ગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી

  • September 20, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાછળ ઉર્જા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી અહીંથી સોના-ચાંદીના દાગીના અને રૂપિયા 15,000 રોકડ સહિત કુલ રૂપિયા 46,400 મતદાન ચોરી કરી ગયા હતા. જે અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ અમરેલીના વડીયા તાલુકાના અમરનગરના વતની અને હાલ ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાછળ ઉર્જા સોસાયટીમાં રહેતા પ્રતાપભાઈ છગનભાઈ ગોહેલ (ઉ.વ 64) દ્વારા ચોરીના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રતાપભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં ગોંડલ જામવાળી જીઆઇડીસીમાં કૃષિરાજ ટ્રેક્ટર નામના કારખાનામાં મજૂરીકામ કરે છે. તેમણે અહીં ઉર્જા સોસાયટીમાં ભાડે મકાન રાખ્યું હોય ત્રણેક મહિના પૂર્વે આ મકાનની સામે ઘરનું મકાન ખરીદ્યું છે.
ગત તારીખ 18/ 6/ 2024 ના તે તથા તેમના પત્ની સરોજબેન અહીં ભાડાના મકાનને તાળું મારી સામે આવેલા ઘરના મકાનની છત પર સૂવા માટે ગયા હતા. રાત્રિના બે વાગ્યા આસપાસ શેરીમાં અવાજ થતાં તેમણે છત પરથી જોતા શેરીમાં સામે આવેલા તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું હોય બાદમાં ઘરમાં જઇ તપાસ કરતા લોખંડનો કબાટ રાખ્યો હતો તે કબાટના દરવાજા ખુલ્લા હોય ચોરી થયાની શંકા ગઈ હતી. કબાટમાં લોકરનું તાળું પણ તૂટેલું હોય તપાસ કરતા તેમાંથી રૂપિયા 31,400 ની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂ.15,000 રોકડ સહિત કુલ રૂપિયા 46,400 ની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટના બન્યા બાદ વૃદ્ધ પતિ-પત્નીને બહારગામ જવાનું થતા જે તે સમયે પોલીસમાં અરજી આપી હતી પરંતુ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં તેમણે આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હવે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application