સ્વિમિંગ પુલમાં મેમ્બરશિપ વિના ધુબાકાનું કારસ્તાન

  • April 10, 2023 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના કાલાવડ રોડ સ્વિમિંગ પુલમાં હાલ ઉનાળુ સત્રમાં તરવૈયાઓનો સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે અને તમામ બેચ લગભગ હાઉસફુલ થઇ ગઇ છે. દરમિયાન ટ્રાફિકનો લાભ ઉઠાવીને કે પછી મેમ્બરશીપ મળી ન હોય તેવા કારણે કે અન્ય કોઈ પણ કારણોસર અમુક શખ્સો મેમ્બરશીપ મેળવ્યા વિના જ સ્વિમિંગ પુલ પરિસરમાં ઘુસી જઇને ધુબાકા મારી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગઈકાલે રવિવારે બે યુવાનો સ્વિમિંગ પુલમાંથી બોગસ જેવા જણાતા શંકાસ્પદ આઇકાર્ડ સાથે ઝડપાતા કાર્ડ જપ્ત કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના કાલાવડ રોડ સ્વિમિંગ પુલના મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે રવિવારે સ્વિમિંગ પુલમાં આવેલા બે યુવાનોના આઇ કાર્ડ બોગસ હોય તેવા શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરાઇ હતી અને આઇકાર્ડ કબજે લેવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જાણ કરવામાં આવી છે તેમજ મહાનગરપાલિકાની કોમ્પ્યુટર સિસ્ટમમાં આઇ કાર્ડનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
દરમિયાન આ મામલે કાલાવડ રોડ સ્વિમિંગ પુલના સંચાલક વિપુલભાઈ ભટ્ટનો સંપર્ક સાધતા તેમણે ઉપરોક્ત ઘટના બન્યાને સમર્થન આપ્યું હતું અને તેઓ આ ઘટના અંગે જ ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી સાથે મિટિંગમાં હોવાનું જણાવી વિશેષ વાતચીત કરી શકશે નહીં તેમ ઉમેર્યું હતું !

હવે તમામ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલના સભ્યના આઇ કાર્ડની તપાસ થવી જરી
કાલાવડ રોડ સ્વિમિંગ પુલમાંથી શંકાસ્પદ આઇકાર્ડ સાથે ગઈકાલે બે યુવાનો ઝડપાતા હવે મહાનગરપાલિકાના તમામ સ્વિમિંગ પુલના મેમ્બર્સના આઇ કાર્ડની ચકાસણી કરવી જરૂરી છે. અન્ય સ્વિમિંગ પુલમાં પણ આ પ્રકારે કોઈ ઘૂસણખોરી તો કરતું નથી ને ? તેની તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. જો કે ઉપરોક્ત ઘટના બન્યા બાદ કાલાવડ રોડ સ્વિમિંગ પુલના તમામ સભ્યોના આઇ કાર્ડની સઘન ચકાસણી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સ્વિમિંગ પુલ હાઉસફુલ: મેમ્બરશિપ મેળવવા લેઈટ લતિફો દ્વારા રાજકીય ભલામણનો મારો
રાજકોટ મહાનગરપાલિકાના તમામ સ્વિમિંગ પુલમાં હાલ ઉનાળુ સત્રમાં તરવૈયાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, હાલની સ્થિતિએ સાધુ વાસવાણી રોડ ઉપરના લેડીઝ સ્વિમિંગ પુલ સિવાયના લગભગ તમામ સ્વિમિંગ પુલમાં તમામ બેચ હાઉસફુલ થઇ ગઇ છે. દરમિયાન ઉનાળુ સત્રની મેમ્બરશીપ શરૂ થઇ ગયાની આગોતરી જાહેરાત-જાણ કરવા છતાં તેમજ ઓનલાઇન મેમ્બરશીપ્ની સુવિધા આપવા છતાં પણ અમુક લેઈટ લતીફો રહી રહીને જાગ્યા હોય તાજેતરમાં મેમ્બરશીપ મેળવવા માટે પદાધિકારીઓ, કોર્પોરેટરો તેમજ રાજકીય આગેવાનોની ભલામણોનો મારો ચલાવી રહ્યા છે.

કોરોના સામેનું વેક્સિનેશન શરૂ થયું ત્યારે ડુપ્લીકેટ ટોકનનું કારસ્તાન ઝડપાયું હતું
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જ્યારે કોરોના સામેનું વેક્સિ નેશન શરૂ થયું ત્યારે લાંબી લાઇનો લાગતી હતી , તે લાઇનો નિવારવા માટે નાગરિકોને ટોકન આપવાનું શરૂ કરાયું હતું. આથી ટોકન મુજબની તારીખ અને સમયે આવે તો લાઇનમાં ઉભું રહેવું પડે નહીં. દરમિયાન અમુક ભેજાબાજોએ આવા ડુપ્લી કેટ ટોકન બનાવી નાખ્યા હતા અને યુનિવર્સીટી રોડ ઉપર એસએનકે સ્કૂલ નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી આ કારસ્તાન ઝડપાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application