જામનગર, સલાયા અને ખંભાળીયા પંથકમાં ઝાપટાથી ખેડુતો પરેશાન

  • March 24, 2023 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ છઠ્ઠા દિવસે પણ કેટલાક ગામડાઓમાં વરસાદ વરસાવવાનું ચાલું રાખ્યું છે, ખાસ કરીને સલાયા અને ખંભાળીયા પંથકમાં માવઠાએ લોકોને પરેશાન કરી દીધા છે, રવિ પાક અને બાગાયત પાકને માવઠાના કારણે ભારે નુકશાન થયું છે, ડુંગળી અને બટાકાનો પાક પલળી જતાં ખેડુતોને પડયા પર પાટુ જેવો ડામ પડયો છે, ત્યારે હજુ એક દિવસ વરસાદ આવે તેવી શકયતા છે, ગઇકાલે જામનગર શહેર, સલાયા અને ખંભાળીયા પંથકના કેટલાક ગામડાઓમાં મેઘરાજાનું ફરીથી આગમન થયું હતું. 


સલાયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે ઓચીંતો ધોધમાર વરસાદ પડયો હતો, થોડો સમય જાણે કે ભરચોમાસુ હોય તે રીતે વિજળીના કડાકા-ભડાકા પણ થયા હતાં, રસ્તા ઉપર પાણી ચાલ્યા ગયા હતાં અને ખેતરમાં વેંચવા માટે ઉભો રાખેલો પાક જીરૂ, કપાસ અને મરચા પલળી ગયા હતાં. સલાયાની આજુબાજુના પંથકમાં અવારનવાર વરસાદના ઝોરદાર ઝાપટા પડયા હોવાનું જાણવા મળ્યું છે. 


જામનગર શહેરમાં ગઇકાલે બપોરે ૧૨:૩૫ મીનીટે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા પડતા રસ્તા ઉપર પાણી ચાલ્યા ગયા હતાં, ઓચીંતા વરસાદને કારણે કેટલાક લોકો પલળી ગયા હતાં અને એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, ઓચીંતા વરસાદને કારણે કેટલાક સ્થળોએ માલસામાન પલળી ગયો હતો. 


ખંભાળીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ખંભાળીયા પંથકના કેટલાક ગામડાઓમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાએ માવઠુ વરસાવ્યું હતું, કેટલાક લોકોના ખેતરોમાં ખંભાળીયા પંથકનું વખણાણું મરચુ વેંચવા માટે તૈયાર હતું પરંતુ તેના ઉપર ઝાપટા પડયા હતાં, એવી જ રીતે કેટલાક ખેડુતોના ઘઉં પણ પલળી ગયા હતાં અને જીરાનો પાક પલળી જતાં હવે આ પંથકમાં હવે જીરાના ભાવ ચોકકસપણે આસમાને જશે. 


સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘઉં, જીરૂ, ધાણા, ચણા, મરચા ઉપરાંત ફળોમાં ચીકુ, બટાકા અને ડુંગળીના પાક ઉપર વરસાદ પડતા ખેડુતોને ભારે નુકશાન થયું છે, કેટલાક સ્થળોએ લસણ પણ પલળી ગયું હતું, આમ કમોસમી ઝાપટાના કારણે હાલારમાં જગતના તાતને નુકશાની વહોરવાનો સમય આવ્યો છે, જો કે સરકારે એવી લોલીપોપ આપી છે કે, તા.૨૯ બાદ ૭ ટીમો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application