વસઈ પાટીયા પાસે ત્રિપલ અકસ્માતમાં ૧૫ને ઇજા

  • December 08, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રક-ખાનગી બસ અને કાર અથડાયા : બે વાહન ટકરાઈને રોડથી નીચે ઉતરી  ગયા : એક યુવાન ફસાઇ જતા પગમાં ગંભીર ઇજા : પોલીસ તંત્ર દોડતું થયું : ૭ એમ્બ્યુલન્સમાં ઘાયલોને હોસ્પીટલ ખસેડાયા

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઇ ગામના પાટીયા પાસે ગઇ સાંજે ત્રીપલ અકસ્માત સર્જાયો છે. આગળ જઈ રહેલા ટ્રક ચાલકે ઓચિંતી બ્રેક મારતાં પાછળથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસ અને કાર ટકરાઈ ગયા હતા. જે ત્રિપલ અકસ્માતમાં ૧૨ થી ૧૫ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. જેમાં એક યુવાનના બે પગ કપાયા છે. પોલીસ તંત્ર, ફાયર વિભાગ તથા ૧૦૮ની ટુકડી દોડતી થઈ હતી, આ બનાવ અંગે બસચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે, ઇજાગ્રસ્તો પૈકી ચારને જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વસઇ પાસે ગઇ સાંજે ટ્રક, કાર અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને લક્ઝરી બસ જામનગર તરફ આવી રહી હતી, જે દરમિયાન વસઇ ના પાટીયા પાસે આ અકસ્માત નડ્યો હતો. જે ઘટનાની જાણ થતાં ભારે દોડધામ થઈ હતી.
 જામનગરની ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ ટુકડી સૌપ્રથમ ઘટના સ્થળે દોડી હતી, ત્યારબાદ જામનગરની ૧૦૮ની ચાર એમ્બ્યુલન્સ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યારે રિલાયન્સ કંપનીની ત્રણ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે સાતેય વાહનોમાં ૧૨ થી ૧૫ જેટલા  ઇજાગ્રરસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે જી.જી. હોસ્પિટલમાં પણ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
 એક યુવાન કે જેના બંને પગ બસની અંદર ફસાયા હતા, અને પગમાં ગંભીર ઇજા થઈ હતી. જેને ફાયરની ટીમે બહાર કાઢ્યો હતો, અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. જેના બંને પગ ક્ષતિગ્રસ્ત બની ગયા છે.
આ ઘટનાની જાણ થવાથી પંચકોશી બી. ડિવિઝનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને સિક્કા પોલીસની ટુકડી પણ દોડતી થઈ હતી, અને અકસ્માત મામલે વધુ તપાસ ચલાવાઇ રહી છે.
આ બનાવ અંગે રાવલસર ગામમાં રહેતા સાજીદ ઇકબાલભાઇ પતાણી (ઉ.વ.૨૭)એ સિકકા પોલીસ સ્ટેશનમાં બસ નં. જીજે૧૦ટીવાય-૦૭૭૪ના ચાલક સામે ફરીયાદ કરી હતી કે, ગઇ સાંજે ફરીયાદી પોતાની સ્વીફટ ડીઝાયર કાર નં. જીજે૧૦બીઆર-૦૬૯૯ લઇને બેડથી રાવલસર જતા હતા, ત્યારે ડીપીએસ સ્કુલની સામેના ભાગે પહોચતા ફરીયાદીની આગળ ટ્રક નં. જીજે૧વી-૭૬૮૬નો મજુરો ભરીને જતો હતો અને પાછળથી બસ નં. જીજે૧૦ટીવાય-૦૭૭૪ના ચાલકે બેફીકરાઇથી ચલાવી ફરીયાદીની કારને ઓવરટેક કરી ટ્રકને કિલનર સાઇડમાં પાછળથી ભટકાડતા ટ્રક રોન્ગસાઇડ નીચે ઉતરી ગયો હતો અને બસ તેની સાઇડમાં જતા કારમાં અથડતાતા કાર પણ રોડની સાઇડમાં આવેલા પથ્થરો પર ચડી ગઇ હતી, આ અકસ્માતમાં બસ તથા ટ્રકમાં બેઠેલા અંદાજે ૧૫ જેટલા માણસોને નાની મોટી ઇજાઓ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application