અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક સિંહણે પાંચ વર્ષના માસૂમ બાળકને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવી લીધો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનાના ટૂંકા ગાળામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સમગ્ર પંથકના સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. વન્યજીવોના વધતા હુમલાઓને કારણે ગ્રામજનો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.
ઘટનાની વિગત એવી છે કે, ચતુરી ગામે રહેતો પાંચ વર્ષનો માસૂમ બાળક જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારાનો લાભ લઈને અચાનક ત્રાટકેલી એક હિંસક સિંહણે માસૂમ જીયાન પર હુમલો કરી દીધો હતો. વૃદ્ધ દાદા કંઈ પણ સમજે કે પ્રતિકાર કરે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ દબોચીને નજીકના ગીચ જંગલ તરફ ભાગી ગઈ હતી. આ ભયાનક દ્રશ્ય જોઈ દાદાએ બૂમાબૂમ કરતા જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ અને જે હાથમાં આવ્યું તે હથિયાર લઈને માસૂમની વહારે દોડ્યા હતા.
મૃતક બાળકના મામાના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, પરંતુ તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ગામના કેટલાક બહાદુર યુવાનોએ ભારે હિંમત દાખવી હતી. આ યુવાનોએ જંગલની ઝાડીઓમાં અંદર ઉતરીને લાકડીઓ વડે સિંહણ પર વળતો હુમલો કર્યો હતો અને માસૂમ બાળકને સિંહણની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પરંતુ કમનસીબે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ગામથી આશરે એક કિલોમીટર દૂર જંગલમાંથી જીયાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. માસૂમ બાળકનો મૃતદેહ મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવ અને એસીએફ કપિલ ભાટિયા સહિતનો વન વિભાગનો એક મોટો કાફલો કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓએ બાળકના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આ અત્યંત દુઃખદ ઘટના તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચતુરી રેવન્યુ (ગામતળની સીમ) વિસ્તારમાં બની છે, જ્યાં અવારનવાર વન્યપ્રાણીઓની અવરજવર રહેતી હોય છે.
બનાવની ગંભીરતાને જોતા વન વિભાગ દ્વારા તાત્કાલિક આખી રાત મોટું સર્ચ ઓરેશન ચલાવવામાં આવ્યું હતું. વહેલી સવાર સુધી ચતુરી ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં સિંહોને ટ્રેક કરવાની સઘન કામગીરી કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન વનવિભાગે હુમલાખોર સિંહણ સહિત કુલ ૫ સિંહોના આખા ગ્રુપને અલગ-અલગ જગ્યાએ પાંજરા મૂકીને કેદ કરી લીધું છે. પાંજરે પુરાયેલા આ તમામ સિંહોને વનવિભાગના રેસ્કયૂ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કઈ ચોક્કસ સિંહણે બાળક પર હુમલો કર્યો હતો તેની સત્તાવાર ઓળખ કરવા માટેના જરૂરી વૈજ્ઞાનિક પરીક્ષણો (જેમ કે સ્કેટોલોજીકલ અને અન્ય ટેસ્ટ) કરવામાં આવશે.
આ ભયાનક અને કમનસીબ ઘટના બાદ વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા અને સાવચેતીને ધ્યાનમાં રાખીને એક ખાસ એપીલ જાહેર કરવામાં આવી છે. વન વિભાગે જણાવ્યું છે કે, આસપાસના વિસ્તારોમાં વન્યપ્રાણીઓ ખૂબ જ સક્રિય હોવાથી લોકાએ ખાસ કરીને સાંજના સમયે, મોડી રાત્રે કે વહેલી સવારના અંધારામાં ક્યારેય પણ એકલા બહાર જવાનું ટાળવું જોઈએ. જ્યારે પણ કોઈ અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવાનું થાય, ત્યારે હંમેશા સાથે એકથી વધુ વ્યક્તિઓને રાખવા. આ ઉપરાંત, અંધારામાં બહાર નીકળતી વખતે હાથમાં મજબૂત લાકડી તેમજ હાઈ-બીમ ટોર્ચ (બેટરી) જેવી સેફ્ટી વ્યવસ્થા અચૂક સાથે રાખવી જેથી આવા અચાનક થતા હુમલાથી બચી શકાય.