જામનગર: ૨૮ વર્ષથી નાસતો ફરતો ઇનામી આરોપી મઘ્યપ્રદેશમાંથી પકડાયો
લુંટ-ધાડના ગુનામાં સંડોવણી : લાલપુર પોલીસની કાર્યવાહી
૨૮ વર્ષથી નાસતા ફરતા અને ૫૦૦૦ના ઈનામી આરોપીને મધ્ય પ્રદેશથી લાલપુર પોલીસે ઝડપી લઇને પંચકોશી-બી પોલીસેને સોપી આપ્યો છે.
જામનગર જીલ્લાના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુન્હામાં છેલ્લા ૨૮ વર્ષથી નાસતા ફરતા અને જેના પર રૂપિયા ૫૦૦૦નું ઈનામ જાહેર કરાયું હતું તેવા મધ્ય પ્રદેશના શખ્સને લાલપુર પોલીસે ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સની મદદથી મધ્ય પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓની શોધખોળ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી.
આ ટીમમાં સામેલ લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગળચર, સબ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ સરસીયા અને દિવ્યેશભાઈ ભીંભાની ટીમે મળેલી સચોટ હકિકતના આધારે વાલુ માનસિંગ બીલવાવ (ઉં.વ. ૫૦, રહે. બડી માંડલી, જી. ઝાબુઆ, મધ્ય પ્રદેશ) નામના આરોપીને મધ્ય પ્રદેશથી હસ્તગત કર્યો છે.
પકડાયેલ આરોપી વર્ષ ૧૯૯૯થી પંચકોશી-બી પોલીસ સ્ટેશનના ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ (ધાડ અને લૂંટ) ના ગુન્હામાં નાસતો ફરતો હતો. આ ઉપરાંત તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૧૯૯૬ અને ૧૯૯૭ના ગુન્હાઓમાં પણ સંડોવાયેલો છે તેમજ ભાવનગર જીલ્લામાં પણ તેને પેટ્રોલ પંપ પર લૂંટ-ધાડની કોશિશ કરેલી હતી. લાલપુર પોલીસે આરોપીને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી માટે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.