સીંગતેલના ભાવમાં ફરી ₹40નો વધારો, ડબ્બાનો ભાવ પહોંચ્યો ₹3080 સુધી

  • July 21, 2023 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માર્કેટ યાર્ડ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં મગફળીના ખૂબ ઉંચા ભાવ ઉપજતા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચી નહીં જેના લીધે સરકાર નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી અને અન્ય રાજ્યોમાં મગફળીનો પાક નિષ્ફળ જતા માલની અછતના કારણે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. શ્રાવણ માસના તહેવારો પૂર્વે હાલ અધિક માસમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૩૧૦૦ નજીક પહોંચી જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. અલબત્ત આગામી દિવસોમાં હજુ ભાવ વધશે તેવું વેપારી વર્તુળોનું અનુમાન છે.





વિશેષમાં સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન અને રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મગફળીમાં માલની અછત છે તેના લીધે ભાવ વધી રહ્યા છે, આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી ઓલટાઇમ હાઇ પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૮૦૦ના ઉંચા ભાવે વેંચાઇ હતી, સૌરાષ્ટ્રના અમુક યાર્ડમાં રૂ.૧૯૦૦થી વધુ ભાવ ઉપજ્યાના પણ વાવડ છે. તદ્દઉપરાંત અન્ય રાજ્યોમાં પાક નિષ્ફળ ગયો તેની સીધી અસર રૂપે માલની અછત સર્જાઇ છે અને ભાવ વધી રહ્યા છે.





દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડના મગફળીના અગ્રણી વેપારી રોહિતભાઈ પટેલએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઓલ ટાઇમ હાઇ પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૮૦૦ના ભાવે સોદા થયા હતા, હજુ ભાવ વધશે. માલની અછતના કારણે ભાવ આગામી ત્રણ મહિના સુધી હજુ મગફળીના ભાવ વધતા રહેશે. ત્રણ મહિના પછી નવો પાક બજારમાં આવી જાય ત્યારબાદ ભાવ સામાન્ય થાય તેવી શકયતા છે.





રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ દિવસમાં મગફળીના ભાવમાં રૂ.૨૧૦ વધ્યા છે. તા.૧૦-૭-૨૦૨૩ના ભાવ રૂ.૧૫૯૦ હતો જે આજરોજ તા.૨૧-૭-૨૦૨૩ના રોજ ઓલ ટાઇમ હાઇ થઈને ૧૮૦૦એ પહોંચ્યો છે. સિઝનમાં પણ ન હોય તેટલા ઉંચા ભાવ હાલ ઓફ સિઝનમાં થયા છે જે પણ એક રેકોર્ડ છે.





આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં આવી રહ્યા છે. એ પહેલા જ તેલનો ભાવ વધી ગયો છે, જેના કારણે ફરસાણ મોંઘુ બનશે. દર વર્ષે તહેવાર આવતા તેલના ભાવ વધે છે અને વચેટિયાઓ ફાવી જાય છે. સામાન્ય લોકોના જન જીવન પર ભારે અસર પડે છે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ઉપવાસ પણ મોંઘા બન્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૩૧૦૦ રૂપિયા નજીક પહોંચ્યો છે, હાલ ડબ્બાનો ભાવ ૩૦૮૦ છે. તહેવારો સમયે સિંગતેલ મોંઘું થતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. તેલમાં ભાવ વધારાનું મુખ્ય કારણ મગફળીમાં અછત છે. ઓફ સિઝન હોવા છતા અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ છે. છેલ્લા એક માસથી સિંગતેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો થતો જાય છે.





ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે. ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા. તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી. જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી. એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી.





કપાસિયા તેલના ભાવમાં રૂપિયા ૭૦નો વધારો થતા કપાસિયાનો ભાવ ૧૭૦૦થી ૧૭૫૦ સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા ૩૦થી ૪૦નો વધારો થતા ૧૪૫૦ ઉપર પહોંચ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો ગૃહિણીઓ અને સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે.




મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેલના ભાવમાં ભડકો થતા મોંઘવારીનો વધુ એક માર જનતા પર જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ડબ્બે રૂ.૧૦૦ જેટલો ભાવ વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application