વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં, નિર્દોષ ચાર વર્ષની બાળકીની ઘાતકી હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં પકડાયેલા નરાધમ આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા અથવા હુમલો કરવાના ઈરાદે પોલીસ વાહનની અંદર જ સ્ટાફ પર હુમલો કર્યો હોવાની સનસનાટીભરી વિગતો સામે આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શિનોર પોલીસની ટીમ જ્યારે આરોપીને વધુ તપાસ અને પૂછપરછ અર્થે સેગવા આઉટપોસ્ટથી શિનોર પોલીસ સ્ટેશન તરફ લઈ જઈ રહી હતી, ત્યારે સીમળી ગામ નજીક રસ્તામાં આ હાઈડ્રામા સર્જાયો હતો. ચાલુ સરકારી વાહને આરોપીએ અચાનક જ પોલીસ અધિકારીની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં ઝપાઝપીમાં એક ગોળી આરોપીના પગમાં જ વાગી હતી.
મળતી સત્તાવાર માહિતી અનુસાર, શિનોર તાલુકાના સતીષાણા ગામે ગત અઠવાડિયે હૃદય કંપાવનારી ઘટના બની હતી. જેમાં આરોપી અજય રાઠોડિયાએ બાળકીની માતા સાથેના પ્રેમ પ્રકરણમાં ભંગાણ પડતાં અને માતાએ વાત કરવાનું બંધ કરી દેતાં, વેર વાળવાના ઈરાદે તેની માસૂમ ચાર વર્ષની દીકરીનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા નીપજાવી હતી. આ અત્યંત સંવેદનશીલ અને ગંભીર ગુનાના આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા હોવાથી પોલીસ તેને કાયદાકીય પ્રક્રિયા માટે લઈ જઈ રહી હતી. ગઈકાલે સાંજના આશરે આઠ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ જીપ સીમળી ગામની સીમ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે આરોપીએ બાજુમાં બેઠેલા પીએસઆઈની રિવોલ્વર પર તરાપ મારી હતી.
પોલીસ વાહનમાં હથિયાર છિનવવાની આ કોશિશ દરમિયાન પોલીસ સ્ટાફ અને આરોપી વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. આ અંધાધૂંધી અને ખેંચતાણની વચ્ચે આરોપીના હાથથી રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું હતું. જેમાંથી છૂટેલી પ્રથમ ગોળી સરકારી વાહનના ડ્રાઈવરની બિલકુલ બાજુમાંથી સનસન કરતી પસાર થઈ ગઈ હતી અને બહાર નીકળી ગઈ હતી, જેના કારણે ડ્રાઈવરનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે ઝપાઝપી ચાલુ રહેતા છૂટેલી બીજી ગોળી સીધી આરોપીના જમણા પગમાં વાગી હતી અને આરપાર નીકળી ગઈ હતી. ગોળી વાગતા જ લોહીલુહાણ થયેલો આરોપી તે જ જગ્યાએ ઢળી પડ્યો હતો અને પોલીસે તેને તુરંત જ કાબૂમાં લીધો હતો.
આ ઘાતક ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી અને ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક અસરથી મોટા ફોફળિયા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રને લોખંડી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ પરિસરમાં કોઈ પણ બહારની અજાણી વ્યક્તિ કે મુલાકાતીને પ્રવેશવાની કડક મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામા અંગે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, શિનોર પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડર જેવા જઘન્ય અપરાધના આરોપીને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર લઈ જવાતો હતો. રાત્રે અંદાજે આઠ વાગ્યાની આસપાસ તેણે ગાડીની અંદર પોલીસનું સર્વિસ વેપન છીનવવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન બે રાઉન્ડ ફાયર થયા, જેમાં પ્રથમ રાઉન્ડથી ડ્રાઈવર બચી ગયો હતો અને બીજો રાઉન્ડ આરોપીના પોતાના જ પગમાં વાગ્યો હતો. હાલ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી અને આગળની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.