રવિવારે સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલા ચાલુ રાખ્યા. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે.
દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન ટકરાયું. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા. ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈમાં ફસાયેલી છે. તેના પિતા પીવી રમનાએ જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ સિંધુની સંભાળ રાખી રહ્યું છે અને તેના માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સિંધુ ઉપરાંત, અભિનેત્રી સોનલ ચૌહાણ પણ દુબઈમાં ફસાયેલી છે. તેમણે એક એક્સ-પોસ્ટમાં પીએમ મોદીની મદદ માંગી છે. આ દરમિયાન, મુસાફરો 20 કલાકથી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે. ખામેનીના મૃત્યુ અંગે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ભારતીય ઉડ્ડયન મંત્રાલયે આજે જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીના રોજ 410 સ્થાનિક એરલાઇન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આજે આ આંકડો વધીને 444 થવાની ધારણા છે.
એર ઇન્ડિયાની લંડન, ટોરોન્ટો, પેરિસ, શિકાગોની ફ્લાઇટ્સ રદ
ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે, જેની અસર દુબઈથી લઈને ભારત સુધી જોવા મળી રહી છે. દુબઈની પ્રખ્યાત ઇમારત બુર્જ ખલીફા નજીક ડ્રોન હુમલો થયો. આ ઉપરાંત દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ મિસાઈલ એટેક થયો છે. જેમાં 4 લોકો ઘાયલ થયાના અહેવાલો મળી રહ્યા છે. આ એરપોર્ટ પર જ ભારતીય શટલર પી વી સિંધુ પણ ફસાઈ છે. તેણે જ એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે તેઓ સલામત છે.
સાવચેતીના ભાગરૂપે બુર્જ ખલીફાને ખાલી કરાવવામાં આવ્યું અને તેની લાઇટ્સ બંધ કરી દેવામાં આવી. હુમલા બાદ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મકતૂમ એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન આગામી આદેશ સુધી રોકી દેવામાં આવ્યું. ઘણા દેશોએ તેમનો એરસ્પેસ અસ્થાયી રૂપે બંધ કરી દીધો, જેના કારણે વિશ્વભરની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 1 માર્ચના રોજ લંડન, ટોરોન્ટો, ફ્રેન્કફર્ટ, પેરિસ અને શિકાગો માટેની તેની તમામ નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
DGCAએ પણ એરલાઇન્સને 11 દેશોના એરસ્પેસથી બચવાની સલાહ આપી છે. મુસાફરોને એરપોર્ટ ન જવા અને તેમની એરલાઇન્સ પાસેથી તાજી માહિતી લેવાની સલાહ આપવામાં આવી છે.