને અર્પણ કરાયેલ આશરે ૫૦૦ ગ્રામ વજનનું ચાંદીનું મોટું છતર તેમજ અન્ય આઠ જેટલા નાના ચાંદીના છતરાં ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ મંદિરના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં રાત્રે અંદાજે ૧૨:૨૯ વાગ્યે મોઢા પર બુકાની બાંધેલો એક અજાણ્યો શખ્સ મંદિરની અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો. તેણે કોઈ સાધન વડે ગર્ભગૃહના દરવાજાનું છતર તથા અન્ય નાના છતરાં ચોરી લીધા હતા અને અંદાજે ૧૨:૩૫ વાગ્યે મંદિરમાંથી નીકળી ગયો હોવાનું કેમેરામાં કેદ થયું હતું.

ચોરી ગયેલા સામાનમાં ૧,૧૮,૦૦૦ કિંમતનું આશરે ૫૦૦ ગ્રામ વજનનું ચાંદીનું મોટું છતર તથા ૨,૦૦૦ કિંમતના અન્ય નાના ચાંદીના છતરાં મળી કુલ ૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ સામેલ છે. કાલાવડ ટાઉન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આકાશ બારસિયાને સોંપી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે તપાસ લંબાવી છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application