જામનગરના ખીમરાણામાં નદીમાં ખનીજ ચોરી પર રાજકોટ રેન્જનો દરોડો: ૧.૦૨ કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસે જેસીબી, ટ્રેકટર ટ્રોલી સહિતના વાહનો કબ્જે લીધા: શખ્સોને અટક કરી પંચ-એ ને સોંપ્યા
જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખીમરાણા ગામની સીમમાં આવેલ પારેલ નદીમાંથી ગેરકાયદેસર ખનીજ રેતી ચોરીની પ્રવૃત્તિ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે અહીંથી જે.સી.બી, ટ્રેકટર ટ્રોલી મળી કુલ રૂ.૧.૦૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા શખસો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા શખસો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા ટીમ તપાસમાં હતી.
દરમિયાન મળેલી હકિકતના આધારે પીએસઆઇ સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, ધર્મેન્દ્રસિહ જાડેજાએ જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના ખીમરાણા ગામની સીમમાં આવેલ રૂપારેલ નદીમાંથી દયાળજીભાઈ માંડવિયા (રહે.ખીમરાણા જી.જામનગર) દ્વારા ગેરકાયદેસર ખનીજ રેતીની ચોરી કરતી હોય અહીં દરોડો પાડયો હતો.
પોલીસે દરોડા દરમિયાન જેસીબી નં. જીજે ૦૩ એટી ૯૨૧૪ ડ્રાઇવર શાંતીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા (રહે.ખીમરાણા), જેસીબી નં. જીજે ૧૨ એએન ૯૫૨૧ ના ડ્રાઇવર આકાશ દયાળજીભાઇ માંડવીયા (રહે. ખીમરાણા), ટ્રેકટર નં. જીજે ૧૦ કે ૧૯૮૧ ના ડ્રાઇવર કાન્તીયા ધના કિરાડ (રહે. ઠેબા) ટ્રેકટર નં. જીજે ૧૦ એએમ ૧૯૯૫ ના ડ્રાઇવર સેવલા કીરાડ (રહે.ઠેબા) ટ્રેકટર ડ્રાઇવર અજય જુથસિહ કિકરીયા રહે.ખીજળીયા, ટ્રેકટર નં. જીજે૧૦ વાય ૨૨૦૫ ના ડ્રાઇવર દયાળજીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા (રહે.ખીમરાણા),ટ્રેકટર નં. જીજે ૧૦ એએમ ૧૫૯૯ ના ડ્રાઇવર ટાવેડીયા ધનાભાઇ રાઠવા (રહે.ઠેબા), ટ્રેકટર નં. જીજે ૦૯ એડી ૦૫૫૨ ના ડ્રાઇવર ગીયાનભાઇ ધનાભાઇ કેરાળ (રહે.ઠેબા) હાજર મળી આવ્યા હતાં.
પોલીસે દરોડા દરમિયાન ચાર જેસીબી તથા ટ્રેકટર ટ્રોલી સહીત ૬ મળી કુલ કિ.રૂ.૧,૦૨,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાયદેસર કાર્યવાહી માટે ખાણખનીજ અધિકારી તથા પંચકોષી-એ ડિવી.પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.