જુદા-જુદા ગુન્હા અનુસંધાને જૂનાગઢની જેલમાં જેલવાસ ભોગવી રહેલા પોરબંદરના હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે અને ભુરા મુંજાની પત્નીએ તેમની સામે લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ મિલ્કતો પચાવી પાડયાનો ગુન્હો દાખલ કરાવ્યો છે. જેમાં સૂરજ પેલેસ સહિતના આજુબાજુના વિસ્તારના પ્લોટ સહિતની મિલ્કતો ઉપર છેલ્લા દસ વર્ષથી કબ્જો જમાવ્યો હોવાનું જણાવ્યુ છે.
મૂળ ઝવેરી બંગલા એટલે કે સૂરજ પેલેસ ખાતે તથા છેલ્લા કેટલાક વર્ષોથી યુ.કે. રહેતા અને હાલ ગાયત્રી મંદિર પાસે ગાયત્રી પાર્ક ખાતે એભાભાઇ અરજનભાઇના ઘરે આવેલા ચૌલાદેવી ઉર્ફે ચૌલાબેન ભુરાભાઇ કડછા (ઉ.વ. ૭૦) દ્વારા કમલાબાગ પોલીસમથકમાં હિરલબા જાડેજા વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ચૌલાદેવી ઉર્ફે ચૌલાબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે તેમના પતિ ભુરાભાઇ મુંજાભાઇ કડછાના અગાઉ રાજીબેન નામની મહિલા સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ છૂટાછેડા થયા હતા તે પછી ૧૯૮૬ની સાલમાં ભુરાભાઇ કડછા સાથે ચૌલાબેનના લગ્ન થયા હતા અને યુ.કે.માં આ લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા અને કેટલોક સમય તેઓ યુ.કે. રહેતા અને કેટલોક સમય ભારત ખાતે રહેતા હતા. લગ્નજીવન દરમ્યાન દીકરો ભરત અને દીકરી ઇરાબેન એમ બે સંતાનો છે.
લગ્ન થયા ત્યારે મેમણવાડા ખાતે ચૌલાદેવીના નામે આવેલા મકાનમાં તેઓ ભુરાભાઇ કડછા સાથે રહેતા હતા અને ઇ.સ.૧૯૯૮માં મેમણવાડામાં આવેલુ મકાન વેચીને વાડીપ્લોટ પાસે આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીના ઝવેરી બંગલા (સૂરજ પેલેસ) ચૌલાબેનના નામે ખરીદ કર્યું હતું અને બંગલાની આજુબાજુમાં આવેલા પ્લોટ ચૌલાબેન તથા તેમના પુત્ર ભરતના નામે ખરીદી લીધા હતા.
દોઢ વર્ષ જેટલો સમય સૂરજપેલેસ ખાતે રહ્યા પછી ચૌલા દેવી તેના પતિ ભુરા મુંજા સાથે યુ.કે. સીફટ થયા હતા અને ત્યાં ચાર વર્ષ સુધી ભુરાભાઇ રહ્યા હતા. પોરબંદર ખાતે તેમનો બીઝનેશ હોવાથી એ પછી તો પોરબંદર આવી ગયા હતા. ત્યાર પછી પણ ભુરા મુંજાનું યુ.કે. ખાતે અને ચૌલાબેનનું યુ.કે.થી પોરબંદર ખાતે આવાગમન રહેતુ હતુ. અને તેઓ આવતા ત્યારે સુરજ પેલેસ ખાતે જ રહેતા હતા.
ફરિયાદમાં જણાવ્યું છે કે ઇ.સ. ૧૯૯૫ની સાલમાં તેમના પતિ ભુરા મુંજા ઉપર પોરબંદર ખાતે ટાડાનો કેસ થયો હતો જેમાં હિરલબા જાડેજા (ખાચર)એ વકીલ તરીકે ભુરા મુંજાની મદદ કરી હતી અને ત્યારબાદ તેઓ વકીલ તરીકે કામમાં મદદપ થતા અને પતિ રાજકીય રીતે સક્રિય હોવાથી એ રીતે પણ તેને હિરલબા મદદરૂપ થતા હતા.
વર્ષ ૨૦૧૬માં પતિ ભુરાભાઇ જાડેજા ખૂબજ બીમાર પડતા ચૌલાદેવી યુ.કે.થી ઇન્ડિયા આવ્યા હતા અને ભુરાભાઇને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમને મળવા ગયા હતા. બે દિવસની સારવાર પછી ભુરાભાઇનું અવસાન થતા તેમની અંતિમવિધિ સુરજ પેલેસ બંગલા ખાતે કરવામાં આવી હતી. ત્યારે હિરલબા પણ સૂરજ પેલેસ ખાતે રોકાયા હતા અને અંતિમવિધિ પૂર્ણ થતા દોઢેક માસ દરમ્યાન ફરીયાદીના સંતાનો યુ.કે. પરત જતા રહ્યા હતા.
ત્યાર પછી ચૌલાબેનને હિરલબા જાડેજાએ એવુ કહી દીધુ હતુ કે આ ઝવેરી બંગલો એટલે કે સૂરજ પેલેસ તથા તેની આજુબાજુમાં આવેલ બધી મિલ્કત મારી છે તેમાં તમારો કોઇ હક હિસ્સો નથી. તમે અહીંથી નીકળી જાવ. તેમ કહીને વારંવાર આ પ્રકારે કહેતા હોવાથી અંતે સૂરજ પેલેસ ખાતેથી ચૌલાબેનને કાઢી મૂકતા જેઠના દીકરા એભાભાઇને ત્યાં ચારેક મહિના રોકાયા હતા. એ દરમ્યાન એભાભાઇ અને તેના પરિવારજનોને પણ જાણ કરી હતી કે ‘અમારી મિલ્કતોના દસ્તાવેજો હિરલબાના કબ્જામાં છે.’
ચૌલાબેન તથા તેના દીકરા ભરત સાથેની સંયુકત મિલ્કતોના દસ્તાવેજ હિરલબા જાડેજાના કબ્જામાં હોવાથી ચૌલાબેને મિલ્કતના દસ્તાવેજની ખરી નકલો મેળવી હતી ત્યારબાદ પતિ ભુરામુંજાના વીલના પ્રોબેટ માટે દાવો દાખલ કરીને તેઓ યુ.કે. જતા રહ્યા હતા. ત્યારબાદ કોર્ટમાં જર પડે ત્યારે હાજર રહ્યા હતા.
ત્યારબાદ પોરબંદરના જિલ્લા કલેકટર સમક્ષ ચૌલાબેને હિરલબા જાડેજાએ ગેરકાયદેસર કબ્જો કર્યા અંગેની લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી અને આ અરજીની તપાસના અંતે સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટરે તા. ૧૦-૭-૨૬ના પત્રથી પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું હતું.
લેન્ડગ્રેબીંગની અરજી બાદ તપાસના અંતે હવે કમલાબાગ પોલીસમથક ખાતે અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ઝવેરી બંગલો સહિત સાત પ્લોટ અને તે સિવાયના છ પ્લોટ મળી કુલ ૧૩ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૧૮૬૫.૩૪ મીટરમાં બાંધકામ સહિતની જગ્યા ઉપર હિરલબા જાડેજાએ મિલકત પચાવી પાડવાના ઇરાદાી ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું જણાવી ફરિયાદ દાખલ તાં પોલીસે આગળની તપાસ હા ધરી છે.