અષાઢી બીજના પાવન દિવસે નવજાત શિશુઓ માટે રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગરની અનોખી ભેટ
જી.જી. હોસ્પિટલના NICUમાં રૂ. 67 લાખના ખર્ચે 17 અદ્યતન નિયોનેટલ બબલ CPAP સ્ટેશન વિથ પલ્સ ઓક્સિમીટરનું લોકાર્પણ; સૌરાષ્ટ્રના હજારો નવજાત બાળકો માટે આશીર્વાદરૂપ બનશે
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ (જી.જી.) હોસ્પિટલ માત્ર શહેર પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના લાખો દર્દીઓ માટે આરોગ્યસેવાનું સૌથી મોટું અને વિશ્વસનીય કેન્દ્ર છે. ખાસ કરીને બાળ વિભાગ અને નવજાત શિશુ સઘન સારવાર એકમ (NICU)માં દરરોજ અનેક ગંભીર હાલતમાં જન્મેલા નવજાત બાળકો સારવાર માટે પહોંચે છે. આવા બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ, સમય પહેલાં જન્મ, ઓછું વજન તથા અન્ય ગંભીર પરિસ્થિતિઓમાં તાત્કાલિક અને અદ્યતન સારવાર જીવનદાયી સાબિત થતી હોય છે.
આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગર દ્વારા અષાઢી બીજના પાવન દિવસે, તા. 16 જુલાઈ, 2026ના રોજ જી.જી. હોસ્પિટલના બાળ વિભાગના NICU માટે અંદાજે રૂ. 67 લાખના ખર્ચે 17 અદ્યતન Neonatal Bubble CPAP Stations with Pulse Oximeter અર્પણ કરવામાં આવશે.
આ અત્યાધુનિક મશીનો નવજાત શિશુઓને શ્વાસ લેવામાં મદદરૂપ બને છે અને સતત હકારાત્મક વાયુ દબાણ (Continuous Positive Airway Pressure) દ્વારા ફેફસાંને કાર્યરત રાખીને શ્વાસોચ્છ્વાસને સરળ બનાવે છે. તેની સાથે જોડાયેલ પલ્સ ઓક્સિમીટર બાળકના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ અને ધબકારા પર સતત નજર રાખે છે, જેના કારણે તબીબો વધુ ચોકસાઈપૂર્વક અને ઝડપથી સારવાર આપી શકે છે. સમય પહેલાં જન્મેલા તથા શ્વાસની ગંભીર તકલીફ ધરાવતા નવજાત શિશુઓ માટે આ મશીનો જીવનરક્ષક સાબિત થાય છે.
જી.જી. હોસ્પિટલમાં દર વર્ષે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી હજારો નવજાત બાળકો સારવાર માટે આવે છે. આ નવી સુવિધા ઉપલબ્ધ થતાં માત્ર જામનગર જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવારનો વધુ લાભ મળશે. નિઃસંદેહ આ પ્રોજેક્ટ અનેક પરિવારો માટે આશાનું કિરણ અને નવજાત બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ સમગ્ર પ્રોજેક્ટની કલ્પના, આયોજન અને અમલીકરણ રોટરી વર્ષ 2025-26 દરમિયાન કરવામાં આવ્યું હતું. હાલમાં તેના હસ્તાંતરણ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. પ્રોજેક્ટના ચેરમેન તરીકે ચેતન બાકરાણિયા, જયેશ પતિરા અને જસ્મિન પટેલે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. જ્યારે રોટરી વર્ષ 2025-26ના પ્રમુખ વત્સલ ખીમસિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગ્લોબલ ગ્રાન્ટનું પેપરવર્ક અને આંતરરાષ્ટ્રીય સંકલનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેના પરિણામે આ મહત્ત્વાકાંક્ષી સેવાકીય પ્રોજેક્ટ સાકાર બની શક્યો છે.
આ પ્રોજેક્ટ માત્ર સાધનોનું દાન નથી, પરંતુ સમાજ પ્રત્યેની સંવેદના, માનવસેવા અને આરોગ્યક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગરની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ અને અત્યંત પ્રશંસનીય છે. સરકારી હોસ્પિટલમાં આવી અદ્યતન આરોગ્યસુવિધા ઉપલબ્ધ થતાં અસંખ્ય નવજાત બાળકોને નવું જીવન મળશે અને અનેક પરિવારોના ચહેરા પર આશાનું સ્મિત ખીલી ઊઠશે.
આ લોકાર્પણ સમારોહ તા. 16 જુલાઈ, 2026ના રોજ સાંજે 4:30 કલાકે જી.જી. હોસ્પિટલના બાળ વિભાગ (NICU), જામનગર ખાતે યોજાશે.
આ સેવાકીય પ્રોજેક્ટને સાકાર બનાવવામાં રોટરી ઇન્ટરનેશનલ ડાયરેક્ટેડ ગિફ્ટ અંતર્ગત દાતા તરીકે ભરૂચના માતા ઇલાબેન રસીકલાલ શેઠ અને પરિવારનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આ અદ્યતન સાધનોનું હસ્તાંતરણ પરાગ શેઠ જે રોટરી ઇન્ટરનેશનલ ગ્લોબલ લીડરશીપ એડવાઇઝર – આરોગ્ય છે તેમના હસ્તે કરવામાં આવશે. ઉપરાંત, આ માનવસેવાના કાર્યમાં દયાલજીભાઈ પ્રાગજીભાઈ નકુમ અને પરિવાર રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગરના સભ્ય વિજય નકુમ – સુજાતા ગ્રુપ ઓફ કંપનીઝ મારફતે તેમજ મારુહર ફાઉન્ડેશન (સ્પર્શ બાયો-ટેક પ્રાઇવેટ લિમિટેડ મારફતે) દ્વારા પણ ઉદાર સહયોગ પ્રાપ્ત થયો છે. સમાજ અને આરોગ્યક્ષેત્ર પ્રત્યેની તેમની સેવાભાવના અને ઉદારતાના કારણે હજારો નવજાત બાળકોને આધુનિક સારવારનો લાભ મળી શકશે, જે ખરેખર અનુસરવા યોગ્ય અને પ્રશંસનીય પહેલ છે.