BREAKING NEWS

રેસકોર્સમાંથી રાતે એકટિવા અને તેમા રહેલ સોનાના બિસ્કીટ સહિત ૧.૪૩ લાખની ચોરી

  • June 23, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્યુટી પાર્લર સંચાલિકા ભત્રીજાને લઇ ફન સ્ટ્રીટમાં ગયા બાદ અડધો કલાક પછી પરત ફરતા એકટિવા કોઇ ઉઠાવી ગયુ: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ




શહેરના રેસકોર્સમાં રાત્રીના સમયે અડધો કલાક માટે વાહન પાર્ક કરી બ્યુટી પાર્લર સંચાલિકા પાંચ વર્ષના ભત્રીજા પણ ફન સ્ટ્રીટમાં જતા પરિણીતાનું વાહન કોઈ શખસ ચોરી કરી ગયું હતું. જે વાહનમાં પરિણીતાએ રૂ. 1.28 લાખનું સોનાનું બિસ્કીટ(લગડી) રાખ્યું હોય જેથી પરિણીતાએ વાહન અને બિસ્કીટ મળી રૂ. 1.43 લાખની ચોરી અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


પ્રાપ્ત વિગતો મુજબ, મવડીમાં ખીજડાવાળો રોડ વિસ્તારમાં વિશ્વનગર-૮ માં રહેતા નેહાબેન હિરેનભાઈ કાનાબાર (ઉ.વ.૩૨) નામના પરિણીતાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરે જ બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પાસે તેમની માલિકીનું એકટીવા નંબર જીજે 3 સીબી 1383 છે.


ગઈ તા. 4-6-2026 ના રાત્રીના નવ વાગ્યા આસપાસ પરિણીતાનો ભાઈ પ્રકાશ કાળુભાઈ ડાભી (રહે. જુનાગઢ) તેના દિકરા સાથે રાજકોટ ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે આવેલ હોય અને તેના પુત્રને તેડવા માટે જવાનું હોય જેથી પરિણીતા એક્ટિવા લઇ ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે ગયા હતા. પરિણીતાએ અગાઉ તારીખ 9-10- 2025 ના રાજકોટ ખાતેથી ખરીદેલ સોનાનું બિસ્કીટ (લગડી) વજન 10 ગ્રામ કિંમત રૂપિયા 1.28 લાખવાળુ ભાઈ પ્રકાશને સાચવવા આપ્યું હોય જે સોનાનો બિસ્કીટ તેના ભાઈ પ્રકાશે તેને પરત આપતા જે પર્સની ચેન ખરાબ હોય જેથી બિસ્કીટ એકટીવાની ડેકીમાં રાખી તે તથા તેના ભાઈનો પુત્ર અવ્ય(ઉ.વ.૫) પાંચને લઇ રાત્રીના દસેક વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગયા હતા. અહીં બાલભવનના ગેટથી આગળ રમેશભાઈ પારેખ રંગભવન તરફ જતા રોડ પર ગલીમાં વાહન પાર્ક કર્યું હતું.


બાદમાં ફઈ-ભત્રીજો રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવેલ ખાતે ગયા હતા જ્યાં અડધો કલાક બાદ પરત આવી જોતા એકટીવા જોવા મળ્યું ન હતું. જેથી આજુબાજુ તપાસ કરી હતી પરંતુ ક્યાંય વાહન નજરે પડ્યું ન હતું. જેથી એકટિવા અને તેમાં રહેલ સોનાનું બિસ્કીટ (લગડી) સહિત રૂપિયા 1.43 લાખની મત્તાની ચોરી અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી અહીં આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી સોનાના બિસ્કીટ સાથે વાહન ઉઠાવી જનાર તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application