BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: જાહેર રોડ પર જીવલેણ સ્ટંટબાજી કરતા ચાર બાઇકર્સ ઝબ્બે

  • July 14, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: જાહેર રોડ પર જીવલેણ સ્ટંટબાજી કરતા ચાર બાઇકર્સ ઝબ્બે

ટ્રાફિક પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા ખાતે જાહેર રોડ પર પુરઝડપે અને ભયજનક રીતે મોટરસાયકલ પર રેસીંગ સ્ટંટ કરતા ચાર ચાલકોને જિલ્લા ટ્રાફિક પોલીસે વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર આ બાઇક સવારો દ્વારા કરવામાં આવતા ખતરનાક સ્ટંટના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. 

જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોના આધારે આવા જોખમી તત્વો સામે તાકીદે અને કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જેના પગલે ઇન્ચાર્જ ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના સીધા સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાડેજા તથા તેમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

ટ્રાફિક પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી વીડિયોમાં દેખાતા બાઇકર્સને ટ્રેક કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આ ચારેય મોટરસાયકલ ચાલકોને ખંભાળીયા ખાતેથી દબોચી લીધા હતા. પોલીસે સ્ટંટબાજીમાં ઉપયોગમાં લેવાયેલી સ્પોર્ટ્સ બાઇક સહિતની ચારેય મોટરસાયકલો પણ કબ્જે કરી છે. 
​​​​​​​
જાહેર જનતાના જીવને જોખમમાં મૂકીને માત્ર સોશિયલ મીડિયા પર સસ્તા પ્રચાર માટે આવા કરતબો કરતા તત્વો સામે પોલીસે આકરી કાયદાકીય કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જિલ્લા ટ્રાફિક પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીથી રીઢા સ્ટંટબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News