મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મોહર્રમ ઇમામે હુસૈનની યાદમાં અને કરબલાના 72 શહીદોની યાદમાં મનાવાઈ રહ્યો છે. ત્યારે આજે સાંજે તાજીયા પડમાં આવશે. મોહરમ પર્વ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તાજીયાના ઝુલુસના રૂટ પર સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં 2100 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી પણ નજર રાખવામાં આવશે.
મોહર્રમ પર્વ નિમિત્તે શહેરના દૂધસાગર રોડ, જંગલેશ્વર, રામનાથપરા, સદર, બજરંગવાડી સહિતના વિસ્તારોમાં આજે રાત્રીના તાજીયા પડમાં આવશે અને નિર્ધારિત રૂટ પર ફરશે. મોહર્રમના આ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક તથા ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ચાર ડીસીપી, નવ એસીપી, 22 પીઆઇ, 85 પીએસઆઇ અને 1900 થી વધુ પોલીસ જીઆરડી અને હોમગાર્ડના જવાનો સહિત 2100 થી વધુ સુરક્ષા જવાનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આજ બપોરથી જ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.
શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. આ માટે કુલ પાંચ ડ્રોનનો ઉપયોગ કરાશે એટલું જ નહીં પોલીસ વિડીયોગ્રાફી પણ કરશે.
મોહર્રમ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં કમિશનર કચેરી ખાતે પોલીસે લઘુમતી સમાજના આગેવાનો સાથે ખાસ બેઠક યોજી હતી અને તેમને જરૂરી સૂચનો કર્યા હતા.
આ નવ રસ્તા ઉપર આજે અને કાલે તમામ વાહનો પ્રવેશ બંધ- નો પાર્કિંગ
૧. ૮૦ ફુટ સોરઠીયા-વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઈન રોડ, ગરૂડ ગરબી ચોકથી વિરાણી વાડી કોઠારીયાનાકા, પોલીસ ચોકી સુધી તેમજ ભાવનગર રોડ પાંજળાપોળ ટી ચોકથી ગરૂડ ગરબી ચોક અને ગઢવીરાંગ ભીચરીનાકાથી ગરૂડ ગરબી ચોક સુધી.
૨. કોઠારીયા નાકા પોલીસ ચોકી થી પેલેસરોડ, ગુંદાવાડી પોલીસ ચોકી થી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી.
૩. દરબારગઢથી સોની બજાર રોડ, કોઠારીયા પોલીસ ચોકી સુધી.
૪. ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી.
૫. ભુપેન્દ્ર રોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્રરોડ/પેલેસ રોડ ટી પોઇન્ટ સુધી.
૬. ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઈનના ઝાપા સુધી.
૭. રૈયા ચોકડીથી આમ્રપાલી અંડર બ્રીજ સુધી તથા કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટીટાકી ચોક, લીમડા ચોક, એસ.બી.આઈ. ચોક, જયુબેલી ચોક, હરીહર ચોક સદર પોલીસ ચોકીથી, સદર બજાર ફુલછાબ ચોક સુધી જે રોડ ઉપર તાજીયા પસાર થાય છે તે રોડ ઉપર તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ
૮ મહીલા અંડર બ્રીજથી કિશનપરા ચોક સુધી ઉપર તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ
૯ અરવિંદભાઇ મણીયાર હોલથી જ્યુબેલી ચોક સુધી તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ જાહેર કરવામાં આવ્યો છે.
ડીસીપીની આગેવાનીમાં જંગલેશ્વર સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ
આજે અને આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહર્રમ પર્વ મનાવવામાં આવશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે ડીસીપી ઝોન વન હેતલ પટેલે સાંજના સમયે જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં ભક્તિનગર પોલીસ સ્ટાફ ઉપરાંત અન્ય સુરક્ષા જવાનો પણ જોડાયા હતા. તથા એસીપી સહિતના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.