પેટ્રોલિયમ મંત્રાલયે દેશભરમાં ફેલાયેલી ઈંધણની અછતની ખબરોને સદંતર ફગાવી દીધી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ હોવા છતાં ભારતની સપ્લાય ચેઈન સુરક્ષિત છે અને તમામ રિફાઈનરીઓ તેમની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે.
સમુદ્ર માર્ગે આવી રહી છે મોટી રાહત
બંદર વિભાગના અધિકારી રાજેશ સિંહાએ માહિતી આપી છે કે ગેસથી ભરેલા બે મોટા જહાજો ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ જહાજોમાં અંદાજે 94 મેટ્રિક ટન (MT) એલપીજી લદાયેલો છે. પહેલું જહાજ આવતીકાલે મુંબઈ બંદર પર પહોંચશે.
બીજા જહાજની વાત કરીએ તો 1 એપ્રિલના રોજ મેંગલોર બંદર પર લાંગરશે. આ સિવાય ઘરેલુ ગેસ નેટવર્કને પણ મજબૂત કરવામાં આવ્યું છે. માત્ર માર્ચ મહિનામાં જ 2.9 લાખ નવા પીએનજી (PNG) કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે દરરોજ 55 લાખથી વધુ સિલિન્ડર લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
ભાવવધારાથી બચાવવા એક્સાઈઝ ડ્યુટીમાં કાપ
જનતા પર મોંઘવારીનો બોજ ન પડે તે માટે સરકારે મોટો નિર્ણય લેતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત દેશમાં ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે ડીઝલ અને વિમાનના ઈંધણ (ATF) ની નિકાસ પર વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો છે, જેથી ઘરેલુ બજારમાં કોઈ તંગી ન સર્જાય.
સંગ્રહખોરો અને કાળાબજાર કરનારાઓ પર ત્રાટકી પોલીસ
અફવાનો ફાયદો ઉઠાવીને ગેસ સિલિન્ડર અને ઈંધણની કાળાબજારી કરનારાઓ સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. દેશભરમાં અંદાજે 2,900 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન 1,000 થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઈંધણના સ્ટોક પર નજર રાખવા અને અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવા આદેશ આપ્યા છે.
જરૂર હોય તેટલી જ ખરીદી કરો
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રજાને અપીલ કરી છે કે 'પેનિક બાયિંગ' (ગભરાટમાં આવીને કરાતી ખરીદી) થી દૂર રહેવું. જ્યારે લોકો જરૂરિયાત કરતા વધુ ઈંધણ સંગ્રહ કરવા લાગે છે ત્યારે કુત્રિમ અછત ઊભી થાય છે. દેશનું એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે અને પુરવઠો સતત ચાલુ રહેશે, તેથી અફવાઓ પર વિશ્વાસ ન કરવો.