વિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્રના ઇતિહાસમાં એક અત્યંત ચોંકાવનારી અને ઐતિહાસિક કહી શકાય તેવી સફળતા વૈજ્ઞાનિકોને મળી છે. સામાન્ય રીતે જે ખનીજને જોઈને લોકો છેતરાઈ જાય છે અને જેને સદીઓથી ‘ફૂલ્સ ગોલ્ડ’ એટલે કે ‘મૂર્ખાઓનું સોનું’ કહેવામાં આવે છે, તેની અંદરથી વૈજ્ઞાનિકોએ અસલી સોનાનો વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે. જાપાનના દરિયા કિનારે ઊંડા સમુદ્રમાં આવેલા એક સક્રિય જ્વાળામુખીના ક્રેટરમાંથી આ અદ્રશ્ય સોનું મળી આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે, આ ખનીજમાં સોનાની સાંદ્રતા અત્યાર સુધી વૈશ્વિક સ્તરે નોંધાયેલી તમામ કિંમતો કરતાં રેકોર્ડબ્રેક સ્તરે વધારે છે. આ શોધે ભવિષ્યમાં વિશ્વભરમાં સોનાની નવી ખાણો શોધવાનો આખો માર્ગ બદલી નાખ્યો છે.
જાપાનની પ્રતિષ્ઠિત શિઝુઓકા યુનિવર્સિટી, વાસેડા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ટોક્યોના સંશોધકોની એક સંયુક્ત ટીમે આ અદભુત સંશોધન કર્યું છે. આ સંશોધન અહેવાલ વિજ્ઞાન જગતના જાણીતા જર્નલ 'સાયન્ટિફિક રિપોર્ટ્સ'માં પ્રકાશિત થયો છે.
જાપાનની રાજધાની ટોક્યોથી આશરે 360 કિલોમીટર દક્ષિણમાં પ્રશાંત મહાસાગરમાં જાપાનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર ‘હિગાશી-આઓગાશિમા કેલ્ડેરા’ આવેલો છે. આ એક અંડરવોટર જ્વાળામુખી ક્રેટર વિસ્તાર છે, જે સમુદ્રની સપાટીથી લગભગ 700 મીટરની ઊંડાઈએ સ્થિત છે. વૈજ્ઞાનિકોએ આ ઊંડા સમુદ્રના તળિયે સંશોધન કરવા માટે હાઈટેક રોબોટિક સબમરીન (પનડુબ્બી)નો ઉપયોગ કરીને ખડકોના સેમ્પલ એકત્ર કર્યા હતા. આ શોધે વૈશ્વિક સ્તરે જીઓલોજિસ્ટ્સને ભારે આશ્ચર્યમાં મૂકી દીધા છે.
જે ખનીજમાંથી આ સોનું મળ્યું છે તેનું વૈજ્ઞાનિક નામ ‘પાઇરાઇટ’ છે, જે એક પ્રકારનું આયર્ન સલ્ફાઇડ અયસ્ક છે. આ ખનીજનો રંગ પીળો અને તેની ચમક ધાતુ જેવી હોવાથી સામાન્ય અનુભવ વગરના લોકો તેને પહેલી નજરે અસલી સોનું સમજી બેસે છે, એટલા માટે જ તેને ‘ફૂલ્સ ગોલ્ડ’ કહેવાય છે.
સમુદ્રના તળિયે આ સોનું કોઈ સામાન્ય ખદાનોની જેમ દ્રશ્યમાન દાણા કે ટુકડાના સ્વરૂપમાં નથી, પરંતુ તે સીફ્લોર પાઇરાઇટના સ્ફટિક લૅટિસની અંદર એક ‘સોલિડ સોલ્યુશન’ના સ્વરૂપમાં મોજૂદ છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં આ પથ્થરોમાં અત્યંત ઝીણા છિદ્રો કરીને સેકન્ડરી-આયન માસ સ્પેક્ટ્રોમેટ્રી (SIMS) ટેકનોલોજી દ્વારા તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ પાઇરાઇટના કણોમાં 1.9% (વજનના ટકાવારીના આધારે) જેટલી ઊંચી સાંદ્રતામાં અસલી સોનું છુપાયેલું છે, જે વૈજ્ઞાનિકો માટે એક મોટો સરપ્રાઈઝ સાબિત થયો છે.
હાઇડ્રોથર્મલ વેન્ટ્સ અને અગાઉના આંકડાઓ સાથે તુલના
હિગાશી-આઓગાશિમા કેલ્ડેરાના તળિયે 3 સક્રિય હાઇડ્રોથર્મલ ફિલ્ડ આવેલા છે, જેમાં સેન્ટ્રલ કોન, સાઉથઇસ્ટ અને ઇસ્ટ સાઇટનો સમાવેશ થાય છે. આ સ્થાનો પર પૃથ્વીના ક્રસ્ટની નીચેથી મિનરલ્સથી ભરપૂર સુપરહીટેડ પ્રવાહી (અત્યંત ગરમ પાણી) સતત બહાર ફેંકાય છે, જેના કારણે અહીં કાળા ધુમાડાવાળી ચિમનીઓ અને સલ્ફાઇડના મોટા ટીલાઓ બનેલા છે.
વૈજ્ઞાનિકોએ વર્ષ 2015માં આ વિસ્તારમાં પોતાનું સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. તે સમયે પ્રાથમિક તપાસમાં પથ્થરોમાં સરેરાશ 102 પાર્ટ પર મિલિયન સોનું જોવા મળ્યું હતું. આ આંકડો પણ વિશ્વના અન્ય ડીપ-સી ડિપોઝિટ્સ (જ્યાં સોનાનું પ્રમાણ માત્ર 0.01 થી 43 PPM સુધી જ હોય છે)ની સરખામણીમાં ઘણો વધારે હતો. આ વખતે સંશોધકોએ તમામ સક્રિય સાઇટ્સ પરથી સેમ્પલ લીધા હતા અને તેમના કદના આધારે તેને 4 ભાગોમાં વહેંચ્યા હતા.