રેલવે ટ્રેક સુરક્ષાને મજબૂત કરવા માટે રાજકોટ ડિવિઝને પૂર્ણ કર્યું મહત્વપૂર્ણ માળખાકીય કાર્ય
હાપા-ઓખા સેક્શનના ભાટિયા-ઓખામઢી વચ્ચે વધારાના ઓપનિંગનું નિર્માણ; ચોમાસામાં સુરક્ષિત અને સુચારુ રેલ પરિચાલન થશે સુનિશ્ચિત
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને હાપા-ઓખા મુખ્ય રેલવે લાઇનના ભાટિયા અને ઓખામઢી સ્ટેશનો વચ્ચે વધારાના ઓપનિંગ નિર્માણ કાર્ય અંતર્ગત આરએચ ગર્ડર (RH Girder) ની સફળતાપૂર્વક ડી-લોન્ચિંગ કરીને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આશરે 9 મહિનાના સમયગાળામાં પૂર્ણ થયેલા આ મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ કાર્યનો ઉદ્દેશ્ય તે સ્થળે રેલવે ટ્રેકની સુરક્ષાને મજબૂત કરવાનો છે, જે અગાઉ બ્રીચ (ધોવાણ) અને પાણી ભરાવાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ રહ્યો છે. વર્ષ 2023માં આ સ્થળે રેલવે ટ્રેક ધોવાઈ જવાની ઘટના અને વર્ષ 2024માં ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અહીં એક મજબૂત ડ્રેનેજ (જલ નિકાસ) વ્યવસ્થાની જરૂરિયાત અનુભવાઈ રહી હતી.
નવનિર્મિત વધારાના ઓપનિંગના માધ્યમથી ભારે વરસાદ દરમિયાન પાણીના નિકાલમાં નોંધપાત્ર સુધારો થશે, જેનાથી પાણી ભરાવાની શક્યતા ઘટશે અને રેલવે ટ્રેકને ધોવાણથી સુરક્ષિત રાખવામાં મદદ મળશે. આ કાર્ય ચોમાસા દરમિયાન આ મહત્વપૂર્ણ રેલવે લાઇન પર સુરક્ષિત, સુચારુ, વિશ્વસનીય અને અવિરત રેલ પરિચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
રાજકોટ ડિવિઝન દ્વારા કરવામાં આવેલી આ સક્રિય એન્જિનિયરિંગ કામગીરી રેલવે માળખાને વધુ મજબૂત અને હવામાન સંબંધિત પડકારો સામે સક્ષમ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. આના માધ્યમથી મુસાફર અને માલગાડીઓનું અવિરત સંચાલન સુનિશ્ચિત કરવાની સાથે-સાથે પરિચાલન સંબંધી વિશ્વસનીયતામાં પણ વધારો થશે.
આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ અંગે માહિતી આપતા રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, "ચોમાસા દરમિયાન રેલ સુરક્ષા અને અવિરત પરિચાલન અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હાપા-ઓખા સેક્શનના આ સંવેદનશીલ સ્થળે વધારાના ઓપનિંગનું નિર્માણ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ એન્જિનિયરિંગ કાર્ય પૂર્ણ થવાથી માત્ર પાણી ભરાવાની સમસ્યાનો જ ઉકેલ નહીં આવે, પરંતુ આગામી ચોમાસામાં મુસાફરોને સુરક્ષિત અને સમયબદ્ધ રેલ સેવાનો લાભ પણ મળી શકશે."