જામનગર શહેરમાં સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવર તા.૧૮-૮-૨૦૨૧ની શરૂ થયા બાદ હવે પુર્ણ થયો છે ત્યારે રૂ.૨૨૬.૯૦ કરોડની કોસ્ટમાં આ બ્રિજ પૂર્ણ થયો છે, પ્રારંભમાં ૧૩૯ કરોડની કોસ્ટ હતી ત્યારબાદ ૧૯૫.૫૦ કરોડની પ્રોજેકટ હતી તે રીવાઇઝડ થઇને રૂ.૨૨૬.૯૯ કરોડની પ્રોજેકટ કોસ્ટ થઇ છે, અંબર ટોકીઝ પાસે ઓવરબ્રિજનો ઢાળ આપીને રસ્તો બનાવવાની વાત હતી અને આ પ્રોજેકટ મંજુર પણ થયો છે, પરંતુ રેલ્વે મંત્રાલય સાથે વાટાઘાટ ચાલી રહી છે, જો રેલ્વે આ માટે મંજુરી આપે તો આ જગ્યાએ સ્લોબ પણ કરવામાં આવશે, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તા.૨૦ના રોજ આ પ્રોજેકટને ખુલ્લો મુકશે.
ફલાય ઓવરની આખી વિગત જાણીએ તો કુલ ૪ એપ્રોચ સાથે ૪૨૨૫ મીટર કુલ લંબાઇ અને મુખ્ય બ્રિજ ૧૬.૫૦ મીટર તેમજ ઇન્દીરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ૮.૪૦ મીટર (૭.૫૦મીટર), સાતરસ્તા સર્કલ તથા સુભાષ બ્રિજ ૧૧.૭૦ મીટર (૧૦.૯૦ થ્રી લેન) તેમજ બ્રિજની કલીયર ઉંચાઇ ૫.૫૦ મીટર અને સર્વિસ રોડની પહોળાઇ છે, આ સમગ્ર પ્રોજેકટની વિશેષતા એ છે કે, સાતરસ્તા સર્કલ, અંબર ચોકડી સર્કલ, ગુરૂદ્વારા સર્કલમાં આકર્ષક ચીત્ર દોરવામાં આવ્યા છે.
ઓવરબ્રિજ શરૂ થયા બાદ દ્વારકા, રીલાયન્સ, ન્યારા, જીએસએફસી તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનો જઇ શકશે, બ્રિજમાં કુલ ૪ જંકશન સાતરસ્તા સર્કલ, ગુરૂદ્વારા જંકશન, નર્મદા જંકશન તથા અકસ્માત જેવા બનાવથી રાહત મળશે અને ઇંધણ તથા સમયની બચત થશે. સુભાષ બ્રિજથી સાતરસ્તા સર્કલ થઇ લાલબંગલા સુધીના સર્કલનો નવો રૂટ નિર્માણ થવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા, ગ્રેઇન માર્કેટ, બેડીગેઇટ જેવા વિસ્તારોમાંથી ટ્રાફિક સમસ્યા હળવી બની છે.
સૌરાષ્ટ્રનો આ મોટામાં મોટો ફલાય ઓવર જામનગરમાં બની ગયો છે, આ બ્રિજ ઉપર બંને બાજુ આકર્ષક લાઇટીંગ પણ ગોઠવી દેવામાં આવી છે, શરૂઆતમાં આ આખો પુલ મંજુર થયો હતો, ત્યારબાદ અડધો બ્રિજ મંજુર થયો છે અને ત્યારબાદ હવે રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે આ ફલાય ઓવર પુરો થઇ ચૂકયો છે અને હાલમાં ફલાય ઓવરબ્રિજની નીચે બ્લોક અને પેઇન્ટીંગ જેવી અન્ય કામગીરી ચાલું છે. મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની, પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની સહિતની ટીમ શરૂઆતથી બ્રિજની અંતિમ કામગીરીમાં સતત દેખરેખ રાખી રહ્યા હતાં.

અંબર ટોકીઝ પાસે જયાં સુધી સ્લોપ નહીં બને ત્યાં સુધી ટ્રાફિક સમસ્યામાં ઘટાડો નહીં થાય
જામનગરમાં રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે ફલાય ઓવર તૈયાર થઇ ચૂકયો છે, અગાઉ અંબર ટોકીઝ પાસે ફલાય ઓવરનો સ્લોબ બનાવવાનો હતો, પરંતુ તે બન્યો નથી, રેલ્વે પાસેથી જમીન મળી નથી એટલે આ કામ અધુરૂ છે, પરંતુ મોટી-મોટી કંપનીઓની બસ, જી.જી.હોસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોનો ટ્રાફિક વધુ રહે છે, આ ઉપરાંત પટેલકોલોની, રામેશ્ર્વરનગર વિસ્તાર, ગાંધીનગર વિસ્તાર અને બેડી તેમજ પંચવટી સહિતના મોટા-મોટા વિસ્તારોના અસંખ્ય વાહનોને રાજકોટથી આવતી વખતે બ્રિજની નીચેથી અંબર ચોકડી તરફથી જ જવું પડશે એટલે અંબર ચોકડી પર ટ્રાફિકમાં ફલાય ઓવર શરૂ થઇ ગયા બાદ પણ વધારે રાહત નહીં મળે.
ઉપરાંત સવારે અને રાત્રે ખાવડી તરફથી આવતી મેગા કંપનીઓની તમામ બસ પણ ફલાય ઓવરની નીચે જ ચલાવવી પડશે, કારણ કે સ્લોબ નહીં હોવાના કારણે પીએન માર્ગ તરફ જવા માટે એ બધી બસો નીચેથી ચાલશે, આટલું જ નહીં હજુ અદાણી કંપનીના આગમનના પણ ભણકારા વાગી રહ્યા છે એટલે બેડી પોર્ટ તરફનો ટ્રાફિક વધવાની પણ સંભાવના છે, આ સંજોગોમાં જો અંબર ટોકીઝ પાસે ફલાય ઓવરનો સ્લોબ બને નહીં તો શહેરની ટ્રાફિક સમસ્યાને હાલની તકે વધુ ફાયદો થતો દેખાતો નથી.
સાતરસ્તા સર્કલ અને અન્ય જંકશનોને નવા વાઘા પહેરાવાયા
ફલાય ઓવરનો પ્રોજેકટ શરૂ થયો ત્યારે સાતરસ્તા સર્કલમાં રહેલી ઝાંસીની રાણીની પ્રતિમાનું શું કરવું તે અંગે વખતોવખત મીટીંગ થઇ હતી, આખરે આ સર્કલને ગોળ બનાવીને વ્યવસ્થિત કરી અને ફરતે આકર્ષક પેન્ટીંગ કરીને બ્રિજની સજાવટ કરવા નિર્ણય કર્યો હતો, એ પરીપૂર્ણ થયો છે, ગુરૂદ્વારાથી જેમને એસ.ટી. બસ સ્ટેન્ડ જવું હોય તેવા વાહનો માટે સાતરસ્તા પાસે સ્લોબ પણ બનાવાયો છે, ત્યારબાદ હરીયા કોલેજ અને સીધુ ખોડીયાર મંદિર તરફ જવા માટે પણ સ્લોબ બનાવાયા છે, ગુરૂદ્વારા જંકશન, અંબર ચોકડી પાસે તેમજ સાતરસ્તાથી આગળ હરીયા કોેલેજ જવાના રસ્તે આકર્ષક પેઇન્ટીંગ પણ કરવામાં આવ્યા છે, એટલે કે આ બ્રિજ જામનગર માટે નવલું નજરાણું બની જશે.
ફલાય ઓવરનું નામ શું આપવું તે અંગે હજુ પણ અવઢવ
જામનગરમાં સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવર તૈયાર થઇ ગયો છે, પરંતુ આ બ્રિજને કઇ રીતે ઓળખ આપવી તે હજુ નકકી થયું નથી, હજુ કયું નામ રાખવું તે અંગે અવઢવમાં છે ત્યારે આ સમગ્ર બ્રિજ બનાવવા માટે ૧૧ હજાર મેટ્રીક ટન સ્ટીલ અને ૩૬ હજાર મેટ્રીક ટન સિમેન્ટ વપરાયો છે ત્યારે ગાંધીનગરની સુચના મુજબ આ બ્રિજને કયું નામ આપવું તે અંગે હવે નકકી થશે.
અવનવી લાઇટીંગ ફલાય ઓવરનું આકર્ષણ બનશે
સાતરસ્તાથી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સુધી ફલાય ઓવર ફોરલેન એલીવેટેડ બ્રિજ હવે પુરો થઇ ગયો છે ત્યારે બ્રિજની બંને બાજુ આકર્ષક લાઇટીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ગઇકાલે સાંજે ફરીથી આ તમામ લાઇટીંગનું ચેકીંગ કરવામાં આવ્યું હતું, થોડા સમય પહેલા વજનદાર ટ્રકોને પણ આ બ્રિજ ઉપરથી ચલાવવામાં આવ્યા હતાં. રાજયના મુખ્યમંત્રીના હસ્તે ગુરૂવારે આ ફલાય ઓવર લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
અંબર ટોકીઝ પાસે રેલ્વે જમીન આપે તો સ્લોપ પણ બનાવાશે
ફલાય ઓવરની કામગીરી શરૂ થયા બાદ કોર્પોરેશનના સતાવાળાઓએ રેલ્વે મંત્રાલય સમક્ષ અંબર ટોકીઝ પાસેની થોડી જમીન આપવા માંગણી કરી છે, પરંતુ હજુ રેલ્વે મંત્રાલય તરફથી આ અંગે કોઇ સાનુકુળ પ્રત્યુતર મળ્યો નથી, જો ભવિષ્યમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી આ રેલ્વેની માલીકીની જમીન સુપ્રત કરે તો આ જગ્યા પાસે સ્લોબ પણ બની શકે તેમ છે, એટલે કે આ પ્રોજેકટ હજુ પૂર્ણ કરવામાં આવ્યો નથી.
ફલાય ઓવર નીચે બનેલા અન્ડર સ્પેસના ફાયદા
જામનગરમાં ૪૨૨૫ મીટર એટલે કે કુલ ૪ એપ્રોચ સાથે ફલાય ઓવર બની ગયો છે, ત્યારે કુલ ૬૧ ગાળાઓમાં ૮૫૦ ટુ-વ્હીલર, ૨૫૦ ફોર-વ્હીલ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય વાહનો અને ૨૬ બસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરાંત કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુસ ટોયલેટની વ્યવસ્થા પણ થશે, એક સ્થળે શ્રમીક સુવિધા કેન્દ્ર (લેબર ચોક) બનાવાશે, ઉપરાંત ૧૦ ગાળામાં સ્પોર્ટસ એકટીવીટી તેમજ ૪ લોકેશન પર વેઇટીંગ અને સીટીંગની વ્યવસ્થા કરવામાં આવશે, ખાવા-પીવાના શોખીનો માટે ૪ શોખીનો પર ફુડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.