રાજકોટના લક્ષ્મીનગર પાછળ રાધાનગરમાં રહેતાં બ્યુટી પાર્લર સંચાલિકા સાથે કોર્પોરેશનનો કોન્ટ્રાકટરે જુના દાગીના નવા બનાવી આપવાનું કહીં ૨૫ લાખનો ધુંબો મારી દીધો હતો. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લક્ષ્મીનગર પાછળ રાધાનગર શેરી નં.૬ માં રહેતાં હેતલબેન તુષારભાઈ પરસાણા (ઉ.વ.૪૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શક્તિ રમેશ રાઠોડ (રહે. માધવ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર, અજમેરા નાના મવા મેઈન રોડ) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, હાલમાં તેણી ઘરકામ કરે છે. તેણી ઘરેથી જ શીવહેતુ મેકઓવ” નામથી બ્યુટીપાર્લરનું કામકાજ કરી સાથે કોસ્મેટીકની વસ્તુઓનુ પણ વેચાણ કરે છે.
ગઈ જાન્યુઆરી-૨૦૨૫ માં તેમની ફ્રેન્ડ પાયલ ડોડીયા મારફતે તેના પિતરાઈ ભાઈ શકિત રાઠોડનો સંપર્ક થયો હતો તે મ્યુનિસીપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ રાખવાનું કામ તથા કોસ્મેટીક આઈટમ લે -વેચનું તથા શ્રી રામ પંજાબી ચાઈનીઝ એન્ડ ઢોસા જેવા અલગ અલગ ધંધા કરે છે તેમ જણાવેલ હતુ.
બાદમાં ગત ફેબ્રુઆરી-૨૦૨૫ માં શકિત રાઠોડએ જણાવેલ કે, તેના એક મિત્ર સૌ નાના જુના દાગીનાના બદલામાં ઝીરો ટકા મજુરીએ નવા દાગીના બનાવી આપવાની સ્કીમ ચલાવે છે. જેથી શક્તિ રાઠોડની વાતમાં આવીને ઘરમાં પડેલ દાગીના પૈકી ૨-૩ દાગીના આપેલ જે દાગીના પૈકી ૨ દાગીના નવા જેવા કરી પરત આપીને તેના વિશ્વાસમાં લીધેલા હતાં. ત્યારબાદ તે દાગીના પણ શક્તિ રાઠોડ પરત લઇ ગયેલા અને ધીરે-ધીરે ઘરમાં પડેલ સોનાના દાગીના ઉપરાંત લોકરમાં પડેલ તેણીના અને સાસુ તેમજ પતિના સોનાના દાગીના કુલ વજન ૭૨૦ ગ્રામ તે તમામ જુનામાંથી નવા દાગીના બનાવવા માટે લઇ ગયેલ હતો.
ત્યારબાદ નવેમ્બર-૨૦૨૫ માં ફરીયાદીને એક લગ્ન પ્રસંગમાં જવાનું હોય જેથી સોનાના દાગીનાની જરૂર પડતા શક્તિ રાઠોડને નવા દાગીના આપી જવા જણાવેલ પરંતુ તેણે દાગીના આપ્યા ન હતાં. જેથી આ શક્તિ રાઠોડને અનેક વખત ફોન તથા રૂબરૂમાં દાગીનાની માંગણી કરતા ૩-ચેન અને એક જોડી બુટી પરત આપી ગયેલ હતો.
અનેક વખત ફોન કર્યા બાદ આ શક્તિ રાઠોડએ તા.૧૦/૧૨/૨૦૨૫ ના લેખિતમાં કાગળ ઉપર બાહેંધરી આપેલ કે, તમને તમારા સોનાના દાગીના તા.૧૭/૧૨/૨૦૨૫ ના આપી દઈશ. ત્યારબાદ તા. ૧૭/૧૨ થી તા. ૨૪/૧૨ સુધીમાં અનેક વખત ફોન ઉપર તથા રૂબરૂમાં સોનાના દાગીના કઈ જગ્યાએ બનાવવા આપેલ છે ત્યાં લઇ જવા જણાવેલ ત્યારે અંતે આ શક્તિ રાઠોડએ જણાવેલ કે, તેને આ સોનાના દાગીના યદુનંદન નામની મંડળી તેમજ અન્ય જગ્યાએ ગીરવે મુકેલ છે અને તે તમામ જગ્યાએ રૂપિયા ભર્યા બાદ દાગીના પરત મળશે. જેથી જે જગ્યાએ સોનાના દાગીના ગીરવે મુકેલ ત્યાં લઈ જવા જણાવેલ તો ત્યાં પણ લઇ ગયેલ નહિ.
બાદમાં પોલીસ કમિશ્નરને અરજી કરતાં પોલીસ મથકે સોનાના બદલે રોકડ રૂ.૮૦ લાખ આપવાનું નક્કી થયેલ જે બાદ આરોપીએ રૂ.૫૫ લાખ આપ્યાં બાદ બાકીના રૂ.૨૫ લાખ ન આપી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.