BREAKING NEWS

ગાંધીનગર એસીબીની સફળ ટ્રેપઃ મહેસાણામાં લાયસન્સી સર્વેયર 70,000ની લાંચ લેતા ઝડપાયો: 1.90 લાખ માંગ્યા'તા

  • June 26, 2026 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે. મહેસાણાની ડી.આઈ.એલ.આર. (DILR) કચેરીમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય લાયસન્સી સર્વેયર આશિષ કુમાર ભીખાભાઇ પરમારને ૭૦,૦૦૦ની લાંચ લેતા ગાંધીનગર એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો છે. જમીન માપણીની શીટ સબમિટ કરવાના અવેજ પેટે આરોપીએ 1.90 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.


આ કેસની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકની મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સુરજ ગામે સર્વે નંબર-૨૧૦ વાળી જમીન આવેલી છે. આ જમીનની હિસ્સાદુરસ્તી એટલે કે જમીન માપણી કરાવવાની હોવાથી ફરિયાદીએ ડી.આઈ.એલ.આર કચેરી, મહેસાણા ખાતે સત્તાવાર અરજી કરી હતી.

આ અરજીના આધારે લાયસન્સી સર્વેયર આરોપી આશિષ કુમારે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. જમીનની માપણી કરી તેની શીટો સબમિટ કરી આપવાના કામ માટે આરોપીએ શરૂઆતમાં કુલ ૧,૯૦,૦૦૦ની મસમોટી લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ, સોદાબાજીના અંતે આરોપીએ પ્રથમ હપ્તા પેટે ૭૦,૦૦૦ આપવા ફરિયાદીને જણાવ્યું હતું.


નાસ્તા હાઉસ ખાતે ગોઠવાયું એસીબીનું છટકું

ફરિયાદી પોતે આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે સીધો ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગઈકાલે તા.૨૫/૦૬/૨૦૨૬ના રોજ મહેસાણામાં એક ગુપ્ત લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું.

આરોપીએ લાંચની રકમ સ્વીકારવા માટે ફરિયાદીને મહેસાણા સેશન્સ કોર્ટના ગેટ નંબર-૪ પાસે આવેલા 'જય અંબે નાસ્તા હાઉસ' ખાતે બોલાવ્યો હતો. લાંચના છટકા દરમિયાન આરોપી આશિષ કુમારે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ફરિયાદી પાસેથી રૂા.૭૦,૦૦૦ સ્વીકાર્યા હતા. નાણાં સ્વીકારતાની સાથે જ પૂર્વતૈયારી સાથે ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી હતી.

અધિકારીઓની વિગત અને કાયદેસરની કાર્યવાહી

આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાથી તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ટ્રેપિંગ અધિકારી: ડી.એ.ચૌધરી (પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન) તથા તેમની ટીમ.

સુપરવિઝન અધિકારી: એ.કે.પરમાર (મદદનીશ નિયામક, એ.સી.બી., ગાંધીનગર એકમ).

ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા (નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ).


એસીબીએ આરોપીની અટકાયત કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી કામકાજ માટે વચેટીયાઓ કે કર્મચારીઓ લાંચ માંગે તો તાત્કાલિક એસીબીનો સંપર્ક કરવા જાગૃત નાગરિકોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application