કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરની "સમૌ પ્રાથમિક શાળામાં" સમૌ શહીદ સ્મારકનું કર્યુ લોકાર્પણ

  • October 15, 2023 08:09 PM 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે રૂપિયા બે કરોડ નાં ખર્ચે નવનિર્મિત થયેલા શહીદ સ્મારક અને પુસ્તકાલય ભવનનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે.


 
અત્રે ઉલ્લેખનીય છે કે સમૌ ગામની ધરતી પર ઈસ 1857 ની ક્રાંતિમાં સહભાગી થયેલા મગન ભુખણ અને દ્વારકાદાસ સહિતના બાર શહીદ વીરોને અંગ્રેજોએ ફાંસી આપી હતી. આ શહીદોની સ્મૃતિને અકબંધ રાખતા ભવ્ય સ્મારકનું સમૌ ખાતે નિર્માણ કરાયું છે. આ શહીદ સ્મારકને રાષ્ટ્રચેતનાની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખનારી દીવાદાંડી સમાન ગણાવી ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યપરાયણ બનવાની આ સ્મારક સતત પ્રેરણા આપશે. 


આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી. હું લાઇબ્રેરીનો માણસ છું. મારા ઘડતરમાં પુસ્તકોની વિશેષ ભૂમિકા રહી છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે દેશનું ભવિષ્ય પુસ્તકાલયમાં ઘડાય છે. તેમણે ઉમેર્યું હતું કે આપણી ભાષા અને સંસ્કૃતિને ઓળખવાનો પુસ્તકાલય અનેરો અવસર આપે છે. પુસ્તકાલયમાં ભગવદ્ગોમંડળનાં ભાગ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભાષાની સમૃદ્ધિથી બાળકો અને યુવાનો દૂર થઈ રહ્યા છે ત્યારે વાંચનથી જ્ઞાન સંપન્ન બનવાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતમાં વાંચે ગુજરાત અભિયાન ઉપાડ્યું હતું અને રાજ્યના પુસ્તકાલયોને અનેકવિધ પુસ્તકોથી સંપન્ન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાનની સફળતા હોય કે વિધાનસભા અને સંસદમાં મહિલાઓને 33% અનામત આપવાનો સંકલ્પ હોય પ્રધાનમંત્રી શ્રી ના માર્ગદર્શન હેઠળ દેશનો વિકાસ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી એ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે વર્ષ 1857 થી વર્ષ 1947 સુધીના દેશના આઝાદીના જંગમાં સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના અમૂલ્ય પ્રદાનથી ભાવિ પેઢીને પ્રેરણા મળે અને શહીદોના ઇતિહાસને પુનર્જીવિત કરીને શહીદ સ્મારકોનાં સ્વરૂપે ચેતના કેન્દ્રોનું દેશભરમાં નિર્માણ કર્યું છે. 



કેન્દ્રીય ગૃહ મંત્રીએ યુવાનોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે સરકાર સુવિધાઓ ઊભી કરે છે પરંતુ તેની જાળવવાની ચિંતા યુવાનોએ કરવી પડે  તેમણે શહીદ સ્મારક સંકુલની જાળવણી માટે યુવાનોને આગળ આવવા અનુરોધ પણ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application