વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવાનો રાષ્ટ્રીય લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને પરંપરાગત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે મહત્વપૂર્ણ પહેલો શરૂ કરી છે. આ વ્યાપક આયોજનનો હેતુ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની ૫૦% વીજળી નવીનીકરણીય ઊર્જામાંથી મેળવવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે નવીનીકરણીય ઊર્જામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે, જે આ રાષ્ટ્રીય લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ડિસેમ્બર ૨૦૨૫ સુધીના આંકડા દર્શાવે છે કે, દેશમાં નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ છે. રાજ્યની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ૪૨.૫૮૩ ગીગાવોટ સુધી પહોંચી છે, જે ભારતની કુલ ક્ષમતામાં ૧૬.૫૦% ફાળો દર્શાવે છે.
આ ઉપરાંત, ગુજરાત કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં (૪૨.૫૮૩ ગીગાવોટ) રાજ્ય પ્રથમ ક્રમે તથા સ્થાપિત પવન ઊર્જા ક્ષમતામાં (૧૪,૮૨૦.૯૪ મેગાવોટ) રાજ્ય પ્રથમ ક્રમે અને સૌર ઊર્જા ક્ષમતામાં (૨૫,૫૨૯.૪૦ મેગાવોટ) બીજા ક્રમે છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે જેમાં ૧૧ લાખ સોલાર રૂફટોપ સિસ્ટમોના માધ્યમથી ૬,૪૧૨.૮૦ મેગાવોટ ઊર્જા ઉત્પાદન થઇ રહ્યું છે.
ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૨૫,૫૨૯.૪૦ મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથે સૌર ઊર્જા ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. તેમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સમાંથી ૧૭,૭૭૧.૨૧ મેગાવોટ, સોલાર રૂફટોપ ૬૪૧૨.૮૦ મેગાવોટ (જેમાં સૂર્ય ગુજરાત દ્વારા ૨૦૭૩.૬૫ મેગાવોટ, પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા ૧૯૧૩ મેગાવોટ, અન્ય ૨૨૬૭.૦૪ મેગાવોટ), હાઇબ્રીડ પરિયોજનાઓમાંથી ૧૧૭૨.૩૮ મેગાવોટ અને ઓફ-ગ્રીડ સિસ્ટમ્સમાંથી (પીએમ કુસુમ સહિત) ૧૭૩.૦૧ મેગાવોટ ઉત્પાદન થઈ રહ્યું છે.
ગુજરાતમાં સૌર ઊર્જા ઉત્પાદન માટે ચારણકા (૭૪૯ મેગાવોટ), રાધાનેસડા (૭૦૦ મેગાવોટ) અને ધોલેરા (૩૦૦ મેગાવોટ) ખાતે સોલાર પાર્ક કાર્યરત છે. ૩૭.૩૫ ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા સાથે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસિત થઇ રહ્યો છે, જેમાં અત્યારે ૧૧.૩૩ ગીગાવોટ ઉત્પાદન પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. ગુજરાતે ૧૧ લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાની સિદ્ધી પણ મેળવી છે, જે રહેણાંક, કમર્શિયલ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ૬૪૧૨.૮૦ મેગાવોટનું ઉત્પાદન કરે છે.
ગુજરાતે ૨૦૧૬થી ઘરોમાં છત પર સૌર ઊર્જા પેનલ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે અને પીએમ સૂર્ય ઘર યોજના લોન્ચ થઈ ત્યાં સુધી તેને સમર્થન મળ્યું છે. તેના કારણે ભારતના કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં રાજ્યનો ફાળો ૨૫% થી વધુ થયો છે. કૃષિ ક્ષેત્રમાં, પીએમ કુસુમના ઘટક ઇ હેઠળ ૧૨,૭૦૦ સ્ટેન્ડઅલોન ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા ૮૯.૫૪ મેગાવોટ ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે.
ભારતમાં પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતે પ્રથમ પવન ઊર્જા નીતિ લાગુ કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં, પવન ઊર્જા ક્ષેત્રમાં રાજ્યની સ્થાપિત ક્ષમતા ૧૪૮૨૦.૬૪ મેગાવોટ છે, જેમાં કચ્છનું યોગદાન સૌથી વધુ ૭૪૭૬.૭૩ મેગાવોટ છે. જામનગર (૧૮૬૭.૬૫ મે.વો.), દેવભૂમિ દ્વારકા (૧૨૮૧.૨૬ મે.વો.), અમરેલી (૯૭૩.૮૫ મે.વો.), રાજકોટ (૮૭૪.૯૦ મે.વો.), ભાવનગર (૬૧૮.૮૦ મે.વો.), મોરબી (૫૬૮.૬ મે.વો.), સુરેન્દ્રનગર (૪૫૬.૬ મે.વો.) અને પાટણ (૨૦૮.૨ મે.વો.) જિલ્લાઓમાં પણ પવન ઊર્જાની નોંધપાત્ર સ્થાપિત ક્ષમતા છે. રાજ્યએ ૨૦૧૮ હાઇબ્રિડ પોલિસી અને છઊ પોલિસી ૨૦૨૩ અંતર્ગત પવન-સૌર હાઇબ્રિડ પરિયોજનાઓ દ્વારા ૨૩૯૮.૭૭ મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનો ઉમેરો કર્યો છે. ૮૦%થી વધુ ટર્બાઇન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર કાર્યરત છે.
જ્યાં મજબૂત માળખાગત સુવિધાઓ અને સુસંગત પ્રણાલીઓ વિકસિત કરવામાં આવી છે. નવીનીકરણીય ઊર્જા પરિયોજનાઓના લીધે અંદાજિત ૨.૩૭ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થયું છે. પરિયોજનાઓના ઝડપી અમલીકરણ અને ગ્રીડ કનેક્ટિવિટી માટે રાજ્ય સરકારે અક્ષય ઊર્જા સેતુ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રણાલી વિકસિત કરી છે. નેટ મીટરિંગ નિયમો હેઠળ, રાજ્યએ ૬.૪૦ ગીગાવોલ્ટપાવરથી વધુ રૂફટોપ સોલાર ક્ષમતા સ્થાપિત કરી છે, જે તેને આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી બનાવે છે.

૧૯૯૩માં પ્રથમ પવન ઊર્જા નીતિ અમલમાં મૂક્યા બાદ ગુજરાત સરકારે સમયાંતરે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકી છે, જેમાં સૌર ઊર્જા નીતિઓ (૨૦૦૯,૨૦૧૫,૨૦૨૧), વેસ્ટ ટુ એનર્જી એન્ડ સ્મોલ હાયડલ પોલિસી (૨૦૧૬) અને વિન્ડ-સોલાર હાઇબ્રિડ પોલિસી (૨૦૧૮)નો સમાવેશ થાય છે. ૨૦૨૨માં અપડેટેડ વેસ્ટ-ટુ-એનર્જી નીતિ અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી૨૦૨૩ દ્વારા સોલાર, પવન, હાઇબ્રિડ તથા વિતરણ આધારિત પ્રોજેક્ટ્સ માટે એકીકૃત માળખું પૂરુ પાડવામાં આવ્યું છે. આ નીતિ હેઠળ ક્ષમતા મર્યાદા દૂર કરવામાં આવી છે તેમજ ટેરિફ, ગ્રીડ ચાર્જ, ઊર્જા હિસાબ, ક્રોસ સબસિડી અને બેંકિંગ ચાર્જ અંગે સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડીઆરઇબીપી યોજના ક્લીન એનર્જીમાં અગ્રણી રાજ્ય તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
તો ૨૦૨૫ની રિન્યુએબલ એનર્જી પોલિસી વિશાળ ક્ષમતાના તેમજ વિતરિત નવીનીકરણીય ઊર્જાને ઝડપી ગતિ આપવા પર કેન્દ્રિત છે. તેમાં ઓન-ડિમાન્ડ કનેક્ટિવિટી, ફ્લેક્સિબલ કમિશનિંગ સમયમર્યાદા, જૂના પવન પ્રોજેક્ટ્સનું રીપાવરિંગ તથા સોલર, પવન અને હાઈબ્રિડ સિસ્ટમ્સ સાથે બેટરી સ્ટોરેજનું સરળ સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ નીતિ ઊભરતી નવીનીકરણીય ઊર્જા ટેક્નોલોજીઓ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી, છઊ મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ, તેમજ અક્ષય-ઊર્જા-સેતુ પોર્ટલ દ્વારા ડિજિટલ સુવિધાઓ મારફતે નવીનતાને પ્રોત્સાહન આપે છે.
ભવિષ્ય માટે ગુજરાત સજ્જ: ૨૦૩૦ સુધીમાં ૧૦૫ ગીગાવોટ ઉત્પાદનનું લક્ષ્ય
ગુજરાત તેની નવીનીકરણીય ઊર્જા પરિયોજનાઓનું સતત વિસ્તરણ કરી રહ્યું છે અને અત્યારે ૫૨૦૩ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં ૪૯૯૨ સૌર પ્રોજેક્ટ્સ (૩૨.૨૨ જીડબલ્યુ), ૭૨ પવન પ્રોજેક્ટ્સ (૧૫ જીડબલ્યુ), અને ૧૩૯ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ (૨૧.૧૫ જીડબલ્યુ)નો સમાવેશ થાય છે, જેનાથી ૬૮.૩૭ જીડબલ્યુ ઊર્જા પ્રાપ્ત થશે. ગાંધીનગરમાં આયોજિત આરઇ ઇન્વેસ્ટ ૨૦૨૪ કાર્યક્રમમાં, રાજ્યએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૫ ગીગાવોટનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે, જે ભારતના ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ઉત્પાદન ક્ષમતાના લક્ષ્યમાં ૨૦ ટકા યોગદાન આપશે.