જામનગર: જીએસટી દ્વારા પકડાયેલા પિતા-પુત્રને વધુ પુછપરછ માટે અમદાવાદ લઇ જવાયા
સુરેશ શાહ અને આયુષ શાહે રૂ.૨૩.૦૮ કરોડની ટેકસ ચોરી અંગે વધુ પુછતાછ કરાશે
રાજયના જીએસટી વિભાગે જામનગર સહિત રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત તેમજ ભાવનગર કેટલીક પેઢીઓ પર દરોડા પાડીને તપાસ હાથ ધરતા રૂ.૧૨૮ કરોડનું ફેક ઇનવોઇસીંગ કૌભાંડ ઝડપાયુ છે, જામનગરમાં જ માંડોવરા પેઢી કંપનીનાં માલિક સુરેશચંદ્ર મુલચંદ શાહ, અને તેના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની ધરપકડ કરવામાં આવતા વધુ વિગતો મળી છે. જીએસટીના અધિકારીઓ દ્વારા આ કેસમાં વધુ પુછપરછ માટે આ બંનેને અમદાવાદ લઇ જવાયા હોવાનું જાણવા મળે છે.
માંડોવરા ટ્રેડીંગ કંપનીના માલિક દ્વારા પિતળ અને તાંબાના ભંગારની બોગસ કંપનીના બીલો બનાવાયા હતા, વાસ્તવમાં માલની કોઇ ભૌતિક અવરજવર કર્યા વિના માત્ર કાગળ ઉપર વ્યવહાર કર્યા હોવાનું ખુલ્યુ છે અને રૂ.૨૩.૦૮ કરોડની ખોટી ઇન્પુટ ટેકસ ક્રેડીટ મેળવી હોવાનું ખુલ્યુ હતું. ચોક્કસ બાતમીના આધારે તા.૧૬ જૂનના રોજ આ ઓપરેશન શરૂ થયું હતું. જીએસટી વિભાગ દ્વારા માંડોવરા ટ્રેડીંગ કંપનીના અન્ય આર્થિક વ્યવહારો, બેંક ખાતાઓ, અને શંકાસ્પદ કનેકશન અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. હવે કોની સામે તપાસ થશે એ અંગે ઉદ્યોગકારોમાં પણ ફફડાટ મચી ગયો છે.