રાજકોટમાં એક પછી એક હત્યા ના બનાવો નો સિલસિલો શરૂ થયો છે ત્યારે ગઈકાલે વધુ એક પરણીતાની હત્યા થતા છેલ્લા એક માસમાં 9 જેટલી હત્યાના બનાવે ચકચાર જગાવી છે, ભગવતીપરા વિસ્તારમાં આવેલી કોપર ગ્રીન સોસાયટીમાં રહેતી પરિણીતા પાણીપૂરી ખાવા નીકળ્યા બાદ તેની ભેદી નિર્મમ હત્યાના રહસ્યમય બનાવ નો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે આ હત્યા લૂંટના ઇરાદે કે પછી પ્રેમ પ્રકરણ કે પારિવારિક મતભેદો થી થઈ? તે જાણવા જુદી જુદી દિશામાં તપાસ નો દોર શરૂ થયો છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કોપરગ્રીન સોસાયટી બ્લોક નં.૧૬માં રહેતી સ્નેહા ઉર્ફે સેવુ હિતેશભાઈ આસોડિયા ઉંમર વર્ષ 33 વાળીએ શનિવારે સાંજે ૭ઃ૩૦ વાગ્યે પતિ હિતેશભાઈને ફોન કરી પોતે ઘર નજીક જ આવેલા રાજલક્ષ્મી પાર્ક પાસે રેંકડીએ પાણીપૂરીવાળાને ત્યાં પાણીપૂરી ખાવા માટે જાય છે તેમ કહ્યું હતું.
આ પછી સ્નેહાએ પોતાનો ફોન ઘરમાં જ ચાર્જિંગ પર મુકી દીધો હતો. ત્યારબાદ ૭:૫૬ વાગ્યે તે ઘર બહાર નીકળીને જઈ રહેલી સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે. પતિને ફોન કર્યો ત્યારે સ્નેહાએ પતિને પોતાને પાણીપૂરીવાળાને ત્યાં લઈ જવા માટે પણ કહ્યું હતું.
તે દરમિયાન કારખાનેથી કામ પૂર્ણ થઈ જતાં આઠેક વાગ્યા આસપાસ પતિએ સ્નેહાના ફોન ઉપર ફોન કરતાં તેનો ફોન ઉપડ્યો ન્હોતો. ત્યારબાદ ઘેર આવીને જોતાં સ્નેહાનો ફોન ઘરમાં જ ચાર્જિંગ પર પડેલો જોવા મળ્યો હતો. જો કે સ્નેહા ઘણો સમય જવા છતાં ઘેર ન આવતા તેની શોધખોળ શરૂ કરી હતી.
કલાકો સુધી સ્નેહાનો અતોપતો ન મળતા આખરે ૧૨ વાગ્યે બી-ડિવિઝન પોલીસમાં હિતેશ તેમજ અન્ય પરિવારજનો દોડી ગયા હતા, આખી રાત સુધી સ્નેહાની શોધખોળ શરૂ કરી હતી, સવારે ૮:૩૦ વાગ્યે પોલીસ મથકને રાહદારીએ જાણ કરી હતી કે એક ખુલ્લા પ્લોટમાં મહિલાનો મૃતદેહ પડેલો છે.
જેથી પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા આ મૃતદેહ સ્નેહાનો જ હોવાથી તેના પતિ હિતેશ સહિતના પણ સ્થળ પર દોડી ગયા હતા અને પત્નીની બેરહેમીપૂર્વક હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ પડયો હતો.
આ હત્યાની જાણ થતાં જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી જાદવ,બી-ડિવિઝન પીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
હત્યા કોણે અને શા માટે કરી પરણીતા આ અવાવરું સ્થળે કઈ રીતે પહોંચી સહિતના મુદ્દે તેમ જ હત્યારા કોણ ? તેની શોધખોળ શરૂ કરી હતી, સ્નેહાના પતિ હિતેશ આસોડિયા ઉપરાંત સ્નેહાની બહેનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં હિતેશે સ્નેહા સાથે કોઈ જ પ્રકારનું મનદુઃખન હોવાનું તેમજ ઘરસંસાર પણ વ્યવસ્થિત ચાલતો હોવાનું જણાવતા આખરે આ હત્યા કોણે કરી હશે તેનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ એંગલ અને જુદી જુદી દિશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.
મૃતક સ્નેહાના ભાઈએ લાશ મળ્યાના સમાચાર વાંચ્યા'ને બનેવીને જાણ કરી!
મૃતક સ્નેહાના ભાઈ અમિત પ્રવિણભાઈ બાવળિયાએ લાપતા બહેનની શોધખોળ આખી રાત કરી હતી અને રવિવારે સવારે તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલતાં તેમાં ભગવતીપરા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાંથી મહિલાની લાશ મળી. આ સમાચાર વાચી તે સ્થળ ઉપર દોડી ગયો હતો ત્યાં જઈને જોયું તો તેની જ બહેનની લાશ પડી હોવાનું ધ્યાન પર આવતા બનેવી ને જાણ કરી હતી.
સ્નેહા બે વર્ષનો પુત્ર પ્રિયાંશ દાદા-દાદીને ત્યાં મૂકી આવી હતી
સ્નેહા ઉર્ફે સેવું તેના બે વર્ષના પુત્ર પ્રિયાંશને સાસુ-સસરાના ઘરે ગ્રીનલેન્ડ ચોકડીએ મુકી આવી હતી, કારણ કે પુત્ર પ્રિયાંશ ખૂબ જ તોફાની હોય તે સાસુ-સસરા પાસે હોય ત્યારે તોફાન ઓછા કરતો હોવાથી તેને ત્યાં મુકી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
મૃતક સ્નેહાના ત્રણ વર્ષ પૂર્વે હિતેશ સાથે બીજા લગ્ન થયા હતા
સ્નેહા ઉર્ફે સેવુ ના 13 વર્ષ પૂર્વે કોઠારીયા રોડ પર રહેતા દીપક બાબુભાઈ ગુજરાતી સાથે પ્રેમ લગ્ન થયા હતા પરંતુ કોઈ પણ કારણ ન હોય એક વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ હિતેશ સાથે બીજા લગ્ન કર્યા હતા,
હત્યા પાછળ કોઈ પરિચિતો? કે ખરેખર લૂંટના ઇરાદે હત્યા થઈ?
સ્નેહાની હત્યા કરાયેલી લાશ જે અવાવરું સ્થળેથી મળી હતી તે જગ્યાએ સાંજના સમયે કોઈ પુરુષો પણ જવાની હિંમત ન કરે કારણ કે ભૂતકાળમાં ત્યાં લૂંટ દુષ્કર્મ જેવા બનાવો બન્યાનું તેમજ પ્રેમી યુગલો આ અવાવરું જગ્યાની પસંદગી કરતા હોય કોઈ પ્રેમ પ્રકરણ તો નથી ને? હત્યા પાછળ પરિચિતો કે ખરેખર લૂટના ઇરાદે હત્યા થઈ તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.