જામનગર નજીક સિક્કામાં નાઝ સિનેમા પાસેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) ૨ કિલો ૦૬૯ ગ્રામ કિ. આશરે ૨,૦૬,૯૦,૦૦૦ ના જથ્થા સાથે એક શખ્સ ને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ પકડી પાડયો છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. દરીયા કાંઠેથી મળી હોવાની અને વેચવા માટે કોઇનો સંપર્ક કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે હાલ ઉલટીને એફએસએલમાં મોકલી આપી છે.
જામનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા માટે સૂચના કરવામાં આવી હોવાથી તે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગ દર્શન હેઠળ જામનગર જીલ્લામાં દરીયાઈ વિસ્તારમાં કોઈ અસામાજીક પ્રવૃતિ ન થાય કે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ અનુસુચીમાં સંરક્ષીત જીવોના અવશેષોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી આરોપીઓ પકડી પાડી આવા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના અપાઈ હતી.
જે અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના બળભદ્રસિંહ, વિરેન્દ્રસિંહ, મયુરરાજસિંહને બાતમી મળતા સિક્કા ગામમાં નાઝ સિનેમા પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યાં ઇમામ ચોક પાસે રહેતા ઇમરાન દાઉદ ભાયા પોતાના રહેણાક મકાનના રસોડામાં વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ)નો જથ્થો વેચાણ અર્થે લાવેલો છે, અને હાલ આ જથ્થો તેના રહેણાક મકાનના રસોડામાં રાખેલ છે. જેથી ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા ત્યાથી ઈમરાન દાઉદભાઈ ભાયા-વાઘેર (ઉ.વ-૩૭) શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ)ના ટુકડાઓ ૨ કિલો ૦૬૯ ગ્રામ કિ.રૂ. આશરે ૨,૦૬,૯૦,૦૦૦ સાથે મળી આવ્યો હતો. આથી તેના મકાને રસોડામાં રાખેલ કિંમતી ઉલટી કબ્જે લીધી હતી.
એસ.ઓ.જી. ના સ્ટાફે શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ)ના ટુકડાઓ કબ્જે કરી પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. ખાતે મોકલવા તજવીજ હાથ ધરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેને આ ટુકડો સિક્કાના દરિયા કિનારે તણાઈને આવ્યો હોવાનું અને મળી આવ્યાનું જણાવ્યું છે.