BREAKING NEWS

ગજબ હો...રાજકોટમાં રિટેલમાં 5 રૂપિયામાં મળતી પાણીની બોટલ મનપાએ હોલસેલમાં રૂ.8માં ખરીદી

  • June 26, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરની બજારોમાં રિટેલમાં વેંચાતી ૨૦૦ એમએલની મીનરલ વોટરની બોટલનો ભાવ રૂા.પાંચ છે. પરંતુ મહાપાલિકાએ રેટ કોન્ટ્રાક્ટથી હોલસેલ ભાવે ૨૦૦ એમએલ પાણીની બોટલ પ્રતિ નંગ દીઠ રૂા.૮માં ખરીદી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જંગલેશ્વર મેગા ડિમોલિશન દરમિયાન રૂા.૨૭.૨૦ લાખનું ફૂડ સપ્લાયનું પેમેન્ટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે પરંતુ પાણી અને મંડપના બીલ પેમેન્ટ સામે સ્ટેન્ડિંગ કમિટી લાચાર બની રહી છે.


જંગલેશ્વરમાં મેગા ડિમોલીશન દરમિયાન ફરજમાં રોકાયેલા મ્યુનિસિપલ સ્ટાફ, પોલીસ, પીજીવીસીએલ વિગેરે વિવિધ વિભાગોના કર્મચારીઓને છ દિવસ માટે પીરસવામાં આવેલા ભોજન, નાસ્તા અને ચાનું બીલ રૂા. ૨૭.૨૦ લાખ જેટલું આવ્યું છે જેમાં કાજુકતરી અને ખજુર રોલ જેવી મીઠાઈનો ખર્ચ પણ સમાવિષ્ટ છે. હાલ તો આ બીલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. દરમિયાન હવે એવું પણ સામે આવ્યું છે કે ઉપરોક્ત ડિમોલિશન દરમિયાન તા.૨૦થી ૨૭ ફેબ્રુઆરી સુધીના એક સપ્તાહમાં ફરજ ઉપરના સ્ટાફને પીવા માટે મીનરલ વોટર આપવામાં આવ્યું હતું. તેનું કુલ બીલ રૂા.૧૨.૪૦ લાખ જેટલું આવ્યું હતું પરંતુ તેનું બિલ પેમેન્ટ કરી અપાયું છે. ઉમિયા મંડપને મંડપ સર્વિસને મિનરલ વોટર સહિત વિવિધ ૨૦૦ વસ્તુ માટે રેઇટ કોન્ટ્રાક્ટ અપાયો છે તે અંતર્ગત તેની પાસેથી મિનરલ વોટરની ખરીદી કરાઈ હતી જેથી આ બિલ સ્ટેન્ડિંગ કમિટી સુધી આવ્યું જ ન હતું.


આ ઉપરાંત ડિમોલિશન દરમિયાન શેઠ હાઈસ્કૂલ, શાળા નં.૭૦ અને વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ ખાતે જે મંડપ ફીટ કરવામાં આવ્યા હતાં. તેનું એક સપ્તાહનું બીલ સાત લાખ જેટલું થયું હતું જેનું પેમેન્ટ પણ થઇ ચુક્યું છે. રેઇટ કોન્ટ્રાક્ટ અંતર્ગત ખરીદાતી વસ્તુઓ અને મેળવાતી સેવાઓનું ગમે તેટલું બીલ આવે તો પણ તેની મંજુરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવી પડતી નથી ! તેથી જેડંગલેશ્વર મેગા ડિમોલિશનના સાત દિવસમાં પાણી અને મંડપ સર્વિસનું બીલ રૂા.૨૦ લાખ થયું હતું જેનું પેમેન્ટ થઇ ચૂક્યું છે. હવે જંગલેશ્વર મેગા ડિમોલિશન દરમિયાન થયેલી ફૂડ સપ્લાય ઉપરાંત પાણી અને મંડપના ખર્ચને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.


દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ, કાજુ કતરી, ખજુર રોલ, સમોસા, ખમણ, ચા કોફી વિગેરે જંગલેશ્વર મેગા ડિમોલિશન બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ માટે મંગાવવામાં આવ્યાં હોવાનું જાહેર કરી બીલ પત્રકારોના નામે ચડાવી દઇને મંજૂર કરાવવા પ્રયાસો શરૂ થયા હોવાની ચર્ચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application