તારક મહેતા ઉલ્ટા ચશ્માના સેટ પર આજકાલ છવાયો સન્નાટો

  • May 25, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અસિત મોદી પર શારીરિક શોષણના આરોપ બાદ ખુશી ગાયબ
  • મજા ન આવતા દર્શકો પણ શો બંધ કરવાની કરી રહ્યા છે ડિમાન્ડ


છેલ્લા 15 વર્ષથી દર્શકોને મનોરંજનની સાથે હસાવતા શો તારક મહેતા પર જ હવે માતમનો માહોલ છવાયો છે. સેટ પર કલાકારોના ચહેરા પરની ખુશી ગાયબ થઇ જતાં શોની મજા પણ જતી રહી હોવાથી ઘણા દર્શકો શોને બંધ કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા કેટલાક એપિસોડથી મજા ન આવી રહી હોવાની ફરિયાદ દર્શકો કરી રહ્યા છે.

મેકર્સ માટે આ મુસીબત ઓછી નહોતી ત્યાં 15 વર્ષથી રોશનભાભીના પાત્રમાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે લગાવેલા આરોપોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેણે ગત અઠવાડિયે પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી પર શારીરિક શોષણનો ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો હતો તો પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ હેડ જતીન બજાજ ઘણા સમયથી તેને મેન્ટલી ટોર્ચર કરતાં હોવાનું કહ્યું હતું.


 જે બાદ જૂની બાવરી એટલે કે મોનિકા ભદોરિયા તેના સમર્થનમાં આવી હતી અને આસિત મહિલા કલાકારો સાથે કૂતરાની જેમ વર્તન કરતાં હોવાનો દાવો કર્યો હતો. તો રિટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ  આસિતે તેને માખીની જેમ શોમાંથી બહાર ફેંકી હોવાનું કહ્યું હતું. એક બાદ એક કલાકારોએ મેકર્સની પોલ છતી કરતાં હાલ TMKOCના સેટ પર હાલ કેવો માહોલ છે તે સામે આવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર હાલ માતમનો માહોલ થવાયો છે. કોઈના ચહેરા પર ખુશી દેખાતી નથી, કોઈ એકબીજા સાથે વાત કરવું નહીં, બસ માત્ર એકબીજા સામે જોયા કરે છે. બાકી તો અત્યારસુધી તો સેટ પર ખૂબ જ અવાજ થતો હતો, ટાઈમિંગ, ડેટ અને કોર્ડિનેશનની વાતો થતી હતી. આ સિવાય રિપોર્ટ પ્રમાણે, હાલ જે કંઈ સ્થિતિ સર્જાય છે તેમાંથી બહાર કેવી રીતે આવવું તે માટે ચેનલ મીટિંગ પણ કરી રહ્યું છે જો કે હજી સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. 


સોનાલિકા જોશી, અંબિકા રંજનકર, દિલીપ જોશી, અમિત ભટ્ટ, તનુજ મહાશબ્દે તેમજ શ્યામ પાઠક સહિતના ઘણા કલાકારો એવા છે, જેઓ શરૂઆતથી શો સાથે જોડાયા છે, પરંતુ મીડિયા સામે ખુલીને બોલવા માટે આગળ આવી રહ્યા નથી. ત્યારે સવાલ એ છે કે, શું તેઓ પોતાની નોકરી બચાવવા પ્રયાસ કરી રહી છે કે પછી મિસિસ મિસ્ત્રી જે કંઈ કરી રહી છે તેમાં તેમને વિશ્વાસ નથી આવતો.

અસિત કુમાર મોદી સાથે માથાકૂટ થયા બાદ TMKOC શો છોડનારા કલાકારોનું લિસ્ટ ઘણું લાંબુ છે. જેમાંથી શૈલેષ લોઢાએ ગત વર્ષની શરૂઆતમાં અચાનક આ નિર્ણય લીધો હતો અને ત્યારથી થોડા-થોડા દિવસે સોશિયલ મીડિયા પોસ્ટ થકી પ્રોડ્યૂસર પર વ્યંગ કરતાં રહે છે.

ગુરુ ચરણ, જે રોશનના રોલમાં હતો તેણે પેમેન્ટ મોડું મળતું હોવાના કારણે શોમાંથી અલવિદા લેવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય નેહા મહેતા, જે અંજલીભાભીના રોલમાં હતી, તે શોમાંથી ગઈ તેને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં હજી 50 લાખનું બાકીનું મહેનતાણું ન ચૂકવ્યું હોવાની ચર્ચા છે.


 દયાભાભી ઉર્ફે દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગઈ ત્યારથી પરત ફરી નથી. તેણે પેમેન્ટમાં વધારો કરવા અને અનુકૂળ વર્ક શિડ્યૂલની ડિમાન્ડ કરી હતી, જે મેકર્સ સ્વીકારી નહોતી. શો સાથે ઘણા વિવાદ જોડાયા છે પરંતુ ચેનલ તેને કોઈ પણ ભોગે બંધ કરવા તૈયાર નથી કારણ કે, સોનાના ઈંડા આપતી મરઘીને કોણ મારે?
 
અસિત મોદી પર જે આરોપ લાગ્યા છે તેની વાત કરીએ તો, જેનિફર મિસ્ત્રી બંસીવાલે દાવો કર્યો હતો કે જ્યારે શોની ટીમ સિંગાપોરમાં સ્પેશિયલ એપિસોડ શૂટ કરવા ગઈ હતી તે વખતે તેની વેડિંગ એનિવર્સરી હતી. એક દિવસ રાતે અસિતે હોટેલના રૂમમાંથી તેને ફોન કર્યો હતો અને પોતાના રૂમમાં બોલાવી સાથે વ્હીસ્કી પીવાની ઓફર આપી હતી. જ્યારે તેણે ના પાડી તો બીજા દિવસે તેઓ તેની નજીક આવ્યા હતા અને તેના હોઠના વખાણ કરતાં કિસ કરવાની ઈચ્છા દર્શાવી હતી. જે બાદ મોનિકા ભદોરિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સેટ પર મહિલા કલાકારો સાથે અશોભનીય વર્તન કરવામાં આવતું હતું.
--------



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application