જામનગરમાં ઇમ્પેકટ ફી યોજનાની નબળી અસર, ૩.૫ વર્ષમાં ૭૫૨૨ અરજી નામંજૂર
કામગીરી ધીમી: ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા મનપાને મળેલી કુલ ૧૪૪૧૦ માંથી ૫૦૪૨ અરજી મંજૂર થતા અંદાજે રૂ.૩૬ કરોડની આવક
વર્ષ-૨૦૨૨થી શરૂ થયેલી યોજનામાં ચારથી પાંચ વખત મુદત વધારો કરાયો: ૧૮૪૬ અરજી પેન્ડીંગ, ૧૬ ડીસેમ્બર અરજી કરવાની આખરી મુદત
જામનગરમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાની રાજય સરકારની ઇમ્પેકટ ફી યોજનાની નબળી અસર જોવા મળી છે. કારણ કે, સાડા ત્રણ વર્ષમાં ૭૫૨૨ અરજી નામંજૂર કરવામાં આવી છે. જયારે મનપાને મળેલી કુલ ૧૪૪૧૦ માંથી ૫૦૪૨ અરજી મંજૂર થતાં અંદાજે રૂ.૩૬ કરોડની આવક થઇ છે. ૧૮૪૬ અરજી પેન્ડીંગ છેે. વર્ષ-૨૦૨૨થી શરૂ થયેલી યોજનામાં ચારથી પાંચ વખત મુદત વધારો કરાયો છે. ૧૬ ડીસેમ્બર અરજી કરવાની આખરી મુદત છે.
રાજયની સાથે જામનગર શહેરમાં થયેલા અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા સરકારે ઇમ્પેકટ ફી યોજના અમલી કરી છે. આ યોજના ગત તા.૧૭-૧૦-૨૦૨૨ના શરૂ કરવામાં આવી છે. જામનગરમાં પણ ગેરકાયદે બાંધકામની ભરમાર જોવા મળે છે.ત્યારે આ યોજના અંતર્ગત જામનગરમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે મહાનગરપાલીકાને અત્યાર સુધીમાં એટલે કે સાડા ત્રણ વર્ષના સમયગાળામાં કુલ ૧૪૪૧૦ અરજી મળી છે. જેમાંથી ૫૦૪૨ અરજી મહાનગરપાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા મંજૂર કરવામાં આવી છે. આથી મનપાને ઇમ્પેકટ ફી યોજના હેઠળ અંદાજે રૂ.૩૬ કરોડની આવક થઇ છે. જયારે કુલ અરજી પૈકી ૭૫૨૨ અરજી નામંજૂર કરવામાં આવી છે. જયારે ૧૮૪૬ અરજી પેેન્ડીંગ છે. આ યોજનાના જાહેરનામા અનુસાર દસ્તાવેજોની પૂર્તતા અને પ્લાન સબમીટ ન કરવાથી અરજીઓ નામંજૂર થઇ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, શહેરમાં ગેરકાયદે બાંધકામનું પ્રમાણ વઘ્યું છે. આમ છતાં ઇમ્પેકટ ફી યોજનાને લોકો તરફથી જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.
બીજી બાજુ આ યોજનામાં અત્યાર સુધીમાં ૪ થી ૫ વખત મુદત વધારો કરવામાં આવ્યો છે. આથી આ યોજના હેઠળ અરજી કરવાની અંતિમ મુદત તા.૧૬-૧૨-૨૦૨૬ છે. મનપાની ટીપીઓ શાખાએ શહેરના દરેક વોર્ડમાં થયેલા અનઅધિકૃત બાંધકામો કે જેઓને નિયમ મુજબ ૨૬૦(૧)(૨)ની નોટીસ આપી હોય તે આસામીઓ, પ્લાન વિરૂઘ્ધ બાંધકામ કરનારા આસામીઓને પત્ર પાઠવી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. તદઉપરાંત સંબધિત આસામીઓને મેસેજ પણ કરવામાં આવ્યા છે. આમ છતાં આ યોજનાની અસર નબળી જોવા મળી રહી છે. બીજી બાજુ ઇમ્પેકટ ફી યોજના હેઠળ અરજી મળ્યા બાદ ૬ મહીનામાં તેનો નિકાલ કરવાનો રહે છે. પરંતુ અરજીના નિકાલ પણ વિલંબ થઇ રહ્યાની ફરિયાદો પણ ઉઠી છે.