જામનગર: ખીજડીયા અભ્યારણ્ય, નરારા ટાપુ અને બરડા સફારી ૨૨ જૂન સુધી ખુલ્લા રહેશે
ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભમાં વિલંબ થતાં મુલાકાતીઓ વધુ એક સપ્તાહ અભ્યારણ્યો અને નેશનલ પાર્કમાં ફરવાની મોજ માણી શકશે
હાલારના વિશ્ર્વ વિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, નરારા ટાપુ અને બરડા ૃસફારી ૨૩ જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. દર વર્ષે ૧૫ જૂનના ચોમાસાનું આગમન થતુ હોય સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભમાં વિલંબ થતાં મુલાકાતીઓ વધુ એક સપ્તાહ અભ્યારણ્યો અને નેશનલ પાર્કમાં ફરવાની મોજ માણી શકશે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહીત રાજયભરમાં આવેલા અભ્યારણ્યો અને નેશનલ પાર્ક દર વર્ષે સામાન્ય રીતે ચોમાસાના પ્રારંભથી મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવે છે. પક્ષી અને પ્રાણીઓના બ્રીડીંગ, નેસ્ટીંગ તથા ભારે વરસાદથી સ્લીપી રોડ, પૂર સહીતના કારણોસર અભ્યારણ્યો અને નેશનલ પાર્ક ચોમાસામાં વનવિભાગ દ્વારા બંધ રાખવામાં આવે છે. દર વર્ષ ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂનના ચોમાસાનું વિધિવત આગમન થાય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસમાં વિલંબ થતાં હજુ વરસાદના કોઇ એંધાણ હાલાર કે રાજયમાં દેખાઇ રહ્યા નથી. આથી રાજયના વનવિભાગના ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડન દ્વારા ગુજરાતમાં આવેલા અભ્યારણ્યો અને નેશનલ પાર્ક ૨૨ જૂન સુધી ખુલ્લા રાખવા આદેશ કરાયો છે.
આથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, નરારા ટાપુ અને બરડા સફારી પાર્ક પણ ૨૨ જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. આથી પ્રવાસીઓ વધુ એક સપ્તાહ અભ્યારણ્યો અને નેશનલ પાર્કમાં ફરવાની મોજ માણી શકશે.
વનવિભાગના આ નિર્ણયથી મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઇ છે. જો કે, ૨૩ જૂનથી હાલાર સહીત રાજયના તમામ અભ્યારણ્યો અને નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે. આમ ચાલુ વર્ષે પ્રવાસીઓ વધુ એક સપ્તાહ સેન્ચ્યુરી અને નેશનલ પાર્કમાં ફરવાની મોજ માણી શકશે.