BREAKING NEWS

જામનગરની ૮૪ પેઢીમાં ચેકીંગ, ૭૫ કિલો વાસી ખોરાક, ૪૫ કિલો તેલનો નાશ કરાયો

  • July 15, 2026 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ૮૪ પેઢીમાં ચેકીંગ, ૭૫ કિલો વાસી ખોરાક, ૪૫ કિલો તેલનો નાશ કરાયો

કાર્યવાહી: ૧૫ કીલો પ્રીન્ટેડ પસ્તીનો સ્થળ પર નિકાલ, ગંદકી સબબ ૭ પેઢીને રૂ.૧૪૦૦૦નો દંડ ફટકારતી મનપાની ફુડશાખા 

ફકત બે પેઢીના નામ જાહેર અન્યના નામનો ઉલ્લેખ ન કરવામાં આવતા અનેક સવાલ: પાનની ચટણી અને કાથાના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા
 
જામનગરની ૮૪ પેઢીમાં મહાનગરપાલીકાની ફુડશાખાએ ચેકીંગ કરી ૭૫ કીલો વાસી ખોરાક, ૪૫ કીલો તેલ અને ૧૫ કીલો પ્રીન્ટેડ પસ્તીનો નાશ કર્યો છે. ગંદકી સબબ ૭ પેઢીને રૂ.૧૪૦૦૦નો દંડ ફટકાર્યો છે. પાનની ચટણી અને કાથાના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ મનપાએ જાહેર કરેલી યાદીમાં ફકત બે પેઢીના નામ જાહેર કરાયા છે. જયારે અન્ય પેઢીના નામનો ઉલ્લેખ ન કરવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે.
જામનગરમાં જન સુખાકારી માટે હોટલ, રેસ્ટોન્ટ, દુકાનો તથા રેકડીઓમાં વપરાતા ખાધતેલ,પ્રીન્ટેડ પસ્તીના ઉપયોગ તથા વાસી ખોરાક અંગે તપાસ કરવા મનપાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ સૂચના આપતા ફુડ શાખા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. આ દરમ્યાન ૭૧ પેઢીમાં ફરસાણ અને ફાસ્ટફુટ વિક્રેતાઓને ત્યાં ટીપીસી અને પ્રીન્ટેડ પસ્તી ચેકીંગની કામગીરી દરમ્યાન ૪૫ કીલો તેલ તથા ૧૫ કીલો પ્રીન્ટેડ પસ્તીનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે પ્રીન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી હતી. જયારે હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપ સહીત ૧૩ પેઢીમાં તપાસ દરમ્યાન ૫૦ કીલો વાસી ખોરાક મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો. તદઉપરાંત ૪ આઇસ ફેકટરીની તપાસ કરી સાફ સફાઇ અને સ્વચ્છતા જાળવવા તેમજ નિયમિત કલોરીનેશન કરવા તાકીદ કરી હતી. શહેરના પાણાખાણ વિસ્તારમાં આવેલી ૭ પેઢીમાં ફુડ શાખા દ્વારા સ્થળ તપાસ કરી તમામ પેઢીને સાફ-સફાઇ તથા સ્વચ્છતા જાળવવા, લાલ પડદો લગાવવા, કટીંગનું બીલ નીભાવવા તથા સોલીડ વેસ્ટ શાખાને સાથે રાખી અનિયમિતતા સબબ રૂ.૧૪૦૦૦નો દંડ ફટકાર્યો હતો. 

ઓનલાઇન ફરિયાદ અન્વયે શ‚ સેકશન રોડ પર આવેલી સાંઇ બેકર્સ પેઢીમાં ફુડ શાખાની તપાસમાં એકસપાયરી ડેટના ૨૪ પેકેટ મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો. સાથે સાથે રૂ.૫૦૦૦ દંડ ફટકારી તકેદારી રાખવા સૂચના આપી હતી. અન્ય એક ઓનલાઇન ફરિયાદ અન્વયે મુલ્લા મેડી રોડ પર આવેલા ન્યુ બહાર પાન હાઉસ નામની પેઢીમાં તપાસ કરતા હાઇજેનીક કંડીશન મેન્ટેઇન કરવાની નોટીસ પાઠવી પાનની ચટણી અને કાથાના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફુડશાખાની ચેકીંગ કામગીરીથી વેપારીઓમાં દોડધામ મચી ગઇ છે. મનપાને ૮૪ પેઢીમાં ચેકીંગ કર્યું તે આવકારદાયક બાબત છે. પરંતુ તેમાંથી ફકત બે પેઢીના નામ જાહેર કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application