સુરતમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યાની એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષ ૨૦૨૫માં અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનનારી ૧૩ વર્ષની સગીરાને ન્યાય અપાવવા માટે પરિવારે જે વકીલ પર અતૂટ ભરોસો મૂક્યો હતો, તે જ વકીલે સગીરાને બ્લેકમેઈલ કરી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સગીરાના પિતાની ફરિયાદના આધારે સુરતની સચિન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ વકીલની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ કેસની વિગત એવી છે કે, સપ્ટેમ્બર ૨૦૨૫માં જ્યારે પીડિતા માત્ર ૧૨ વર્ષ અને ૮ માસની કિશોરી હતી, ત્યારે બે નરાધમોએ તેનું અપહરણ કર્યું હતું. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે કિશોરીને શોધી કાઢીને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન પીડિતાના પિતાએ કોર્ટમાં પોતાનો પક્ષ મજબૂતાઈથી રાખવા માટે વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને પોતાના અધિકૃત વકીલ તરીકે રોક્યા હતા. વકીલ પીડિત પરિવાર વતી કેસ લડી રહ્યો હોવાથી પરિવારને તેના પર પૂરો વિશ્વાસ હતો.
પોલીસ તપાસ અનુસાર, ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ વકીલ પ્રણયરાજે કિશોરીના પિતાને ફોન કરીને જણાવ્યું કે, 'તમારી દીકરીને મારે ત્યાં ઘરકામ માટે નોકરીએ રાખવી છે.' તેમ કહીને તેણે ઘરનું લોકેશન મેળવી લીધું હતું. ત્યારબાદ વકીલે પરિવારને વિશ્વાસમાં લીધો અને સાથે એવી ધમકી પણ આપી કે, જો કિશોરીને કામ પર નહીં મોકલો તો કોર્ટમાં ચાલતો તેનો જૂનો કેસ હું બગાડી નાખીશ અને મોટું નુકસાન કરાવી દઈશ. આ ધમકી અને દબાણના કારણે પિતાએ દીકરીને વકીલ સાથે મોકલી હતી. વકીલ સગીરાને ગાડીમાં બેસાડી ડીંડોલી ખાતે આવેલી વેદાંતવિલા સોસાયટીના પોતાના મકાનમાં લઈ ગયો હતો.
ડીંડોલીના મકાનમાં લઈ ગયા બાદ વકીલ પ્રણયરાજે પોતાનું અસલી રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું. તેણે ૧૩ વર્ષ અને ૬ માસની માસૂમ કિશોરીને ડરાવી-ધમકાવીને તેની સાથે મારપીટ કરી હતી અને તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી જ ન અટકતા, તેણે કિશોરી સાથે અકુદરતી પ્રવૃત્તિ પણ આચરી હતી. આ નપાવટ વકીલે સગીરાને બ્લેકમેલ કરવાના ઈરાદે આ સમગ્ર કુકર્મનો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો પણ ઉતાર્યો હતો, જેથી પીડિતા કોઈને કશું કહી ન શકે.
આ ભયાનક નરકાગારમાંથી મુક્ત થયા બાદ ભયભીત બનેલી સગીરાએ પોતાના પિતાને રડતા રડતા તમામ આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિતાએ તાત્કાલિક ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતા એસીપી એ. સી. તરડે સહિતના ઉચ્ચ અધિકારીઓ તુરંત એક્શનમાં આવ્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની વિવિધ કલમો અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી, અલગ-અલગ ટીમો બનાવી ૪૩ વર્ષીય આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈને ડીંડોલી ખાતેથી દબોચી લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે પકડાયેલો વકીલ પ્રણયરાજ રણવીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૬ જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદના બાવળામાં દહેજ ઉત્પીડન, ચાંદખેડામાં સરકારી કર્મચારી પર હુમલો, ઓલપાડમાં જાહેરનામા ભંગ, તેમજ ડીંડોલી અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દારૂ પીને ગાડી ચલાવવા તથા મારામારીના ગંભીર ગુનાઓ સામેલ છે. પોલીસ હાલ આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરીને કાયદાકીય રીતે વધુ તપાસ ચલાવી રહી છે જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય.