BREAKING NEWS

નશેડી પુત્રને કારણે દેણું થઈ ગયું...ઝઘડો કરતા જ પિતાએ ખપાળી મારી દીકરાને પતાવી દીધો, આટકોટમાં ચકચારી હત્યા

  • November 20, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ નજીક જસદણ ચોકડી પાસે રહેતા રહેતા પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થતા નશેડી પુત્રના ત્રાસથી કંટાળી પિતાએ માથામાં ખપારી મારી દેતા પુત્રનું મોત નીપજતા બનાવ હત્યાનો નોંધાયો હતો. પુત્રને ખપારી મારી પિતા આટકોટ પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા જો કે પાછળથી પુત્રનું મોત થયાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી પુત્ર નશા સહિતની કુટેવ ધરાવતો હોય આર્થિક રીતે પણ નુકશાન કરતા આ બાબતે આજે પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થઇ હતી જેમાં ઉશ્કેરાયેલા પિતાએ ખપારીનો ઘા મારી હત્યા નિપજાવી હતી.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ આટકોટ જસદણ ચોકડી પાસે પાણીના ટાંકા પાસે રહેતો તુષાર ઘનશ્યામભાઈ સેલીયા (ઉ.વ.28)નો આજે સવારે ઘરે હતો ત્યારે પિતા સાથે બોલાચાલી થયા બાદ ઝગડો થતા પિતા ઘનશ્યામભાઈ ઉશ્કેરાયા હતા અને ઘરમાં પડેલી ખપારી ઉપાડી પુત્રના માથામાં મારતા લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. દેકારો થતા આજુબાજુમાં રહેતા લોકો સહિતના દોડી આવ્યા હતા અને 108 મારફતે યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. પુત્રને ખપારી માર્યા બાદ પિતા આટકોટ પોલીસ મથકે પહોંચી પુત્રને માથામાં ખપારી મારી હોવાનું જણાવતા આધેડને આટકોટ પોલીસે અટકાયત કરી હતી.


બનાવના પગલે આટકોટ પોલીસ મથકના પીઆઈ આર.એસ.સાકરીયા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પિએમ કરાવ્યું હતું.


હત્યા થઈ એ તુષાર એક બહેનમાં મોટો હતો. પિતા ઘનશ્યામ ભાઈ મજૂરી કામ કરે છે. પુત્રને નશા સહિતની કુટેવ હોવાથી દેણું પણ થઇ ગયું હતું આથી કેટલાક લોકો ઘરે ઉઘરાણીએ આવતા હતા. એમ છતાં પણ પુત્ર કુટેવ છોડતો ન હોય આ બાબતને લઇ આજે પિતા પુત્ર વચ્ચે ઝગડો થયો હતો જે હત્યા સુધી પહોંચ્યો હતો.


ચાર દિવસ પહેલા મૃતક યુવકે દવા પીધી હતી

પોલીસ અને પરિવારજનોના જણાવ્યા મુજબ તુષારને નશાની ટેવ હોય અને તેના કારણે કેટલાક લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા આ પૈસાની ઉઘરાણી લોકો કરતા હોય અને સતત નશાની હાલતમાં રહેતો હોવાથી ઘરમાં ઝગડો થતા ચારેક દિવસ પહેલા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application