BREAKING NEWS

ઇરાન-અમેરીકા વચ્ચેના યુઘ્ધમાં ઓમાનના દરિયામાં સલાયાનું વધુ એક વહાણ ડૂબ્યું

  • May 14, 2026 11:48 AM 


ઇરાન-અમેરીકા વચ્ચેના યુઘ્ધમાં ઓમાનના દરિયામાં સલાયાનું વધુ એક વહાણ ડૂબ્યું

મધરાત્રે વહાણ ઉપર અચાનક ડ્રોન અથવા મિસાઈલ પડતા વિકરાળ આગ ફાટી નીકળી : ૧૪ ખલાસીઓને સુરક્ષીત બચાવી લેતી કોસ્ટગાર્ડ 

ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ હાજી અલી (રજીસ્ટ્રેશન નંબર-૧૪૯૨) આજે વહેલી સવારે ડૂબી ગયું હતું. જહાજ પર સવાર તમામ ૧૪ ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના ૧૩ મેના રોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ઓમાનના લિમાહ નજીક બની હતી. જહાજ પર કોઈ વિસ્ફોટક પદાર્થ, સંભવત: ડ્રોન અથવા મિસાઈલ, અથડાતા ભયાનક વિસ્ફોટ થયો હતો અને જહાજમાં આગ લાગી ગઈ હતી.

વિસ્ફોટ અને આગ લાગતા જહાજ ઝડપથી ડૂબવા લાગ્યું હતું. જહાજ પરના ૧૪ ખલાસીઓ (એક ટંડેલ અને ૧૩ ખલાસીઓ) એ તાત્કાલિક લાઇફબોટનો ઉપયોગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. બાદમાં, ઓમાન કોસ્ટગાર્ડે તેમને રેસ્ક્યુ કરીને ડીબા બંદર પર પહોંચાડ્યા હતા.

ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં કોઈ ખલાસીને ગંભીર ઈજા થઈ નથી અને તેમના તમામ દસ્તાવેજો પણ સલામત છે. ઓમાન પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ભારત સરકારે ખલાસીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

આ જહાજ ૫ મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક ભરીને શારજાહ જઈ રહ્યું હતું. એક અઠવાડિયામાં સલાયાના બીજા જહાજ સાથે આ પ્રકારનો અકસ્માત બનતા સલાયામાં ચિંતાનો માહોલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ, આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષનો ભોગ બની હોવાનું મનાઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને છૂટાછવાયા યુદ્ધ જેવી સ્થિતિનો ભોગ હવે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના માલવાહક વહાણો બની રહ્યા છે. માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં સલાયાના બે પ્રતિષ્ઠિત વહાણો પર ડ્રોન અથવા મિસાઈલ હુમલા થતા દરિયાઈ વેપાર જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરની ઘટનામાં, ૧૩ મે ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૩:૩૦ કલાકે ઓમાનના લિમાહ નજીક સલાયાનું માલવાહક જહાજ ’હાજી અલી’ ડૂબી ગયું છે. આ જહાજ ૫ મેના રોજ બરબરા બંદરેથી લાઈવ સ્ટોક ભરીને શારજાહ જઈ રહ્યું હતું ત્યારે અચાનક કોઈ અજાણ્યા વિસ્ફોટક પદાર્થ, સંભવત: ડ્રોન અથવા મિસાઈલના ત્રાટકવાથી જહાજમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે જહાજ જોતજોતામાં દરિયામાં ગરકાવ થવા લાગ્યું હતું. સદનસીબે, જહાજ પર સવાર ૧૪ ખલાસીઓએ સમયસૂચકતા વાપરી લાઈફબોટ દ્વારા જીવ બચાવ્યો હતો, જેમને પાછળથી ઓમાન કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી ડીબા બંદર પહોંચાડ્યા છે.


ખલાસીઓને પરત લાવવા ભારત સરકારને અપીલ:

સલાયાના વહાણો પર થઈ રહેલા સતત હુમલાઓને પગલે સ્થાનિક અગ્રણીઓ અને ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશન દ્વારા ભારત સરકારને તાકીદે હસ્તક્ષેપ કરવા અપીલ કરવામાં આવી છે. ઓમાનમાં સુરક્ષિત રીતે બચાવી લેવાયેલા ’હાજી અલી’ જહાજના ૧૪ ખલાસીઓને વહેલી તકે સ્વદેશ પરત લાવવા માટે રાજદ્વારી સ્તરે કાર્યવાહીની માંગ ઉઠી છે. આ સાથે જ, આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકો અને વહાણોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application