જામનગરમાં આઇપીએલનો સટ્ટો રમતો શખ્સ સકંજામાં

  • May 30, 2023 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુલાબનગરમાં એલસીબીનો દરોડો : કપાત લેનાર ભજી ફરાર

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આઇપીએલની ફાઇનલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને એલસીબીની ટુકડીએ રોકડ, મોબાઇલ સાથે પકડી લીધો હતો, જેમાં ભજી નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગર પોલીસ દ્વારા આઇપીએલ ટુર્નામેન્ટ દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં સટ્ટાબાજો પર તવાઇ બોલાવવામાં આવી છે અને મોબાઇલ એપ્લીકેશન મારફત સટ્ટો રમનારાઓને સકંજામાં લીધા હતા, ગઇકાલે જામનગરના ચાંદીબજાર પાસે કલ્યાણજીના ચોક નજીક રહેતા ભરત દ્વારકાદાસ દાવડા (ઉ.વ.૫૩) નામનો શખ્સ આઇપીએલની ગુજરાત તથા ચેન્નાઇ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચનું મોબાઇલમાં લાઇવ પ્રસારણ નિહાળી એપ્લીકેશનથી ફોન પર આરોપી સાથે સેશન અને હારજીતના સોદા કરતો હોય એવી હકીકત આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.
ગુલાબનગરમાં મેડીકલ પાસે દરોડો પાડીને ભરત દાવડાને સટ્ટો રમતા રોકડા ૬૦૦૦ અને એક મોબાઇલ મળી કુલ ૧૧ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો, જયારે કપાત લેનાર જામનગરના ભરત ઉર્ફે ભજીને તથા તપાસમાં જે નામ ખુલે તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા આ મામલે સીટી-બીમાં જુગારધારા મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
**
સલાયામાં જુગાર રમતા બે મહિલા સહિત ચારની અટકાયત
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સંધીપાડો વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપતા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા સકીનાબેન જુસબ સુંભણિયા, હસીનાબેન આમીન સુંભણિયા, જાવેદ ઉર્ફે ગોટીયો કાસમ ભટ્ટી અને ફિરોજ નુરમામદ સંઘારને ઝડપી લઇ, રૂપિયા ૨,૧૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દ્વારકામાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી એક કેબિનના ઓટલા પર બેસીને વરલી મટકાનો જુગાર રમતા ડુંગરભા પોલાભા મકવાણા (ઉ.વ. ૩૨) અને ઓખાના બસ સ્ટેશન ચોક પાસે વરલી મટકાનો જુગાર રમતા સીદીયાભા આસપારભા માણેક (ઉ.વ. ૨૮) ને સ્થાનિક પોલીસે ઝડપી લઇ, મુદામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application