BREAKING NEWS

જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતના માધ્યમથી ૬,૮૫૪ થી વધુ કેસોનો સુખદ નિકાલ લવાયો

  • July 14, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતના માધ્યમથી ૬,૮૫૪ થી વધુ કેસોનો સુખદ નિકાલ લવાયો


પરસ્પર સમજાવટ અને સમાધાન થકી રૂ. ૧૬.૭૮ કરોડથી વધુની રકમનું સેટલમેન્ટ કરાયું


જામનગર તા.૧૪ જુલાઈ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા ગત તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૬ના રોજ જામનગર જિલ્લા અદાલત તેમજ તેના તાબા હેઠળની તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પરસ્પર સમજાવટ, સ્નેહ અને સુખદ સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટેની આ પરંપરા પક્ષકારો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે.


આ રાષ્ટ્રીય લોક અદાલતને સફળ બનાવવા માટે જામનગર જિલ્લાના આશરે ૨૪ જેટલા જ્યુડિશિયલ ઓફિસરોએ સક્રિયપણે સેવાઓ આપી હતી. આ લોક અદાલતમાં જિલ્લા વહીવટી તંત્રના સહયોગ સાથે વિવિધ બેંકિંગ સંસ્થાઓ, અગ્રણી ફાઇનાન્સ કંપનીઓ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ સહિત આશરે ૧૯ જેટલી વિવિધ સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


લોક અદાલત દરમિયાન વ્યાપક સ્તરે વિવિધ કાયદાકીય પ્રશ્નો અને કેસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના ચેક રિટર્નના કેસો, બેંક રિકવરી દાવાઓ, મોટર અકસ્માત વળતરના કેસો, લેબર તકરાર, લગ્ન વિષયક તેમજ કૌટુંબિક વિવાદો, જમીન સંપાદનના કેસો, સર્વિસ મેટર અંતર્ગત પે-એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભોના કેસો, રેવન્યુ કેસો તેમજ અન્ય દીવાની કેસો જેવા કે ભાડુઆત, સુખાધિકાર હક, મનાઈ હુકમના દાવા અને સ્પેસિફિક પરફોર્મન્સને લગતા કેસોનો બંને પક્ષોની સહમતીથી નિકાલ કરવામાં આવ્યો હતો.


આ લોક અદાલતના માધ્યમથી જામનગર જિલ્લામાં કુલ ૬,૮૫૪ જેટલા કેસોનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો. આ નિકાલ પામેલા કેસો અંતર્ગત કુલ રૂ. ૧૬,૭૮,૧૭,૭૫૪/- (સોળ કરોડ બોતેર લાખ સત્તર હજાર સાતસો ચોપન) જેટલી માતબર રકમનું પરસ્પર સમજાવટથી સેટલમેન્ટ પણ કરવામાં આવ્યું હતું.


અદાલતી પ્રક્રિયાના અંતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોક અદાલતના માધ્યમથી થતા સમાધાનોમાં બંને પક્ષોની જીત થાય છે, સમય અને નાણાંનો બચાવ થાય છે અને વર્ષો જૂની પરસ્પરની કડવાશનો કાયમી અંત આવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application