જામનગર: બાળાના અપહરણના વિરોધમાં લાલબંગલા સર્કલે ધરણા
મોટી સંખ્યામાં આગેવાનો સહિતના જોડાયા: બાળાને સુરક્ષીત પરત લાવવા અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગણી
જામનગરના વિભાપરની ૧૨ વર્ષની બાળાના અપહરણના વિરોધમાં આજે લાલબંગલા સર્કલ ખાતે જામનગર જીલ્લા દલિત સમાજ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શાંતીપુર્ણ ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિતના જોડાયા હતા અને બાળાને સુરક્ષીત પરત લાવવા તથા આરોપીની તાકીદે ધરપકડ કરી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.
વિભાપર વિસ્તારની ૧૨ વર્ષની બાળાને બદકામ કરવાના ઇરાદે આશરે ૪૦ વર્ષનો ઢગો ગત તા. ૭ના સમય દરમ્યાન અપહરણ કરી ગયેલ હોય જેની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ પોલીસ તરફથી બાળાનો પત્તો મેળવી શકેલ નથી અને નરાધમને પકડી શકેલ નથી, આ અંગે અગાઉ પોલીસ સમક્ષ રજુઆતો પણ કરવામાં આવી હતી જો કે તપાસ ચાલુ છે તેવા જવાબ મળતા અને પોલીસની ઢીલી નીતી હોય તેવું લાગી રહયુ છે. આ પ્રકરણમાં આરોપીની તાત્કાલીક અસરથી ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને બાળાને સુરક્ષીત પરત લાવવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.
જામનગર જીલ્લા દલીત સમાજ દ્વારા આ બાબતે જામનગર એસપીને લેખીત આવેદન આપવામાં આવ્યુ છે અને ઉપરોકત વિગતો ટાંકીને યોગ્ય અને તાકીદની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. આજે લાલબંગલા સર્કલ ખાતે બાળા અપહરણના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગર જીલ્લા દલીત સમાજના પ્રમુખ કે.જે. વાઘેલા, પુર્વ મંત્રી -આગેવાન ડો. દિનેશભાઇ પરમાર, વકીલ એન.વી. ગોહિલ, વકીલ આનંદ ગોહિલ, જીતુભાઇ ચાવડા વિગેરે આગેવાનો, કાર્યકરો, સમાજના લોકો સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.