શિક્ષણ સમિતિના ચેરેમનને ભાજપના પ્રદેશ પ્રમુખનું તેડુ આવશે...?

  • May 13, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેરમેન મનીષ કનખરાની દાદાગીરીને કારણે ઉપાઘ્યક્ષે સમિતિમાં આવવું બંધ કર્યુ, તેમણે માંગેલી માહિતી આપવાનો ધરાર ઇન્કાર: ચેરમેન દ્વારા અન્ય શાળામાં પ્રવેશ અપાવવાની કરાય છે થોકબંધ ભલામણ: સ્થાનિક ભાજપ ચુપ !!

જામનગર મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનનું ઉદ્વત વર્તન અને તેની કાર પ્રકરણના મામલે કોયડો વધુ ગુંચવાયો છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રવકતા યજ્ઞેશ દવેને પણ આ બાબતની જાણ થતાં તેઓ પણ ગુસ્સામાં લાલચોળ થઇ ગયા છે, કદાચ આવતા અઠવાડીયામાં રાજકોટની જેમ જામનગરની શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરાને કાર અને અન્ય પ્રકરણ અંગે પ્રદેશ પ્રમુખનું તેડુ આવે તેવી શકયતા છે, બીજી તરફ મ્યુ.કમિશ્નરને વધુ કાર ચાલી છે તે અંગે શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલને જવાબ હજુ મળ્યો નથી, મ્યુ.કમિશ્નર કાર પ્રકરણમાં ચેરમેન પાસેથી વધારાના કીલોમીટર ગાડી ચાલી છે ત્યારે આ આખો મામલો ગુંચવાઇ ગયો છે, બીજી તરફ સ્થાનિક સંગઠનના હોદેદારો પણ આ પ્રકરણે મૌન છે, ઉપાઘ્યક્ષ પ્રજ્ઞાબા જાડેજાની અવારનવાર અવગણના થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને તેઓએ તો ચેરમેનના વલણને કારણે શિક્ષણ સમિતિની ઓફીસમાં આવવાનું બંધ કરી દીધું ત્યારે હવે આ ચેરમેન સામે ભાજપ પ્રદેશ કક્ષાએથી કેવા પગલા લે છે તે અંગે સૌની મીટ છે.
જાણવા મળતી માહીતી મુજબ શિક્ષણ સમિતિના ચેરમેનની કાર અવારનવાર જામનગર ઉપરાંત અન્ય ગામોનો પ્રવાસ પણ કરે છે, ધાર્મિક સ્થળોએ આ કાર વધુ જોવા મળે છે, જામનગરની હદની બહાર જવું હોય તો ચેરમેને શાસનાધિકારીની મંજુરી લેવી પડે છે, પરંતુ ચેરમેનને મનમાં એવું છે કે, ગમે તેટલી ગાડી ચલાવો રાજય કે રાજય બહાર સમિતિની કાર લઇ જાવ તો તેની પાસે પાવર છે, જો કે આ તેની માન્યતા છે, રુા.૭૫ હજાર, રુા.૫૫ હજાર અને રુા.૪૨ હજારના અધધધ બીલ અંગે તપાસ થઇ રહી છે, મ્યુ.કમિશ્નર પણ અગાઉ એક મહીલા ચેરમેન પાસેથી દ્વારકા ગાડી ગઇ હતી તે અંગે સરકારની સુચના મુજબ આ ચેરમેન પાસેથી વધારાના બીલ વસુલવા અંગે શાસનાધિકારીને લેખિત જાણ કરવાના છે, બીજા કૌભાંડમાં સમિતિના પરીપત્ર મુજબ ૩૦૦ કિલોમીટરથી વધુ કાર ચાલે તો રુા.૭.૫૦ કિલોમીટરના ચુકવવા પડે છે, પરંતુ રુા.૮ લેખે કોઇની પણ મંજુરી લીધા વગર બીલ મુકવામાં આવ્યા છે તે અંગે કૌભાંડ બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
સમગ્ર પ્રકરણમાં જેમ રાજકોટમાં આખેઆખી શિક્ષણ સમિતિને ઘરભેગી કરી દીધી છે તેવી જ રીતે જામનગરના શિક્ષણ સમિતિના ચેરમેનનું કાર કૌભાંડ અને અન્ય દાદાગીરી બહાર આવતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ચોંકી ઉઠયા છે અને કદાચ ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ એકાદ અઠવાડીયામાં જ શિક્ષણ સમિતિના ચેરમેનને પ્રદેશના હોદેદારો રુબરુ બોલાવે તેવી પણ શકયતા છે, જો કે સ્થાનિક સંગઠનના હોદેદારોેએ મોઢે પટ્ટી બાંધી છે અને તાલ, માલને તાસીરો મુંગા મોઢે જોયા કરે છે.
નવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ૪૪ જેટલી સરકારી શાળા હોવા છતાં પણ ચેરમેન પોતાના મામકાઓને સાચવવા એડમીશનના ભલામણના પત્ર લખે છે અને આ પત્ર પણ બહાર આવ્યા છે. શહેરમાં સેન્ટઆન્સ, સેન્ટ ઝેવીયર્સ, જીડી શાહ, આર્યસમાજ, સેન્ટ ફ્રાન્સીસ સહિતના સ્કુલોના સંચાલકોને અવારનવાર ચેરમેન મનીષ કનખરા ભલામણ કરતા હોવાની વિગતો બહાર આવી છે અને જો એડમીશન ન મળે તો પોતે રોફ જમાવીને દાદાગીરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે.
કેટલીક શાળાના આચાર્ય અને શિક્ષકોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ચેરમેનના વલણથી કંટાળી ગયા છીએ, વારંવાર અમારુ અપમાન થાય છે, બીજી તરફ શિક્ષકો અને આચાર્યોના ખુલાસા પુછવા અંગે ગુજરાત નગર પ્રાથમિક શિક્ષણ સંઘ ગુસ્સામાં છે અને કોઇપણ ભોગે આ કિસ્સામાં તાત્કાલીક ખુલાસા પાછા નહીં ખેંચાય તો અમે અમારુ વલણ સ્પષ્ટ કરીશું તેવું કહ્યું છે, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ.જોશી અને શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ આ અઠવાડીયામાં જ પગલા લેવાના મુડમાં છે તેમ જાણવા મળે છે.
**
શિક્ષણ સમિતિના ઉપાઘ્યક્ષ સાથે ઓરમાયુ વર્તન શા માટે ?
શિક્ષણ સમિતિની ચૂંટણી થઇ ત્યારે ભાજપની સંગઠન પાંખે ઉપાઘ્યક્ષ તરીકે સનિષ્ઠ કાર્યકર પ્રજ્ઞાબા સોઢાની નિમણુંક કરી છે, થોડા દિવસ તો બધુ સમસુત્રુ ચાલ્યું અને ત્યારબાદ કેટલીક શાળાઓના કાર્યક્રમમાં માત્ર ચેરમેન જ જાય અને વાઇસ ચેરમેનને કહેવાની જરુર નથી તેવી વાતો બહાર આવી હતી, આ અંગે ચેરમેન સમક્ષ અવારનવાર ઉપાઘ્યક્ષે બળાપો પણ કાઢયો છે પરંતુ ચેરમેન પોતાની રીતે કામ કરતા હોય તેઓ કોઇનું માનતા નથી, શિક્ષકો અને શાળાના પ્રશ્ર્ને પ્રજ્ઞાબા સોઢાએ શાસનાધિકારી ફાલ્ગુનીબેન અને ચેરમેન મનીષ કનખરાને કેટલીક વિગતો આપવા પત્ર લખ્યા છે પરંતુ ચેરમેનનો આદેશ હોવાના કારણે આ પત્રોના જવાબ અપાતા નથી, માટે આગામી દિવસોમાં ભાજપમાં જ અંદરોઅંદર સમિતિમાં ખેંચતાણ થાય તેવા સંજોગોનું નિર્માણ થઇ ચૂકયું છે.
**
ચેરમેનની કારની એક વર્ષની લોકબુકની માહિતી કેમ જાહેર કરાતી નથી ?
જામનગર મહાપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરાને કારનું ભાડુ મહીને રુા.૩૩ હજાર અને ૩૦૦ કિલોમીટરની મર્યાદામાં આ કાર ફરે તે માટેના નિયમ છે, પરંતુ ચેરમેનને મનમાં એવો પાવર છે કે, હું ગમે ત્યાં, ગમે તે ગામ, કોઇની પણ મંજુરી લીધા વગર જઇ શકુ છું એટલે જ દ્વારકા સહિતના કેટલાક ધાર્મિક સ્થળોએ આ કાર ગઇ છે, રુા.૭૫ હજાર, રુા.૫૫ હજારના મોટા બીલો આવ્યા છે તો મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ તાત્કાલીક અસરથી આ અંગે તપાસ કરી કારની લોકબુકની ચકાસણી કરી નિયમ વિરુઘ્ધ કાર દોડી છે તેનું બીલ ચેરમેન પાસેથી વસુલ કરવું જોઇએ અને આ નિયમ છે, અગાઉ પણ આ રીતે ચેરમેન પાસેથી બીલ વસુલાયું હતું, ટુંકમાં લોકબુક જાહેર થાય તો અનેક કૌભાંડ બહાર આવે તેવી શકયતા છે તેમ લોકોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application