પીંડારા ખાતે આજે દેશી મલ્લ કુસ્તી મેળો

  • September 15, 2023 12:22 PM 

કુસ્તી મેળામાં પ્રથમ વખત ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરણાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન


લોક ઉત્સવ અને મેળાઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના મૂળમાં છે. ગરવી ગુજરાતની વેવિધ્ય અને નાવિન્યપૂર્ણ લોક સંસ્કૃતિના વારસાને ઉલ્લાસ અને મનોરંજન સાથે લોક ઉત્સવ સ્વરૂપે વિરાસતને સાચવવાનું અદકેરુ કાર્ય ગુજરાતમાં આગવી રીતે થતું રહ્યું છે.


જીવનમાં સફળતા માટે શિસ્ત સાથે શારીરિક રીતે સ્વસ્થ હોવું અનિવાર્ય છે ત્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીંડારા ગામનો દેશી મલ્લ કુસ્તીનો મેળો શારીરિક સ્વસ્થતા ,શોર્યતા અને ખેલદિલીનો પ્રતીક બન્યો છે.


દ્વારકા નજીકનું પીંડારા ગામ મહાભારતની કથા સાથે જોડાયેલું છે. કથા અનુસાર  ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ દુવર્સિા ઋષિનો આશ્રમ પિંડારા ગામમાં હતો. આજે પણ આ કુંડ અને દુવર્સિા ઋષિ જ્યાં બેસતા હતા તે રાણનું ઝાડ શ્રદ્ધાનું પ્રતીક છે.અહીં કુંડમાં મોક્ષ માટે પિંડ તારવામાં આવ્યા હતા એવી શ્રદ્ધા છે. આ સ્થળે દરિયાના કાંઠે રેતીનું મેદાન છે ત્યાં વર્ષોથી આસપાસના ગામ અને તાલુકાના યુવાનો શ્રાવણી અમાસના દિવસે કુસ્તી રમવા માટે મેળા રૂપે એકઠા થાય છે.


આજે શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલ કુસ્તી મેળો એક દિવસનો યોજાશે. જુદા જુદા ગ્રુપમાં યુવાનો સામસામે કુસ્તી રમે છે અને અનેરો આનંદ માણે છે. આ મેળો જોવા ખાસ કરીને યુવાનોની કુસ્તીમાં સહભાગી થવા માટે  આબાલ વૃદ્ધ સહીત મોટી સંખ્યામાં અહીં આવી લોક ઉત્સવને સફળ બનાવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ સ્થાનિક પંચાયત અને  ઉપરાંત  રમતગમત સાંસ્કૃતિક તંત્ર સહિતના પ્રતિનિધિઓ પણ જરૂરી સંકલન કરે છે.


જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જગાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પીંડારાનો મેળો એક વિશિષ્ટ મેળો છે. શારીરિક ખડતલતા સાથે યુવાનોમાં ઉત્સાહ પ્રેરે છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલું પિંડારા અને બાજુનું ટુપણી ગામ ચરણ ગંગા  ધામ અને દુવર્સિા ઋષિ નો આશ્રમ આ બધા સ્થળો સાંસ્કૃતિક વિરાસત છે અને આ અહીં યોજાતો મેળો એક આગવી પરંપરા ધરાવતો હોવાથી પ્રથમ વખત ગુજરાત સરકારના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાની પ્રેરણાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application